ચાર લાખનો ખર્ચ કર્યો, સુપ્રીમે 30 હજારનું વળતર અને ગ્રેચ્યુઇટી સહિતની રકમ ચૂકવવા કર્યો આદેશ
દિલ્હીની એક ચોંકાવનારી ઘટના અત્યારે ચર્ચામાં છે. આ કહાની એક એવા કંડક્ટરની છે જેણે પોતાના જીવનના ચાર દાયકા માત્ર 5 પૈસાની કથિત ઉચાપતનો કલંક ધોવામાં વિતાવી દીધા. આ ઘટનાએ લોકોને ભાવુક તો કર્યા જ છે, પણ સાથે જ ન્યાયમાં થતા વિલંબ સામે રોષ પણ જગાડ્યો છે. આ ઘટનાએ લોકોને માત્ર હચમચાવી દીધા જ નહીં પરંતુ ન્યાય વ્યવસ્થા પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે.
આ કેસ 1973નો છે, જ્યારે રણવીર સિંહ યાદવ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC) માટે બસ કંડક્ટર તરીકે કામ કરતા હતા. તેમના પર 10 પૈસાની ટિકિટ માટે એક મહિલા મુસાફર પાસેથી 15 પૈસા લેવાનો અને 5 પૈસા પોતાના માટે રાખવાનો આરોપ હતો. આ આરોપ બાદ તેમની સામે તપાસ શરૂૂ કરવામાં આવી હતી, અને થોડા વર્ષો પછી તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
નોકરી ગુમાવ્યા પછી રણવીરે ન્યાય માટે કાયદાકીય લડાઈ શરૂૂ કરી. આ લડાઈ એટલી લાંબી હતી કે તેમણે કોર્ટમાં પોતાના જીવનના ઘણા વર્ષોનો નાશ કર્યો. 1990 માં તેમને લેબર કોર્ટમાંથી રાહત મળી, જેણે તેમની બરતરફીને અન્યાયી જાહેર કરી.
પરંતુ મામલો ત્યાં જ સમાપ્ત થયો નહીં. ડીટીસીએ આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો, જેનાથી કેસ વધુ લંબાયો. આ સમયગાળા દરમિયાન એક ચોંકાવનારી વાત સામે આવી છે. જે 5 પૈસા વસૂલવા માટે કાયદાકીય ખર્ચમાં આશરે 47 હજાર રૂૂપિયા ખર્ચ કર્યા. જ્યારે રણવીરે પણ આ લડાઈમાં આશરે 4 લાખ રૂૂપિયા ખર્ચ કરી નાખ્યા હતા.
આજે, આ કેસ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. લોકો તેમને ન્યાય વ્યવસ્થાની ધીમી ગતિ અને સંસાધનોના બગાડનું ઉદાહરણ તરીકે ટાંકી રહ્યા છે. ઘણા યૂઝર્સે કહ્યું કે એક નાના કેસને ઉકેલવામાં દાયકાઓ લાગે છે તે સિસ્ટમમાં મોટી ખામી દર્શાવે છે.
રણવીર માટે સન્માનનો હતો સવાલ
રણવીર માટે આ ફક્ત પૈસાનો પ્રશ્ન નહોતો, પરંતુ તેમના માટે ઈજ્જત અને સચ્ચાઈની લડાઈ હતી. તે ઘણીવાર કહેતા હતા કે તેમના પોતાના બાળકો પણ તેમને પૂછતા હતા કે શું તેમણે ખરેખર કોઈ પાસેથી પૈસા લીધા છે. આ પ્રશ્ન તેમના માટે ખૂબ જ પીડાદાયક હતો. આખરે, લાંબી કાયદાકીય લડાઈ પછી, તેમને ન્યાય મળ્યો. કોર્ટે ડીટીસીને રણવીરને ₹30,000 વળતર ચૂકવવા આદેશ કર્યો, સાથે તેમની ગ્રેચ્યુઇટી અને અન્ય બાકી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો.
