અમેરિકાના અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારી તરફથી આ પુષ્ટી કરવામાં આવી છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 31 માર્ચથી બે એપ્રિલ સુધી ચીનની સત્તાવાર મુલાકાત કરી શકે છે. ટ્રમ્પના બીજા કાર્યકાળની આ મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે, કારણ કે આ પ્રવાસ બંને મહાસત્તાઓ વચ્ચેના વેપાર અને સુરક્ષા સંબંધોમાં નવો વળાંક લાવી શકે છે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ 31 માર્ચે ચીન પહોંચશે. ત્રણ દિવસના આ પ્રવાસ દરમિયાન તેઓ ચીની નેતૃત્વ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધો, ટેરિફ વિવાદો અને એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભૌગોલિક-રાજકીય સ્થિરતા અંગે ચર્ચા કરવાનો હોવાનું મનાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ’અમેરિકા ફર્સ્ટ’ નીતિ હેઠળ ચીન સાથેના વ્યાપાર સંતુલન પર ભાર મૂકી શકે છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક સહયોગ જેવા મુદ્દાઓ પણ ટેબલ પર હશે. નિષ્ણાતો માને છે કે આ મુલાકાતથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા લાંબા સમયના તણાવમાં ઘટાડો થઈ શકે છે અથવા નવા કરારોની જાહેરાત થઈ શકે છે.
