કેશિયરે નાણાં પત્નીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા, કમ્પ્યુટરની એન્ટ્રીમાં પણ ચેડા કર્યા હતા
બેંગ્લોરમાં નોંધાયેલી ઓનલાઇન ગેમીંગમાં નાણાંની હેરફેરની તપાસમાં ગઢડાના જલાલપરમાં આવેલી બેંકના કેશિયર અને તેની પત્નીએ 51 ખાતેદારો સાથે કરેલી રૂૂ.2.14 કરોડની ઉચાયતનો ભાંડો ફૂટ્યો છે. 3 વર્ષથી ફરજ બજાવતો કર્મી છેલ્લા 6 મહિનાથી પ્રિન્ટ બગડ્યાનું બહાનું કાઢી વાઉચર બન્યા વિના પોતાના ખાતમાં રકમ જમા કરી દેતો હતો.
બેંકના લોગીન પાસવર્ડનો ઉપયોગ કરી ખાતેદારોને જતાં મેસેજ પણ બંધ કરી દીધા હતા. ગઢડા (સ્વામીના) તાલુકાના જલાલપર ગામે આવેલી ભાવનગર ડિસ્ટ્રિક્ટ સહકારી બેંકની શાખામાં કેશિયર તરીકે ફરજ બજાવતા આનંદકુમાર પોપટભાઈ સગરે બેંકના કામ માટે મળેલા પોતાનાં આઈ.ડી. અને પાસવર્ડનો દુરુપયોગ કરી 51 ખાતેદારોના ખાતામાંથી રૂૂપિયા 2.14 કરોડ રકમ પોતાની પત્ની જાગૃતિબેન સહિત જુદા જુદા ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધી હતી. આનંદકુમારે રકમ પોતાના ઢસા જંકશન બ્રાન્ચના ખાતામાં, જલાલપુર શાખાના કેશ ક્રેડિટ ખાતામાં અને પત્ની જાગૃતિબેનના ખાતામાં ટ્રાન્સફર કરી.
જાગૃતિબેનને પતિના નામે ઉચાપતની જાણ થતાં તેઓ પતિ સાથેના જોઇન્ટ લોકરમાંથી પિતાએ આપેલી દાગીનાની પોટલી લેવા બેંકે ગઈ હતી પરંતુ હેડ ઓફિસની સૂચના મુજબ લોકર હોલ્ડ પર મુકાયું. લોકર ન ખોલવા દે તો આત્મહત્યાની ધમકી આપી. બેંક અધિકારીઓ અને ડાયરેક્ટર પર આક્ષેપ કર્યા હતા. તપાસમાં જણાયું કે જાગૃતિબેન પોતાના ખાતામાં થયેલી લેવડદેવડથી વાકેફ હતી. પિતાની પોટલી તરીકે દાગીના બતાવી પોતે અજાણ હોવાનું નાટક કર્યું.સામાન્ય રીતે બેંકમાં નાણાંકીય લેવડ-દેવડના વાઉચર બનતાં હોય છે. કેશિયર આનંદકુમાર ઓનલાઇન લેવડ-દેવડ કરતો હોવાથી સૌથી પહેલાં ખાતેદારોના ડેબિટ મેસેજ બંધ કરી દીધા હતા. કમ્પ્યૂટર એન્ટ્રીમાં ચેંડા કરી ખોટી એન્ટ્રીઓ કરી બેન્કના ખાતેદારોનાં નાણાં એકબીજાનાં ખાતાઓમાથી ખોટી રીતે ઉપાડ કરી પોતાનાં બચત ખાતા અને સી.સી.ખાતામાં જમા કરી હતી.
