વચ્ચે પડેલા મિત્ર ઉપર પણ હુમલો, એસપી વિજયસિંહ ગુર્જર ગોંડલ દોડી ગયા
ગોંડલ શહેરમાંથી ગુંડાગીરીનો એક હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના નાની બજાર વિસ્તારમાં આવેલી એક દુકાન ખાલી કરાવવા જેવી સામાન્ય બાબતમાં, કેટલાક શખ્સોએ વેપારી અને તેના મિત્ર પર લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલામાં વેપારીના બંને હાથ અને બંને પગમાં ગંભીર ફ્રેક્ચર થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની વિગત મુજબ, ગોંડલના ભોજરાજપરામાં રહેતા ગૌરવભાઈ ભરતભાઈ જોશી નામના વેપારી નાની બજારમાં આવેલી ’કલાનિકેતન નોવેલ્ટી સ્ટોર’ નામની દુકાન ધરાવે છે. આ દુકાન પચાવી પાડવાના ઈરાદે સ્થાનિક શખ્સ બીટુભા જાડેજા છેલ્લા કેટલાક સમયથી વેપારી પર દબાણ કરી રહ્યો હતો.
ગઈ કાલે રાત્રે જ્યારે ગૌરવભાઈ તેમના મિત્ર સાથે ગુંદાળા પેટ્રોલ પંપ પાસે કૈલાશ કોમ્પલેક્ષમાં ઉભા હતા, ત્યારે બીટુભા જાડેજા, તેનો પિતરાઈ ભાઈ અને અન્ય બે અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. આરોપીઓએ ગૌરવભાઈને ધમકાવતા કહ્યું હતું કે, “તારે આ દુકાન ખાલી કરવી જ પડશે,” અને ત્યારબાદ ઉશ્કેરાઈને લોખંડના પાઈપ તેમજ લાકડાના ધોકા વડે તૂટી પડ્યા હતા.
આ હુમલામાં ગૌરવભાઈને બચાવવા વચ્ચે પડેલા તેમના મિત્ર હરદીપભાઈને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે ગોંડલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં વેપારીની હાલત ગંભીર હોવાનું જણાતા તેમના ઓપરેશન કરવાની ફરજ પડી છે. ગોંડલ સિટી પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમ 109(1), 118(2), 117(2), 115(2), 308(4), અને 54 તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં મુખ્યત્વે હત્યાનો પ્રયાસ, ગંભીર શારીરિક ઈજા (ફ્રેક્ચર), મિલકત પચાવી પાડવા માટેની ધાકધમકી અને હથિયારબંધીના ભંગનો સમાવેશ થાય છે.
