ફક્ત વાહનોની ટાંકીમાં જ ઇંધણ ભરી શકાશે, પુરવઠા વિભાગનો આદેશ
હાલમાં સોશિયલ મીડિયા દ્વારા તેમજ જુદા જુદા માધ્યમો દ્વારા ફેલાયેલ અફવાને લીધે સમગ્ર ગુજરાતમાં લોકોએ પેટ્રોલ પંપ ઉપર લાઈનો લગાવતા અનેક પંપો ડ્રાય થઈ ગયા છે ત્યારે રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા માત્ર વાહનોની ટાંકીમાંજ જથ્થો પૂરી દેવાનો હુકમ કર્યો છે.
અન્ન અને નાગરિક પુરવઠા નિયામક દ્વારા રાજ્યના તમામ કલેકટર, જિલ્લા પુરવઠા અધિકારી,ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, જીઓ બીપી અને નાયરા કંપનીને ગઈકાલે પરિપત્ર આપી કડક સુચના આપી છે કે સાંપ્રત પરિસ્થિતિમાં પેટ્રોલ પંપ પરથી વેચાણ કરવામાં આવતો પેટ્રોલ તથા ડીઝલનો જથ્થો ખોટી રીતે સંગ્રહ ન થાય તે માટે રાજ્યના દરેક પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ અને ડીઝલનું વેચાણ માત્ર વાહનોની ટાંકીઓમાં ભરવા પૂરતું સીમિત કરવામાં આવે તે સિવાય કોઈ પણ પાત્રમાં કે બેરલમાં પેટ્રોલ તથા ડીઝલનું વેચાણ કરી શકાશે નહીં.
આમ છતાં કોઈ વિક્રેતા કળત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ કરશે, સંગ્રહખોરી કરશે અથવા તો બેરલમાં પેટ્રોલ કે ડિઝલ ભરી આપશે તો તેમની સામે આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ 1955 ની જોગવાઈ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે પેટ્રોલ પંપ સંચાલકો સંગ્રહ નથી કરતા પરંતુ લોકો ડીઝલના બેરલ ભરી સંગ્રહ કરી રહ્યા હોવાનું એક પેટ્રોલ પંપ સંચાલકે જણાવ્યું હતું પેટ્રોલ પંપ સંચાલકો તો દરેક વાહન ચાલકને જોઈએ તેટલુ સ્ટોક હોય ત્યા સુધી ભરી આપે છે.
પુરવઠા વિભાગના એક અધિકારીના જણાવ્યા મુજબ દરેક પેટ્રોલ પંપ સંચાલકને કડક સૂચના આપવામાં આવી છે કે બેરલમાં કે બીજા પાત્રમાં પેટ્રોલ-ડીઝલનો પુરવઠો ભરી આપવો નહીં આમ છતાં કોઈ ભરતા માલુમ પડશે તો તેમની સામે પગલાં લેવામાં આવશે.
રાજકોટમાં પેટ્રોલ પંપો ઉપર અધિકારીઓ તૈનાત કરતા કલેકટર
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ-ડીઝલ ખૂટી જવાની અફવાએ જોર પકડ્યું છે. આ અફવાને કારણે ગઈકાલથી જ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ સ્થિતિને ગંભીરતાથી લઈ રાજકોટ કલેક્ટર ઓમ પ્રકાશે ગઈકાલે સાંજે 5:00 વાગ્યે તમામ પેટ્રોલિયમ કંપનીના અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી અને સ્થિતિની સમીક્ષા કરી જરૂૂરી સૂચનાઓ આપી હતી. પુરવઠા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકોમાં ફેલાયેલા ડરને કારણે ઈંધણના વેચાણમાં અચાનક 20 થી 30 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જોકે, તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય પાસે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ગભરાઈને સંગ્રહ કરવાની કોઈ જરૂૂર નથી. આજે તમામ મામલતદારો અને પુરવઠા વિભાગના અધિકારીઓને પોતપોતાના વિસ્તારના પંપો પર જઈને જાતે નિરીક્ષણ કરવા અને લોકોને સાચી માહિતી આપી સમજાવવા માટે સૂચના આપવામાં આવી છે.
