અંબીકા ટાઉનશીપમાં રિવેરા હોમ એપાર્ટમેન્ટમાં રહેતો દર્પણ મનસુખભાઈ મણવર નામનો શખ્સ મિત્ર પાસેથી ફરવા જવાના નામે રૂૂા. 9 લાખની કાર અને મવડી રોડ પર આનંદ બંગલા ચોક પાસે આવેલ જય સોમનાથ સેલ્ફ રેન્ટલ કારની ઓફિસેથી 16.20 લાખની કાર લઈ ગયા બાદ પરત નહીં આપ્યાની માલવીયાનગર અને તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે પ્રથમ ફરિયાદમાં મવડી ચોકડી નજીક ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા અને ઈલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં બિપીનભાઈ રામજીભાઈ મારકણા (ઉ.વ.47)એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે,આરોપી દર્પણ તેનો મિત્ર છે. જેણે પુના (મહારાષ્ટ્ર) ફરવા જવાનું છે કહીને રૂૂા. 9 લાખની સ્વીફટ ડીઝાયર કાર લઇ ગયા બાદ પરત નહીં આપી વિશ્વાસઘાત કરતાં ફરિયાદ નોંધાવી હતી.
બીજા કિસ્સામાં રેલનગરના શિવાલય ચોક પાસે સ્ટાર રેસીડેન્સીમાં રહેતા અને આનંદ બંગલા ચોક પાસે સેલ્ફ રેન્ટલ કારની ઓફિસ ધરાવતા ચંદ્રજીતસિંહ પૃથ્વીસિંહ જાડેજા (ઉ.વ.27)એ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે આરોપી દર્પણ મનસુખભાઈ મણવર(રહે.રિવેરા હોમ એપાર્ટમેન્ટ,જીવરાજ પાર્ક)રૂૂા.16.20 લાખની થાર એક દિવસના રૂૂા. 7500 લેખે ભાડા પેટે છ દિવસ માટે લઈ ગયો હતો. આ સમયે આરોપીએ બે સહીવાળા કોરા ચેક, લાઇટબીલ, આધાર કાર્ડ વગેરે આપ્યા હતાં. પરંતુ બે મહિના વિતી જવા છતાં કાર પરત નહીં આપી વિશ્વાસઘાત કર્યો હતો.આ મામલે હાલ પોલીસે દર્પણની શોધખોળ શરૂૂ કરી છે.
