ભારતીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની મેચો માત્ર રમતની દૃષ્ટિએ જ નહીં, પરંતુ વ્યાપારી રીતે પણ ખૂબ મહત્વ ધરાવે છે. ઘરઆંગણે રમાતી આંતરરાષ્ટ્રીય મેચો દરમિયાન મોટી સંખ્યામાં દર્શકો અને ટીવી પ્રેક્ષકો સુધી પહોંચવાની તક મળતી હોવાથી બ્રાન્ડ્સ માટે આ એક મહત્વનું પ્લેટફોર્મ બની ગયું છે. BCCI એ પણ આ જ વ્યાવસાયિક મહત્વને ધ્યાનમાં રાખીને નવા એસોસિયેટ પાર્ટનર્સની પસંદગી કરી છે.
BCCI એ કેમ્પા કોલા, SBI લાઇફ અને ChatGPTને ભારતીય ટીમની ઘરઆંગણાની દ્વિપક્ષીય મેચો માટે એસોસિયેટ પાર્ટનર તરીકે પસંદ કર્યા છે. આ કરાર માર્ચ 2028 સુધી ચાલશે અને કુલ 35 મેચોને આવરી લેશે. અગાઉનો એસોસિયેટ પાર્ટનરશિપ કરાર ઓગસ્ટ 2026માં પૂરો થયો હતો.
આ ડીલમાં કેમ્પા કોલાએ સૌથી વધુ બોલી લગાવી છે. રિલાયન્સ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સની બ્રાન્ડ કેમ્પા કોલા BCCI ને દરેક મેચ માટે ₹1.31 કરોડ ચૂકવશે. જ્યારે SBI લાઇફ અને ChatGPTએ પ્રતિ મેચ ₹1.20 કરોડની બોલી લગાવી છે. કેમ્પા કોલાને બિસ્લેરી અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન તરફથી પણ સ્પર્ધા મળી હતી, બંનેએ ₹1.20 કરોડ પ્રતિ મેચની બોલી લગાવી હતી. ત્રણેય ડીલ મળીને 35 મેચ માટે BCCI ને ₹129.85 કરોડની આવક થશે.
ખાસ વાત એ છે કે એસોસિયેટ પાર્ટનર્સના લોગો ટીમ ઈન્ડિયાની જર્સી પર જોવા નહીં મળે. જર્સી પર ટાઇટલ સ્પોન્સર માટેની જગ્યા અલગ હોય છે. એસોસિયેટ પાર્ટનર્સને મેચ દરમિયાન ટીવી ગ્રાફિક્સ અને મેદાનમાં બ્રાન્ડિંગ દ્વારા પ્રચારની તક મળશે. તેમના લોગો બાઉન્ડ્રી કુશન સહિતના વિવિધ સ્થળોએ પણ જોવા મળી શકે છે.
BCCI એ જુલાઈમાં ટાઇટલ સ્પોન્સરશિપ અને એસોસિયેટ પાર્ટનર રાઇટ્સ માટે લિસ્ટ મંગાવી હતી. ટાઇટલ સ્પોન્સરની શોધ હજુ ચાલુ છે, જ્યારે એસોસિયેટ પાર્ટનરશિપનો કરાર હવે નક્કી થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાની આગામી ઘરઆંગણાની સિરીઝ 27 સપ્ટેમ્બરથી વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂૂ થવાની છે, જેમાં ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમાશે.
