ગોંડલના મોટી ખીલોરી ગામે વાડીમાં ઘઉંના વાવેતર વચ્ચેથી 21.300 કિલો ગ્રામ ગાંજાના છોડ સાથે ઝડપાયેલા ખેડૂતને જામી અરજી સ્પેશિયલ એન.ડી.પી.એસ. કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ અંગેની હકીકત મુજબ, રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. ગ્રુપે બાતમીના આધારે ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામના રહેવાસી નિર્મળભાઈ નાથાભાઈ ડેરના ખેતરમાં રેઇડ કરી ઘઉંના વાવેતરની આડમાં ગાંજાના 10 જેટલા છોડવાઓ મળી આવેલ હતા, જે અંગે ધોરણસરની કાર્યવાહી બાદ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં એન. ડી. પી. એસ. એક્ટની કલમ 8(બી), 20(એ)(1) મુજબનો ગુનો 21.300 કિલોગ્રામ ગાંજા બાબતેનો ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે આરોપી નિર્મલ નાથાભાઈ ડેરને ધોરણસરની કાર્યવાહી બાદ જેલહવાલે કરાયેલ હતો. ત્યારબાદ આરોપી નિર્મલ ડેર દ્વારા અદાલતમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી હતી.
આ અરજીના અનુસંધાને આરોપીના વકીલ સંજય પંડિત દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસમાં પોલીસ દ્વારા 10 કેનાબિસના છોડ જપ્ત કરી તેમનું કુલ વજન 21.300 કિલો કોમર્શિયલ ક્વોન્ટિટીથી વધુ દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ માત્ર કુલ છોડનું વજન બતાવી દેવું પૂરતું નથી, કાયદાની વ્યાખ્યા મુજબ તેમાં ગાંજો કેટલો હતો તે સાબિત કરવું જરૂૂરી છે? તેમજ આખો છોડ ગાંજો નથી, છોડમાંથી ગાંજાના ફૂલો અલગ કરી ચોક્કસ ગાંજાનું વજન દર્શાવવામાં આવ્યું નથી. તેમજ આ કેસ વેપાર કે હેરાફેરીનો નથી, પરંતુ ખેતીનો છે. આ તમામ દલીલો તેમજ વડી અદાલતના ચૂકાદાઓને ધ્યાને લઈ આરોપી ખેડૂત નિર્મળ ડેરના જામીન મંજૂર કર્યા હતા. આ કામમાં આરોપી વતી પંડિત એસોશીએટસના સંજય પંડિત, બીનીતા પટેલ, દિનેશ પાતર, જીજ્ઞેશ પંડયા, કલ્પેશ મોરી, અરુણ સિંધલ રોકાયા હતા.
