મોરબીના ભીમસર ગામે રહેતા પ્રૌઢ યુવતીને ભગાડી જનાર પુત્રોની શોધખોળ કરવા ભચાઉ ગયા હતાં ત્યારે યુવતીના પરિવારજનોએ ધોકા-પાઈપ વડે માર માર્યો હોવાના આક્ષેપ સાથે પ્રૌઢને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીના ભીમસરમાં રહેતાં વલ્લભભાઈ સવજીભાઈ કુંઢીયા નામના 45 વર્ષના પ્રૌઢ બે દિવસ પૂર્વે રાત્રિનાં આઠેક વાગ્યાના અરસામાં ભચાઉમાં આવેલા મહિનાનગર વિસ્તારમાં હતાં ત્યારે અજાણ્યા શખ્સોએ ધોકા પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં વલ્લભભાઈ કુંઢીયા ફ્રુટનો ધંધો કરે છે અને તેમને સંતાનમાં ત્રણ પુત્ર અને બે પુત્રી છે. વલ્લભભાઈના બે પુત્ર પ્રતાપ અને જેઠાલાલ દોઢ મહિનાથી યુવતીને ભગાડી ગયા છે. જેને ગોતવા જતાં યુવતીના પરિવારજનોએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
