જેતપુર તાલુકા પોલીસે ચાંપરાજપુર ફાટક પાસેથી વિદેશી દારૂૂના મોટા જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ ₹16,21,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ પોલીસ પર ગાડી ચઢાવી જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી કે દેવકી ગાલોલ ગામ તરફથી એક સફેદ કિયા સેલ્ટોસ કાર (નં. GJ-18-ED-7586) વિદેશી દારૂૂ ભરીને જેતપુર તરફ આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે ચાંપરાજપુર ફાટક પાસે વોચ ગોઠવી હતી.બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને અટકાવવાનો ઈશારો કર્યો હતો. જોકે, કારના ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે પોલીસ કર્મચારીઓને મારી નાખવાના ઈરાદે તેમની તરફ ગાડી દોડાવી હતી. પોલીસ કર્મચારીઓ સમયસર બાજુએ ખસી જતા મોટી જાનહાનિ ટળી હતી. ત્યારબાદ કાર રોડ સાઈડમાં પાર્ક કરેલી એક મોટરસાયકલ સાથે અથડાઈ ખાડામાં ફસાઈ ગઈ હતી.
પોલીસે તાત્કાલિક કારને ઘેરી લઈને તેમાં સવાર દિનેશકુમાર ભેરારામજી બિશ્નોઈ (ઉં.વ. 25, રહે. બાડમેર, રાજસ્થાન) અને વીરારામ હેનુમનારામ ચૌધરી (ઉં.વ. 20, રહે. ઝાલોર, રાજસ્થાન)ને ઝડપી પાડ્યા હતા.કારમાંથી રોયલ સ્ટેગ, ઓલ સીઝન્સ અને રોયલ ચેલેન્જ બ્રાન્ડની કુલ 2244 વિદેશી દારૂૂની બોટલો (કિંમત ₹7,71,600), કિયા સેલ્ટોસ કાર (કિંમત ₹8,00,000) તથા બે મોબાઈલ ફોન (કિંમત ₹50,000) સહિત કુલ ₹16,21,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન કારમાંથી અલગ-અલગ આર.ટી.ઓ. રજિસ્ટ્રેશનવાળી આશરે આઠ નંબર પ્લેટો મળી આવી હતી. આરોપીઓ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ખોટી નંબર પ્લેટો લગાવી હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું છે.જેતપુર તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 109(1), 324(4), 336(2), 336(3), 54 તથા પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
