જોડિયામાં ભાદરા પાટિયા પાસે બનેવી-સાળાને સમજાવવા જતાં હુમલો, ગુપ્તીથી જીવલેણ હુમલો

જોડીયા તાલુકાના ભાદરા ગામના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય રાજેશભાઈ ખાનાભાઈ પરમારે પોતાના બનેવી કાળુભાઈ માવજીભાઈ રાણવા તથા તેના ભાઈ જગદીશભાઈ માવજીભાઈ વિરુદ્ધ જીવલેણ…

જોડીયા તાલુકાના ભાદરા ગામના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય રાજેશભાઈ ખાનાભાઈ પરમારે પોતાના બનેવી કાળુભાઈ માવજીભાઈ રાણવા તથા તેના ભાઈ જગદીશભાઈ માવજીભાઈ વિરુદ્ધ જીવલેણ હુમલાની ફરિયાદ નોંધાવી છે. તા. 2 સપ્ટેમ્બરે સાતમ-આઠમના તહેવાર નિમિત્તે રાજેશભાઈની બહેન કાંતાબેન તથા તેમના સંતાનોને તેમના બનેવી કાળુભાઈ ઈકો કારમાં ભાદરા ખાતે રાજેશભાઈના ઘરે મૂકી ગયા હતા.

સાંજે રાજેશભાઈ ભાણેજ સાથે બહાર આંટો મારવા ગયા હતા અને પરત ફર્યા ત્યારે કાંતાબેને જણાવ્યું હતું કે, તેમના પતિ કાળુભાઈ ફોન કરીને બધાને પરત લઈ જવા આવવાના હોવાનું જણાવ્યું છે. રાજેશભાઈએ સાતમ-આઠમનો તહેવાર હોવાથી બહેનને હજુ બે-ત્રણ દિવસ રોકાવા દેવા સમજાવ્યું હતું.આ વાતથી કાળુભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને રાજેશભાઈ સાથે ગાળાગાળી કરી હતી. બાદમાં ઈકો કારમાંથી મોટી લોખંડની ગુપ્તી કાઢી રાજેશભાઈને જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો.

રાજેશભાઈએ બચાવ કરવાનો પ્રયાસ કરતાં બંને હાથની આંગળીઓ પાસે ગુપ્તીના ઘા લાગ્યા હતા તેમજ ડાબા પડખામાં પણ ગુપ્તીનો ઘા વાગતાં લોહી નીકળવા લાગ્યું હતું.ઇજાગ્રસ્ત રાજેશભાઈને કૌટુંબિક ભાઈઓએ 108 એમ્બ્યુલન્સ મારફતે જોડીયા સરકારી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ ડાબા પડખામાં ગંભીર ઇજા હોવાથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમને માથા, બંને હાથની આંગળીઓ, ડાબા હાથની હથેળી, ડાબા પડખા તથા છાતીના ભાગે ઇજાઓ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે કાળુભાઈ માવજીભાઈ તથા જગદીશભાઈ માવજીભાઈ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *