KBCમાં ડો.ગણેશની કહાની સાંભળી બચ્ચન ભાવુક થઇ ગયા

કહેવાય છે કે માણસ પોતાની ઊંચાઈ પોતાના કદથી નહીં, પરંતુ પોતાના ઈરાદાઓથી નક્કી કરે છે. આ વાતનું જીવંત ઉદાહરણ બનીને સામે આવ્યા છે ગુજરાતના ભાવનગરના…

કહેવાય છે કે માણસ પોતાની ઊંચાઈ પોતાના કદથી નહીં, પરંતુ પોતાના ઈરાદાઓથી નક્કી કરે છે. આ વાતનું જીવંત ઉદાહરણ બનીને સામે આવ્યા છે ગુજરાતના ભાવનગરના રહેવાસી ડો. ગણેશ બરૈયા. સોની ટેલિવિઝનના સૌથી લોકપ્રિય ક્વિઝ શો ’કૌન બનેગા કરોડપતિ’માં જ્યારે ડો. ગણેશ બરૈયા સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સામે હોટસીટ પર બેઠા, ત્યારે આખો દેશ તેમની હિંમત અને જઝબાને સલામ કરવા લાગ્યો. ખુદ અમિતાભ બચ્ચન પણ તેમની કહાની સાંભળી ભાવુક થઇ ગયા હતા.

માત્ર 3 ફૂટનું કદ ધરાવતા ડો. ગણેશ જ્યારે પોતાના ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને હોસ્પિટલના કોરિડોરમાં ઉતરે છે, ત્યારે તે એ લાખો લોકો માટે આશાનું કિરણ બની જાય છે, જે પરિસ્થિતિઓ સામે ઘૂંટણ ટેકવી દે છે. કેબીસીના સ્ટેજ પર પોતાની સંઘર્ષગાથા સંભળાવતા તેમણે જણાવ્યું કે નાનપણથી લઈને આજ સુધી કેવી રીતે ’અશક્ય’ શબ્દ તેમની પાછળ પડેલો રહ્યો, પરંતુ તેમણે પોતાની મહેનતના દમ પર આ શબ્દની વ્યાખ્યા જ બદલી નાખી.

ગુજરાતના ભાવનગર જિલ્લાના ગોરખી ગામમાં એક ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલા ડો. ગણેશ બરૈયાને નાનપણથી જ શારીરિક દિવ્યાંગતા અને ઠીંગણાપણાનો સામનો કરવો પડ્યો. 9 ભાઈ-બહેનોમાં તે એકમાત્ર એવા હતા, જેમનું કદ વધી શક્યું નહીં. જ્યારે તે10 વર્ષના હતા, ત્યારે એક સર્કસ કંપનીએ તેમના પિતાને 5 લાખ રૂૂપિયામાં ગણેશને વેચવાની ઓફર આપી હતી. પરંતુ એક સ્વાભિમાની પિતાએ ગરીબી હોવા છતાં પુત્રની બોલી ફગાવી દીધી અને તેને ભણાવવાનો નિર્ણય લીધો. ગામની પ્રાઇમરી સ્કૂલે જવા માટે જ્યારે ગણેશ ચાલી શકતા નહોતા, ત્યારે તેમના પિતા અને માતા તેમને પોતાના ખાંધ પર બેસાડીને 5 કિલોમીટર દૂર સ્કૂલે મૂકવા જતા હતા.

ગણેશ નાનપણથી જ હોંશિયાર હતા. નીટની પરીક્ષા પાસ કર્યા પછી પણ જ્યારે તેમણે MBBSમાં એડમિશન લેવા ઇચ્છ્યું, ત્યારે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તેમની 3 ફૂટની હાઇટનો હવાલો આપીને તેમને અનફિટ જાહેર કરી દીધા અને કહ્યું કે તેઓ ઇમરજન્સી કેસ સંભાળી શકશે નહીં. પરંતુ ગણેશે હાર ન માની.

પહેલા ગુજરાત હાઇકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા. વર્ષ 2018માં દેશની સૌથી મોટી અદાલતે તેમના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો અને 20219માં તેમનું MBBSમાં એડમિશન થયું. પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી આજે તેઓ ભાવનગરની સરકારી સર તખ્તસિંહજી હોસ્પિટલમાં પીડિયાટ્રિક એનઆઈસીયુ મેડિકલ ઓફિસર તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે.

KBCના સ્ટેજ પર પાથર્યો જાદુ
શો દરમિયાન અમિતાભ બચ્ચન પણ ડો. ગણેશના માતા-પિતાના ત્યાગ અને તેમની અખંડ ઈચ્છાશક્તિ સાંભળીને ભાવુક થઈ ગયા. ડો. ગણેશે ખૂબ જ સમજદારીથી રમતની શરૂૂઆત કરી. જોકે, ગેમમાં આગળ વધતા 3 લાખ રૂૂપિયાના પ્રશ્ન પર તેમનો જવાબ ખોટો પડ્યો. સુરક્ષિત પડાવનો સાચો ઉપયોગ ન થઈ શકવાને કારણે તેમને મોટું નુકસાન વેઠવું પડ્યું અને તેઓ માત્ર 25,000 રૂૂપિયાની રકમ સાથે જ ઘરે પરત ફર્યા. ભલે ડો. ગણેશ બરૈયા કેબીસીમાંથી કોઈ મોટી ઈનામી રકમ ન જીતી શક્યા હોય, પરંતુ તેમણે જે હિંમત, સ્વાભિમાન અને શીખ દેશના કરોડો દર્શકોને આપી છે, તે કોઈ પણ ધન-દૌલત કરતા ક્યાંય વધીને છે. તેમણે એ સાબિત કરી દીધું છે કે જો મનમાં કંઈક કરી બતાવવાનો જુનૂન હોય, તો દુનિયાની કોઈ પણ તાકાત તમને આગળ વધતા રોકી શકતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *