ભાવનગર જિલ્લામાં ઝેરી અને નકલી દારૂૂના કારણે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં સ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે. નકલી દારૂૂ પીવાના કારણે સારવાર હેઠળ રહેલા વધુ એક દર્દીનું મોત થતાં લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 14 પર પહોંચી ગયો છે. બીજી તરફ સમગ્ર પ્રકરણની તપાસ કરી રહેલા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આરોપીઓ સામે કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે. વધુ 13 આરોપીઓના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામ 13 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરતાં તેમને જેલહવાલે કરવામાં આવ્યા છે. આમ, અત્યાર સુધીમાં કુલ 27 આરોપીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે, જ્યારે પોલીસ કોન્સ્ટેબલ સહિત હજુ 12 આરોપીઓ પોલીસ રિમાન્ડમાં હોવાથી તેમની સઘન અને ઊંડાણપૂર્વકની પૂછપરછ ચાલી રહી છે.
ભાવનગર જિલ્લામાં ચકચાર મચાવનાર આ લઠ્ઠાકાંડમાં ઝેરી અને નકલી કેમિકલયુક્ત દારૂૂનું ઉત્પાદન કરી તેનું ગેરકાયદે વેચાણ કરનારા તત્વો સામે વરતેજ પોલીસ મથકમાં મુખ્ય સૂત્રધાર સહિત 21 શખ્સો વિરુદ્ધ નામજોગ ગુનો નોંધવામાં આવ્યો હતો. પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં લઈને સમગ્ર તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી. ત્યારબાદ જખઈની ટીમોએ અલગ-અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂૂ કરી આરોપીઓની ધરપકડનો દોર હાથ ધર્યો હતો. અત્યાર સુધીમાં આ સમગ્ર પ્રકરણમાં કુલ 39 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની ભૂમિકા તેમજ નકલી દારૂૂના ઉત્પાદનથી લઈને તેના વિતરણ અને વેચાણ સુધીની કડીઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
આ કેસમાં અગાઉ મુખ્ય સૂત્રધાર સહિત પ્રથમ તબક્કાના 14 આરોપીઓના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. ત્યારબાદ આજે વધુ 13 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ આરોપીઓમાં અરવિંદ ઉર્ફે પાંડે સોલંકી, સંજય ઉર્ફે 4040 મકવાણા, નીતિનભાઈ ઉર્ફે મુના મોરી, આનંદ છાંડી, કિશોર ઉર્ફે પોચો સોલંકી, મયુર સોલંકી, સંજયભાઈ, મુકેશ ઉર્ફે કચોરી બારૈયા, સંજય ઉર્ફે ચકરમ બારૈયા, નિર્મલસિંહ વાઘેલા, પાર્થરાજસિંહ ગોહિલ, સંજય ચાવડા તથા ભાગીરીથસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટ દ્વારા તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો.લઠ્ઠાકાંડની તપાસ દરમિયાન પોલીસ તંત્ર સાથે સંકળાયેલા વ્યક્તિનું કનેક્શન બહાર આવતાં સમગ્ર પ્રકરણમાં વધુ એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. સનેસ પોલીસ મથક હેઠળ મદદનીશ પોલીસ અધીક્ષકની કચેરીમાં અટેચ તરીકે ફરજ બજાવતા રાજદીપસિંહ ગોહિલનું બૂટલેગર સાથે કનેક્શન સામે આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આ મામલે જખઈ દ્વારા રાજદીપસિંહ ગોહિલને રિમાન્ડ પર લેવામાં આવ્યો છે અને તેની પાસેથી નકલી દારૂૂના ગેરકાયદે કારોબાર સાથેના સંબંધો અંગે આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ કર્મચારીનું નામ તપાસમાં સામે આવતાં પોલીસ તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે.હાલ પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ 12 જેટલા આરોપીઓ હજુ પોલીસ રિમાન્ડમાં હોવાનું જાણવા મળે છે. આ આરોપીઓની પૂછપરછ દરમિયાન નકલી દારૂૂના કાચા માલની વ્યવસ્થા કોણ કરતું હતું, કેમિકલ ક્યાંથી મેળવવામાં આવતું હતું, નકલી દારૂૂ ક્યાં તૈયાર કરવામાં આવતો હતો, તેનું વિતરણ કયા વિસ્તારોમાં કરવામાં આવતું હતું અને સમગ્ર ગેરકાયદે કારોબારમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે સહિતની વિગતો મેળવવા તપાસ એજન્સી દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આરોપીઓ વચ્ચેના નાણાકીય વ્યવહારો અને સમગ્ર નેટવર્કમાં કોની-કોની ભૂમિકા રહી છે તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.બીજી તરફ લઠ્ઠાકાંડ બાદ ઝેરી દારૂૂના સેવનથી બીમાર પડેલા દર્દીઓની સારવાર સર ટી. હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં ચાલી રહી હતી. સારવાર દરમિયાન વધુ એક દર્દીનું મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી છે. એક પછી એક દર્દીઓના મોતથી લઠ્ઠાકાંડમાં મૃતકોની સંખ્યા હવે 14 પર પહોંચી છે. જેના પગલે આ પ્રકરણની ગંભીરતા વધુ વધી છે.
કુલ 39ની ધરપકડ, હજૂ નવા નામો ખુલવાની શકયતા
લઠ્ઠાકાંડમાં એક તરફ મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ જખઈ દ્વારા આરોપીઓની ધરપકડ અને પૂછપરછનો દોર સતત આગળ વધારવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 39 આરોપીઓની ધરપકડ અને તે પૈકી 27 આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે, જ્યારે 12 આરોપીઓ પાસેથી હજુ પૂછપરછ ચાલી રહી છે. તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ નકલી દારૂૂના આ ગેરકાયદે નેટવર્ક સાથે સંકળાયેલા નવા નામો અને કડીઓ બહાર આવવાની શક્યતા જોવાઈ રહી છે. સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા તમામ તત્વો સુધી પહોંચવા માટે તપાસ એજન્સીઓ દ્વારા તપાસનો વ્યાપ વધુ વિસ્તૃત કરવામાં આવી છે.
