સ્માર્ટ સિટીની ઘેલછામાં પાયાની સુવિધાનો વિકાસ રૂંધાયો, ગત વર્ષ કરતા ફરિયાદોમાં તોતિંગ વધારો
નવા વર્ષનો આજે પ્રથમ દિવસ છે ત્યારે ગત વર્ષના ઘટના ક્રમમાં મહાનગરપાલિકાએ કરેલ કામો ઉપરાંત લોકોને મુશ્કેલી પડી હોય અને સીવીક સેન્ટર સહિતના સ્થળોએ ફરિયાદ કરેલ હોય તેનો એક વર્ષનો હિસાબ જાહેર થયો છે. જે મુજબ સ્માર્ટ સિટીની વાતો વચ્ચે મહાનગરપાલિકાની પાયાની જરૂરિયાતો માટેની કામ કરવાની ગતી ધીમી પડી હોય તેમ એક વર્ષ દરમિયાન 467582 ફરિયાદો નોંધાઇ છે. જેમાં સૌથી વધુ ભૂગર્ભ ગટરની 2.65 લાખ ફરિયાદો નોંધાઇ છે. જે ગત વર્ષની તુલનાએ વધુ હોવાનુ જાણવા મળેલ છે.
શહેરમાં મહાનગરપાલિકા દ્વારા આપવામા આવતી પાયાની સુવિધાઓ પૈકી રોડ-રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇન અને ડ્રેનેજ લોકો માટે ખાસ હોય છે. અ સુવિધા ઉભી થાય ત્યારે લોકો મનપાના સીવીક સેન્ટર ખાતે ફરિયાદ નોંધાવતા હોય છે. જેનો નિરાકરણ પણ ઝડપથી થાય છે. આદ્યુનિક ટેકનોલોજીના કારણે મનપાની કામગીરી પણ ઝડપી બની છે. તેમજ લોકોની સુખાકારીમાં વધારો જોવા મળ્યો છે.
પરંતુ ટેકનોલોજીનો સમયસર ઉપયોગ કરવામાં મહાનગરપાલિકા વામણું પુરવાર થયુ હોય તેમ આ વર્ષે પણ કુલ ફરિયાદ પૈકી 57% ટકા ફરિયાદ ફકત ડ્રેનેજની નોંધાઇ છે. અલગ-અલગ વિભાગોને લગતી વર્ષ દરમિયાન 467582 ફરિયાદો નોંધાઇ હતી. જે પૈકી 462465 ફરિયાદોનો સમયસર નિકાલ કરવામાં આવ્યો છે. બીજા નંબરે સ્ટ્રીટ લાઇટની 49234 ફરિયાદો નોંધાઇ છે. આથી ડ્રેનેજ અને રોશની વિભાગની નબળી કામગીરી થઇ હોવાનુ સાબિત થયુ છે. ગત વર્ષે તમામ વિભાગોમાથી 426418 ફરિયાદો નોંધાય હતી.
જેમાં 2.34 લાખ ફરિયાદ ડ્રેનેજ વિભાગની હતી. છતા એક વર્ષ દરમિયાન ફરિયાદોને લગતુ કામ ન થતા ચાલુ વર્ષે ફરિયાદોમાં વધારો થતા 2025માં 2.65 લાખ ડ્રેનેજની ફરિયાદ નોંધાઇ છે. જેનુ મુખ્ય કારણ દરેક વોર્ડમાં ડ્રેનેજ ફરિયાદો માટે કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવ્યુ છે. જેના લીધે અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ કામ થતુ ન હોવાથી ફરિયાદોનો સમયસર નિકાલ થતો નથી અને સાથોસાથ આ પ્રકારની ફરિયાદ ફરી વખત ન આવે તે અંગે સુધારા વધારા પણ થતા નથી જેના લીધે વર્ષો વરસ ડ્રેનેજની ફરિયાદોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
એક જ સમસ્યા માટે અનેક વખત ફરિયાદો
રાજકોટ શહેરના તમામ 18 વોર્ડમાં મોટાભાગની લોકોની ફરિયાદોના ઉકેલ માટે કોન્ટ્રાક્ટરોને કામ સોંપવામાં આવ્યુ છે. અરજદાર સીવીક સેન્ટર ખાતે ફરિયાદ કરે ત્યારે અરજદારને ઓટીપી સાથે ફરિયાદ નંબર મળી જાય છે. તેના થોડા સમયબાદ ફરિયાદની નિકાલ થઇ ગયાનો એસએમએસ પણ મોકલવામાં આવેલ છે. તેમા પણ અનેક ફરિયાદો ઉઠી રહી છે. એસએમએસમા દર્શાવ્યા મુજબ સમય અને તારીખ સાથે ફરિયાદ સોલ થઇ ગયાનુ જાણવવામાં આવે છે. જેની સામે અરજદારે કરેલ ફરિયાદનુ નિરાકરણ થયુ જ ના હોય જેથી ફરિયાદી દ્વારા ફરી વખત એના એજ સમયસ્યાની ફરિયાદ નોંધાવવામાં આવે છે. આમ જોતા વર્ષ 2025 દરમિયાન સીવીક સેન્ટર ખાતે નોંધાયેલ 467582 ફરિયાદો પૈકી અંદાજે 10%થી વધુ ફરિયાદો એક જ સમસ્યાની બીજી વખત નોંધાવવામાં આવી હોય તેવુ લાગી રહ્યુ છે.
