સૌરાષ્ટ્રમાં આગામી દિવાળી ટાણે લુંટ માટે નીકળેલી સશસ્ત્ર ગેંગને રાજકોટ શહેર એસઓજીની ટીમે કુવાડવા પાસેથી ઝડપી લીધી હતી. ઉતર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રના પાંચ શખ્સો પાસેથી એક્ષયુવી કાર ઉપરાંત દેશી બનાવટની પિસ્તોલ, છરી, બેઝબોલનો ધોકો સહીત રૂૂ.5.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ટોળકીનો મુખ્ય સુત્રધાર ફરાર થઇ ગયો હતો. સુરતના શખ્સે આપેલી ટીપના આધારે જૂનાગઢ કે જામનગરની આંગડીયા પેઢીના કર્મચારીને લુંટવાનો પ્લાન બનાવ્યા બાદ ટોળકી જૂનાગઢ તરફ જાવ નીકળી હતી ત્યારે રાજકોટ એસઓજીને કુવાડવા હાઇવે ઉપર રસ્તામાં આંતરી હતી.
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે અને ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો પર કડક નજર રાખવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તહેવારોના સમયમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ મોટી રકમની રોકડ રકમ લઈને અવરજવર કરતા હોય છે, ત્યારે તેમની રેકી કરી લૂંટ કે ધાડ જેવા ગંભીર બનાવોને અંજામ આપવાની શક્યતા વધી જતી હોય છે. આ તકેદારીના ભાગરૂૂપે રાજકોટ શહેર એસઓજીની ટીમે એક મોટી સફળતા મળી છે. જૂનાગઢ તથા સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં આંગડિયા પેઢીઓને ટાર્ગેટ કરી લૂંટ ચલાવે તે પહેલાં જ આંતરરાજ્ય ગેંગના 5 રીઢા અપરાધીઓને પ્રાણઘાતક હથિયારો સાથે પકડી પાડ્યા છે.
અમદાવાદ તરફથી રાજકોટ તરફ આવી રહેલી એક શંકાસ્પદ એક્ષયુવી કાર નંબર એમએચ-06-બીઈ-3165 માં કેટલાક શંકાસ્પદ ઇસમો ગંભીર ગુનાને અંજામ આપવા જઈ રહ્યા હોવાની એસઓજીના એ.એસ.આઇ. રવિભાઇ વાંક, સિધ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા અને સ્નેહભાઇ ભાદરકાને બાતમી મળી હતી જેના કુવાડવા ગામ પાસે આવેલ વાંકનેર ચોકડી નજીક વોચ ગોઠવીને પોલીસે એક્ષયુવી કારને રોકી તલાશી લેતા પાંચ ઇસમોને જીવલેણ હથિયારો સાથે મળી આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્ર (મુંબઈ) ના રીઢા ગુનેગારોનો છે. જેમાં જાકીરઅલી લીયાકતઅલી (ઉ.વ. 55, રહે. પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશ) , રંજનકુમારસિંહ ફિરંગીસિંહ રાજપુત (ઉ.વ. 52, રહે. પશ્ચિમ ચંપારણ, બિહાર) , સૈયદુદિન નજજીમીયા અંસારી (ઉ.વ. 51, રહે. મહારાજ ગંજ, ઉત્તર પ્રદેશ) , મહમદ શાહબાઝ શેખ (ઉ.વ. 31, મૂળ પ્રતાપગઢ, યુપી / હાલ રહે. વડાલા ઈસ્ટ, મુંબઈ) , સંજય સૂર્યનારાયણ સિંગ રાજપુત (ઉ.વ. 48, રહે. કલવા, જી. થાણે, મહારાષ્ટ્ર) ની પુછપરછ કરતા આ સિવાય આ ગેંગનો એક અન્ય સાગરીત મહેબૂબ (રહે. પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશ)નું નામ ખુલ્યું હતું જે ફરાર થઇ ગયો હતો.એસઓજીએ પિસ્તોલ, છરી અને કાર ગાડી સહિત રૂૂ. 5.61 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો હતો.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન ટોળકીએ કબૂલાત આપી કે, સુરતના શખ્સે આપેલી ટીપના આધારે સૌરાષ્ટ્રના જામનગર, જૂનાગઢ અને અન્ય જિલ્લાઓમાં આવીને આંગડિયા પેઢીઓ અને તેના કર્મચારીને લુંટવાનો પ્લાન બનાવ્યો હતો. ફરાર સાગરીત મહેબૂબ સાથે મળીને જૂનાગઢ ખાતે આવેલી અલગ-અલગ આંગડિયા પેઢીઓમાંથી મોટી રોકડ રકમ લઈને નીકળતા વેપારીઓ કે કર્મચારીઓને રસ્તામાં આંતરીને લૂંટી લેવાનો પાકો પ્લાન બનાવીને આવ્યા હતા. પરંતુ રાજકોટ એસઓજીની સતર્કતાને કારણે તેમનો આ પ્લાન નિષ્ફળ રહ્યો હતો.
ટોળકીના ત્રણ સભ્યો શાતિર ગુનેગાર લૂંટ-ધાડ સહિતના ગુનામાં સંડોવણી
પકડાયેલા ગુનેગારો પૈકી બિહારનો રંજનકુમારસિંહ અગાઉ પણ ચોરી, લૂંટ, ધાડ અને (નાર્કોટિક્સ) ના અનેક ગંભીર ગુનાઓમાં પકડાઈ ચૂકેલો રીઢો અને ખતરનાક ગુનેગાર છે અને અન્ય આરોપીઓએ પણ પોતાના ઇતિહાસની કબૂલાત આપી છે. રંજનકુમારસિંહ રાજપુત: બિહારના બેરીયા, સુગૌલી, બેટીઆ, લૌરીયા અને બગાઆ પોલીસ સ્ટેશનમાં તેની સામે લૂંટ, ધાડ, હત્યાનો પ્રયાસ અને એન ડી પી એસ એક્ટ હેઠળ 9 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જયારે સૈયદુદિન અંસારી સામે અગાઉ ખૂન, હત્યાનો પ્રયાસ, મારામારી, લૂંટ અને ધાડ જેવા ગંભીર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. જયારે જાકીરઅલી લીયાકતઅલી અગાઉ મારામારી, ચોરી અને લૂંટના ગુનાઓમાં જેલહવાલે થઈ ચૂક્યો છે.
કામગીરી કરનાર રાજકોટ એસઓજીની ટીમ
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા, એસીપી (ક્રાઇમ) ભરત બી. બસીયાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પી.આઈ એન.બી. ચૌધરી સાથે પીએસઆઈ બી.બી. જાડેજા,પીએસઆઈ બી.વી. ચુડાસમા અને ટીમના એ.એસ.આઇ. રવિભાઇ વાંક, સિધ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા, ભરતસિંહ પરમાર, અરૂૂણભાઇ બાંભણીયા, સ્નેહભાઇ ભાદરકા , ધ્રુવરાજસિંહ ગોહિલ, નરપતસિંહ જાડેજા, નીર્મળસિંહ ઝાલા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
