શહેરના મવડી ચોકડી પાસે અસ્થા ચોક નજીક 26 દિવસ પૂર્વે થયેલા હુમલામાં બીબીએના વિધાર્થીનું સારવારમાં મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે. યુનિવર્સિટી રોડ પર પુષ્કરધામ સોસાયટીમાં રહેતા અને ગોંડલ રોડ ચોકડી પાસે કેન્ટીન સેન્ડવીચનો સ્ટોલ ચલાવતા બે પિતરાઈ ભાઈઓ પર વાહન સાઈડમાં લેવા જેવી નજીવી બાબતે જીવલેણ હુમલો થયો હતો. મળતી વિગત મુજબ ગત 16 સપ્ટેમ્બરની રાત્રે બનેલા બનાવમાં 150 ફુટ રીંગ રોડ પર આવેલા ડો. આંબેડકર ચોક પાસ આસ્થા ચોક નજીક ચા ની હોટલે બીબીએમાં અભ્યાસ કરતો પ્રેમ રમેશભાઇ વીરડા (ઉ.વ.22) અને તેના કાકાના દીકરા મીત પ્રકાશભાઇ વીરડા (ઉ.વ.19) ચા પીવા માટે ઊભા હતા.
આ દરમિયાન બે શખ્સો ત્યાં આવ્યા હતા અને તેમનું એક્ટીવા વાહન હટાવી દેવા બાબતે ઉગ્ર બોલાચાલી શરૂૂ કરી દીધી હતી. મીતે વાહન બાજુ પર ખસેડી લીધું હોવા છતાં બંને શખ્સોએ ઉશ્કેરાઈને બેફામ ગાળાગાળી કરી હતી. થોડીવારમાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને હુમલાખોરોએ હોટલ પરથી ચા બનાવવાનો ડોયો અને લાકડી લાવીને બંને ભાઈઓ પર આડેધડ હુમલો કર્યો હતો. જેમાં મીતને હાથ અને પગના ભાગે ઈજાઓ થઈ હતી, જ્યારે વચ્ચે બચાવવા પડેલા મોટા ભાઈ પ્રેમ વીરડાને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યો હતો.
સારવાર દરમિયાન ગઈકાલે અમદાવાદ ખાતે પ્રેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે અગાઉ મીત પ્રકાશભાઈ વીરડાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે સામે ગુનો નોંધી તપાસ કરતા આ હુમલામાં આરોપી પાર્થ ઉર્ફે બબો ભૂપેશભાઇ સોલંકી અને એક બાળ કિશોરની ધરપકડ કરી હતી. હુમલાખોર મુખ્ય આરોપી પાર્થ જેલ હવાલે છે. આ મામલે તાલુકા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી જરૂૂરી કાર્યવાહી કરી હતી.
