ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 2024-25 સીઝન માટે તેની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. જેમાં 9 એવા ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે, જેમને પહેલી વાર BCCIનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળ્યો છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, બુમરાહ અને જાડેજાને તેમાં A પ્લસ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયાના કુલ 34 ખેલાડીઓને A+, A, B, C ગ્રેડમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જેમાં A+ ગ્રેડ કેટેગરીના ખેલાડીઓને દરવર્ષે રૂ. 7 કરોડ મળે છે.
બીસીસીઆઈએ A કેટેગરીમાં શુભમન ગિલ, સિરાજને સ્થાન આપ્યું છે. તેમજ ઋષભ પંત, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા પણ ગ્રેડ Aમાં સામેલ છે. BCCIએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં કુલ 24 ખેલાડીઓને સ્થાન આપ્યું છે. જેમાં શ્રેયસ અય્યર અને ઈશાન કિશનની વાપસી થઈ છે. આ બંને ખેલાડીઓને અગાઉ સજાના ભાગરૂપે કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યા હતાં.
ગ્રેડ B માં પાંચ ખેલાડીઓ સામેલ
ગ્રેડ B માં સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ, અને શ્રેયસ અય્યર સામેલ છે. જ્યારે ગ્રેડ Cમાં રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, રજત પાટિદાર, ધ્રુવ જુરેલ, સરફરાજ ખાન, નીતિશ કુમાર રેડ્ડી, ઈશાન કિશન, અભિષેક શર્મા, આકાશદીપ, વરૂણ ચક્રવર્તી, હર્ષિત રાણાને સામેલ કરવામાં આવ્યા છે.
BCCI દ્વારા દરવર્ષે વાર્ષિક કોન્ટ્રાક્ટ જાહેર કરવામાં આવે છે. જેમાં ખેલાડીઓના પર્ફોર્મન્સ, સાતત્ય અને યોગદાનના આધારે ગ્રેડ ફાળવણી થાય છે. તેમાં ગ્રેડ A+ માં વાર્ષિક રૂ. 7 કરોડ, ગ્રેડ Aમાં રૂ. 5 કરોડ, ગ્રેડ Bમાં રૂ. 3 કરોડ અને ગ્રેડ Cમાં રૂ. 1 કરોડ મળે છે.