આખરે હોર્મુઝની સામુદ્રિધુની બંધ થતા દુનિયાની વ્યાપારિક લાઇફ લાઇન બંધ થઇ ગઇ છે. ઇરાને પોતાના સૈન્યનો જાપ્તો ત્યાં ગોઠવી દીધો છે અને કેટલાક જહાજો પર હુમલાઓ કર્યા પછી સ્પષ્ટ જાહેરાત કરી છે કે જે કોઇ જહાજ અહીંથી પસાર થવા કોશિષ કરશે તેને ભડકે બાળવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્મનું મન કળવું મુશ્કેલ છે એક તરફ તેઓ વાટાઘાટોના દરવાજા ખુલ્લા રાખી કહે છે કે હું વાતચીત માટે તૈયાર છું તો બીજી તરફ તેઓ ખુલ્લંખુલ્લા ધમકી આપે છે કે અમે જરૂર પડે તો ઇરાનમાં અમારી સેના પણ ઇરાની ધરતી પર ઉતારીશું.
ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે સેવા આપનારા ચાર્લ્સ કુપરમેનએ કહ્યું કે તેઓ માનતા નથી કે વિદેશી જોખમો વિશે ટ્રમ્પની વિચારસરણી વિકસિત થઈ છે. પરંતુ ઈરાનના કિસ્સામાં, કુપરમેનએ કહ્યું કે, રાષ્ટ્રપતિએ રાજદ્વારી પ્રયાસોમાં રોકાણ કરીને પોતાને ફસાવી દીધા જે હંમેશા નિષ્ફળ જવાનું નક્કી હતું, જેના કારણે તેમની પાસે લશ્કરી કાર્યવાહી કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. તેમણે કહ્યું કે ગજઈ (રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ) અને તેની નીતિ-નિર્માણ ભૂમિકાના ગંભીર અવમૂલ્યનને ધ્યાનમાં રાખીને ટ્રમ્પની નિર્ણય લેવાની પ્રક્રિયા નક્કી કરવી મુશ્કેલ છે.
ટ્રમ્પ સમક્ષ કયા વિકલ્પો વિકસાવવામાં આવ્યા અને રજૂ કરવામાં આવ્યા અને તે કઈ પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયા તે મુખ્ય પ્રશ્નો છે. પરંતુ તેમણે કહ્યું કે ઈરાન સાથે જોડાવાના રાજદ્વારી પ્રયાસો ક્યારેય ટ્રમ્પ ઇચ્છતા પરિણામો લાવશે નહીં. તે બધું એક નાટક હતું. ઈરાનના ઇસ્લામિક રિપબ્લિકની સ્થાપનાને 47 વર્ષ થઈ ગયા છે. આમાંથી લગભગ 45 વર્ષો સુધી, અલી ખામેનીએ દેશની આંતરિક અને વિદેશ નીતિ પર લગભગ સંપૂર્ણ નિયંત્રણ રાખ્યું હતું.
જ્યારે સુપ્રીમ લીડરના હવાઈ હુમલામાં મૃત્યુના સમાચાર આવ્યા, ત્યારે ઈરાનની સરકાર અને વ્યવસ્થા એવી મુશ્કેલીમાં મુકાઈ ગઈ જે તેણે પહેલાં ક્યારેય જોઈ ન હોય. આનાથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે. ઈરાનનું ભવિષ્ય શું હશે? મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ કઈ દિશામાં જશે? આની દુનિયા અને ભારત પર શું અસર પડશે? ઈરાની સૈન્ય અને યુએસ-ઇઝરાયલી જોડાણ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને આ બધું મહત્વપૂર્ણ છે. હવે જયારે ચીને ઇરાનના સમર્થનમાં પોતાના યુધ્ધજહાજો રવાના કરવાની શરૂઆત કરી છે ત્યારે સમગ્ર અથડામણ એક પૂર્ણ કક્ષાના વિશ્ર્વયુધ્ધની વ્યાખ્યાની સાવ નજીક પહોંચી ગયું છે અને વિશ્ર્વ એક અનિશ્ચિતતાની લટકતી તલવાર હેઠળ આવી ગયું છે.
