ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી માટેની અગાઉ સ્થગિત કરાયેલ મતગણતરીની પ્રક્રિયા આજે અમદાવાદની ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમમાં શરૂૂ થઈ ગઈ છે. કડક પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શરૂૂ થયેલી આ પ્રક્રિયા ઓછામાં ઓછા 10 દિવસ સુધી ચાલુ રહેશે. આ ચૂંટણીમાં રાજ્યભરના 76,000થી વધુ વકીલોએ મતદાન કર્યું હતું, જેમાં સરેરાશ 52 ટકા મતદાન નોંધાયું છે.
આ ચૂંટણીમાં 23 સભ્યોના નવા મંડળ માટે 99 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં 79 પુરુષ અને 20 મહિલા ઉમેદવારો સામેલ છે. મહિલાઓ માટે 5 આરક્ષિત બેઠકો છે. 6 માર્ચે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલા મતદાન પછી આજથી મતગણતરી શરૂૂ થઈ છે. 2018ની ચૂંટણીમાં 50,000 મતદારો સાથે 10 દિવસ લાગ્યા હતા, ત્યારે આ વખતે મતદારોની સંખ્યા વધુ હોવાથી પ્રક્રિયા વધુ જટિલ અને સમય માંગી લેશે.
ગુજરાત બાર કાઉન્સિલ (BCG)ની ચૂંટણી માટે અગાઉ મતગણતરી પ્રક્રિયા અચાનક સ્થગિત કરાઈ હતી. આ વિલંબનું મુખ્ય કારણ ચૂંટણી કમિશનર્સ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI)ને કરવામાં આવેલી રજૂઆત હતી. જેના આધારે 12 જેટલા ઉમેદવારોને નોટિસ પાઠવી જવાબ રજુ કરવા જણાવવામાં આવ્યું છે.ચૂંટણી કમિશનર્સે 12 જેટલા ઉમેદવાર વકીલો વિરુદ્ધ અરજી કરી હતી, જેમાં અનિયમિતતા અને અન્ય આક્ષેપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રજૂઆતને કારણે BCIના નિર્દેશ અથવા સંબંધિત તપાસ પછી જ મતગણતરી આગળ વધશે ભાવનગરના ઉમેદવાર અનિરુદ્ધ સિંહ ઝાલાએ જણાવ્યું કે, “78,000 વકીલ ભાઈ-બહેનોએ પોતાની માતૃ સંસ્થા પ્રત્યેની ફરજ નિભાવી છે. મતદાન શાંતિપૂર્ણ રહ્યું અને આજથી મતગણતરી શરૂૂ થઈ છે, જે ખૂબ જ સુવ્યવસ્થિત છે.” અમરેલી જિલ્લામાંથી 415 મતો નોંધાયા હોવાનું સમર્થકો વિજયરાજસિંહ ઝાલા અને હિરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું. તેઓએ વ્યવસ્થાની પ્રશંસા કરી અને ઉમેદવારો તથા વકીલોની હાજરીને સારી ગણાવી.
નવા ચૂંટાયેલા 23 સભ્યો આગામી પાંચ વર્ષ માટે ગુજરાતના વકીલોનું પ્રતિનિધિત્વ કરશે. આ ચૂંટણી વકીલ વર્ગના હિતો, નૈતિકતા અને વ્યવસાયિક વિકાસ માટે મહત્વની ગણાય છે. મતગણતરીના પરિણામો આવતા જ નવા મંડળની રચના થશે અને રાજ્યના કાનૂની વર્ગમાં નવી ઊર્જા આવશે તેવી અપેક્ષા છે.
