વિછીયા તાલુકાના મોટા માત્રા ગામે પીવાના પાણીના વિતરણ મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીમાં ગ્રામ્ય પંચાયતના વાલ્વમેન ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે ભોગ બનનાર વાલ્વમેન દ્વારા વિછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મોટા માત્રા ગામે રહેતા અને છેલ્લા દસેક વર્ષથી ગામમાં પાણી વિતરણનું કામ કરતા બાલાભાઈ જસમતભાઈ ખિહડીયા (ઉં.વ. 22) નામના યુવકે વિછીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે તા. 22 જુલાઈ 2026ના રોજ સાંજના આશરે સાડા છ વાગ્યાના સુમારે તેઓ પોતાના ઘરે હતા. તે સમયે ગામમાં જ રહેતા ધનશ્યામભાઈ લાલજીભાઈ મેર નામના શખ્સે તેઓને ફોન કરીને પોતાના ઘરે બોલાવ્યા હતા અને જણાવ્યું હતું કે તેમના ઘરે ગ્રામ પંચાયતનું પાણી આવતું નથી. આથી બાલાભાઈ પોતાના મિત્ર હિમલભાઈ મનસુખભાઈ ધોડકીયાને સાથે લઈને ધનશ્યામભાઈના ઘરે પહોંચ્યા હતા. ત્યાં ધનશ્યામભાઈએ “મારા ઘરે પાણી ધીમું આવે છે અને ક્યારેક બિલકુલ આવતું નથી” તેમ કહીને બાલાભાઈ સાથે ગાળાગાળી અને બોલાચાલી શરૂૂ કરી હતી. બાલાભાઈએ બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા ધનશ્યામભાઈએ તેમની સાથે ઝપાઝપી કરી શરીરે મૂઢ માર માર્યો હતો.
દરમિયાન બંને નીચે પડી જતાં આરોપી ધનશ્યામભાઈએ આવેશમાં આવી જમીન પર પડેલું દેશી નળિયું હાથમાં લઈ બાલાભાઈના માથાના પાછળના ભાગે ડાબી બાજુએ ઝીંકી દીધું હતું. નળિયાનો ઘા વાગતા જ બાલાભાઈને માથાના ભાગેથી લોહી વહેવા લાગ્યું હતું. આ ઘટના જોઈ નજીક ઊભેલા હિમલભાઈએ તાત્કાલિક વચ્ચે પડી બાલાભાઈને વધુ મારથી છોડાવ્યા હતા.
બનાવ બાદ બાલાભાઈએ ગામના સરપંચ વનરાજભાઈ રૂૂખડભાઈ ખાચરને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. સરપંચ વનરાજભાઈ પોતાની ફોર-વ્હીલ કાર લઈને સ્થળ પર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત બાલાભાઈને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર લીધા બાદ બનાવ અંગે વિછીયા પોલીસ મથકમાં બાલાભાઈ ખિહડીયાની ફરિયાદ નોંધાવતા તેના આધારે આરોપી ધનશ્યામભાઈ લાલજીભાઈ મેર વિરૂૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એ.કે. મટારી ચલાવી રહ્યા છે.
