અમદાવાદમાં ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટ બનાવવાના અનેક રેકેટ સામે આવ્યા છે. ત્યારે પહેલી વખત એવું બન્યું છે કે, ડુપ્લિકેટ વિદેશની ચલણી નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ઓસ્ટ્રેલિયન નાગરિકે દેવામાંથી નીકળવા અન્ય મીત્રની મદદથી નકલી ફેક્ટરી ઉભી કરી. ગુગલ પરથી ઓસ્ટ્રેલિયન 50 ડોલરની ઇમેજ ડાઉનલોડ કરી. ઇમેજ ડાઉનલોડ થઇ ગયા બાદ મશીનના સોફ્ટવેર સાથે કનેક્ટ કરી છાપવાનું શરૂૂ કર્યુ. નોટનું પ્રોડક્શન થઇ ગયા બાદ બજારમાં ફરતી થાય એ પહેલા જ SOGએઆરોપીઓને ફેક્ટરી સાથે ઝડપી પાડતા ફર્ઝી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે.વેજલપુર ખાતેના જલતરંગ બસ સ્ટેન્ડની પાસે આવેલી લાઇફ સ્ટાઇલ હેર કટીંગની દુકાનમાં રોનક રાઠોડ નામનો યુવક હેરકીંગ કરવા માટે આવ્યો હતો.
એક ઓસ્ટ્રેલિયન ડોલરની કિંમત ભારતીય ચલણ મુજબ 55 રૂૂપિયા થાય છે, જો તમારે ઓસ્ટ્રેલિયન ડોલર લેવા હોય તો ભારતીય ચલણ મુજબ 40 રૂૂપિયા આપવાના રહેશે એની વાત કરી હતી. પોતાની પાસે હાલ 6 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર હોવાની વાત કરી હતી અને બીજા કાલે આવશે તેવું પણ જણાવ્યુ હતું.રાકેશ પરમારના મનમાં ડોલર વેચી રૂૂપિયા કમાવવાની લાલચ જાગી હતી, પરંતુ રોનક ઉપર શંકા પણ ગઇ હતી. રાકેશે તાત્કાલિક SOGને સમગ્ર હકીકત જણાવતા SOGની ટીમ તરત હેર સલુનની દુકાન પર પહોંચી ગઇ હતી અને વોચમાં હતી. ત્યારે રોનક ત્યાં આવી ચઢ્યો હતો અને SOGએ ઓસ્ટ્રેલિયન ડોલર સાથે રોનકને કોર્ડન કરી લીધો હતો.
તેની અટકાયત કરીને વડી કચેરીએ લઇ જઈ આગવી સ્ટાઇલથી પુછપરછ કરી હતી. જ્યાં તેણે કબુલાત કરી હતી કે, તેના મિત્ર ખુશ પટેલ પાસે એક લાખ ઓસ્ટ્રેલિયન ડોલર છે.ઓસ્ટ્રેલિયન ડોલર માર્કેટમાં વટાવવા માટે ખુશે રોનકને વાત કરી એક ડોલર રોનકને 35 રૂૂપિયામાં આપ્યા હતા. ખુશ પાસેથી મળેલા ડોલરને રોનક માર્કેટમાં 40 રૂૂપિયામાં વેચવાનો હતો. રોનક પાસેથી SOGને 50 ડોલરની 119 ચલણી નોટ મળી આવી હતી. જે બાદ SOGએ ખુશ પટેલની પણ ધરપકડ કરી લીધી હતી અને તેની પુછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે, ગાંધીનગર ખાતે રહેતા અને ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ ધરાવતા મૌલિક પટેલે 50 ડોલરનું બંડલ આપ્યું હતું અને તેને માર્કેટમાં વટાવવા માટેનું કહ્યું હતું. મૌલિક વટવા ખાતે આવેલા પ્લેટિનીયમ એસ્ટેટમાં શેડ ધરાવે છે.
જે વાતની જાણ થતાં SOGની ટીમ ખુશ પટેલ અને રોનકને લઇને મૌલિકના ગોડાઉન પર પહોંચી હતી, જ્યા ધ્રુવ દેસાઇ નામનો યુવક પણ મળી આવ્યો હતો. આ ગોડાઉન ધ્રુવ દેસાઇના નામે હતું અને મૌલિક તેની સાથે કામ કરતો હતો. મૌલિક અને ધ્રુવ દેસાઇ અલગ અલગ સીરીયલ નંબરથી ઓસ્ટ્રેલિયન ડોલર છાપતા અને બાદમાં ખુશ અને રોનક જેવા યુવકોને બજારમાં વેચાણ માટે આપતા હતા. SOGએ ઓસ્ટ્રેલિયન ડોલરની બનાવટી નોટ છાપવામાં વપરાતી પ્લાસ્ટીકની સીટો, પ્રિન્ટર, ઇન્ક, પેન ડ્રાઇવ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચારેય શખ્સોએ ઓસ્ટ્રેલિયન ડોલરને ક્યાં ક્યાં વટાવી તે મામલે તપાસનો ધમધમાટ પણ શરૂૂ કર્યો હતો.
