મેઘાલય ક્રિકેટમાં પ્રેક્ટિસના નામે રાજકોટના બાળકો સાથે છેતરપીંડી થયાનો બનાવ સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુની. માં પીએચડી કરતો ભુજનો પ્રજ્ઞેશ બારહટ મેઘાલય ક્રિકેટ એસોસીએશનમાં રેફરી તરીકે પસંદગી સમિતિમાં નિમણૂક થયેલની વાત કરી વાલીઓને ફસાવી રૂૂ.44 હજાર ઓળવી જતાં બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.આ બનાવ અંગેની વિગતો મુજબ,મોરબી રોડ પર ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતાં મેહુલકુમાર મુકેશભાઈ ધોળકીયા (ઉવ 38) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પ્રજ્ઞેશ હનુભા બારહટ (રહે. ભુજ) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓને સંતાનમા એક 16 વર્ષનો પુત્ર છે, જે હાલ ધોરણ 11 માં અભ્યાસ કરે છે તથા સાથે ક્રિકેટની એકેડમી કુવાડવા રોડ ખાતે પ્રેકટીસ કરે છે.
ગત ફેબ્રુઆરી માસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સ્પોર્ટ્સમાં નોકરી કરતા તેમના મિત્ર ચીંતનભાઈ રાવલને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પી.એચ.ડી. કરતા આરોપી પ્રગ્નેશ બારહટએ જણાવેલ કે, તે મેઘાલય ક્રિકેટ એસોસીએશનમાં રેફરી તરીકે પસંદગી સમિતિમાં નિમણૂક પામેલ છે, તમારા તેમજ તમારા મિત્રના બાળકોને ઇન્ટરનેશનલ ક્રિકેટમા ભાગ લેવો હોય તો રૂૂપિયા 15 હજાર આપી 20 દિવસ માટે રહેવા જમવાની સુવિધા સાથે તમામ સુવિધા મેઘાલયમાં આપવામાં આવશે આવી વાત પ્રગ્નેશએ ચીંતનભાઈને કરેલ હતી.
જેથી ચીંતનભાઈએ ફરિયાદીને કહેલ કે, તમારો દિકરો પ્રેમ ક્રિકેટમા આગળ વધવા માંગતો હોય તો તમે આ પ્રગ્નેશને ફોન કરી જાણી લેજો તેવી વાત કરેલ જેથી પ્રગ્નેશને ફોન કરતા જણાવેલ કે, તમારે તમારા બાળકને ક્રિકેટ માટેનુ રજીસ્ટ્રેશન કરાવવુ હોય તો તમારે રૂૂ. 14700 પુરા આપવા પડશે જેથી તેની ઉપર વિશ્વાસ આવતા ફી ના રૂૂપિયા આપવા માટે ચિંતનને ગઈ તા.18/02/2025 ના રૂૂ.14700 ગુગલ પે કરી આપેલ હતાં. તેમજ ચીંતનભાઇએ તેના મીત્ર હિરેનભાઈ રાઠોડ અને રવિંન્દ્રભાઈ ભટ્ટના દિકરાને પણ ક્રિકેટ પ્રેકટીસમા મોકલવો હોય અને જેથી તેઓ બંન્નેએ પણ ચીંતનભાઈ મારફત આરોપીને રૂૂ. 14700 ટ્રાંસફર કરી આપેલ હતાં.
બાદમાં પ્રગ્નેશ બારહટએ તેઓના બાળકોના નામો વાળી ફલાઇટ ટીકીટ તથા મેઘાલય ક્રિકેટ એસોસિએશના નામ વાળો લેટર પેડ વોટસેઅપમા મોકલેલ અને બાદ પ્રગ્નેશનો ફોન આવેલ કે, મેઘાલય ક્રિકેટ એસોસીએશનને આ પ્રેક્ટીશ કોઇ કારણોસર કેન્સલ કરેલ છે જેથી હવે જવાનુ થશે ત્યારે તમોને જાણ કરીશુ તેમ જણાવેલ હતુ.બાદમાં આરોપીને ફોન કરતા તેઓ ફોન ઉપાડતા ન હોઇ અને આજ સુધી તેને કોઇ કોન્ટેક કરેલ નથી. તેમજ જાણવા મળેલ કે, પ્રગ્નેશએ તેઓની જેમ અન્ય વ્યક્તિઓ સાથે પણ વિશ્વાસઘાત કરેલ છે. જેથી ફરીયાદી અને અન્ય લોકો પાસેથી મેઘાલય ક્રીકેટ એસોસિયેશનમાં પ્રેક્ટીશ કરવાના બહાને આરોપીએ રૂૂ.44100 ઉઘરાવી છેતરપીંડી આચરતાં ફરીયાદ નોંધાવી હતી.
