નવા વડાપ્રધાન આવતા જ બાંગ્લાદેશનો યુ-ટર્ન; ભારતીયો માટે વિઝા ફરી શરૂ

બાંગ્લાદેશના નવનિયુક્ત વડાપ્રધાન તારિક રહેમાને ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને પુન:જીવિત કરવાના હેતુથી શુક્રવારે, 20 February 2026 ના રોજ એક અત્યંત મહત્વપૂર્ણ રાજદ્વારી નિર્ણય લીધો છે.…

બાંગ્લાદેશના નવનિયુક્ત વડાપ્રધાન તારિક રહેમાને ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને પુન:જીવિત કરવાના હેતુથી શુક્રવારે, 20 February 2026 ના રોજ એક અત્યંત મહત્વપૂર્ણ રાજદ્વારી નિર્ણય લીધો છે. મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની પાછલી સરકાર દ્વારા ભારતીય નાગરિકો પર લાદવામાં આવેલા વિઝા પ્રતિબંધોને ઉથલાવી દઈને, તારિક રહેમાન સરકારે હવે મેડિકલ, ટુરિસ્ટ અને અન્ય તમામ શ્રેણીના વિઝા તાત્કાલિક અસરથી પુન:સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે. દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશને આ અંગેની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ પગલા પાછળનું મુખ્ય કારણ છેલ્લા બે મહિનાથી બંને દેશો વચ્ચે સર્જાયેલી રાજદ્વારી મડાગાંઠને દૂર કરી, પરસ્પર વિશ્વાસ અને આર્થિક સહયોગ વધારવાનું જણાવવામાં આવ્યું છે.
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત પ્રત્યેના વલણમાં મોટો બદલાવ જોવા મળ્યો છે.

અગાઉ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે ભારત સાથેના તણાવને પગલે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી હતી. જોકે, શુક્રવારે સવારથી જ તમામ સેવાઓ ફરી શરૂૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બિઝનેસ અને વર્ક વિઝા ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ ચાલુ હતા, પરંતુ પ્રવાસન અને સારવાર માટે ભારતથી બાંગ્લાદેશ જતા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ હતી. BNP (બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી) ની સરકાર સત્તામાં આવ્યાના ટૂંકા ગાળામાં જ લેવાયેલો આ નિર્ણય દક્ષિણ એશિયાના રાજકારણમાં એક નવા પ્રકરણની શરૂૂઆત સમાન માનવામાં આવે છે.

બાંગ્લાદેશી નાગરિકો માટે પણ ભારત તરફથી વિઝા પ્રક્રિયા સરળ બનાવવાની તૈયારીઓ શરૂૂ થઈ ચૂકી છે. સિલ્હટમાં ભારતના સિનિયર કોન્સ્યુલર ઓફિસર અનિરુદ્ધ દાસે 19 February 2026 ના રોજ સંકેત આપ્યો હતો કે બાંગ્લાદેશીઓ માટે તમામ કેટેગરીના વિઝા ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે. હાલમાં, ભારત દ્વારા મેડિકલ અને ડબલ એન્ટ્રી વિઝા અગ્રતાના ધોરણે જારી કરવામાં આવી રહ્યા છે. દાસે વધુમાં ઉમેર્યું કે ભારત અને બાંગ્લાદેશના સંબંધો સહિયારા હિતો અને પરસ્પર આદર પર ટકેલા છે, જે અંતર્ગત ટૂંક સમયમાં મુસાફરી સહિતના તમામ વિઝા પુન: શરૂૂ કરવા માટે નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *