જૂનાગઢ જિલ્લામાંથી ફરી કેમિકલયુકત દૂધનું ટેન્કર ઝડપાયું

વિસાવદરનાં દેડિયા ગામની સરકારી ડેરી શંકાના દાયરામાં જૂનાગઢના હાર્દ સમાન કાળવા ચોક વિસ્તારમાં આવેલી સરકારી પુસ્તકાલય પાસે આજે વહેલી સવારે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં…

વિસાવદરનાં દેડિયા ગામની સરકારી ડેરી શંકાના દાયરામાં

જૂનાગઢના હાર્દ સમાન કાળવા ચોક વિસ્તારમાં આવેલી સરકારી પુસ્તકાલય પાસે આજે વહેલી સવારે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ દૂધથી ભરેલું ટેન્કર ઝડપાઈ જતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. આ કાર્યવાહી કોઈ સરકારી તંત્ર દ્વારા નહીં પરંતુ જાગૃત નાગરિકો અને યુવરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવી હતી. ટીમને લાંબા સમયથી માહિતી મળી રહી હતી કે, અહીં દૂધમાં મોટા પાયે ઝેરી કેમિકલ્સની ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યા છે જેના પર્દાફાશ માટે આજે વહેલી સવારે વોચ ગોઠવવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભેળસેળિયા તત્વો બેફામ બન્યા છે અને અગાઉ પણ તેમણે વરિયા ગામ પાસેથી નકલી દૂધનું ટેન્કર પકડીને આ રેકેટ ખુલ્લું પાડ્યું હતું. આજે જે ટેન્કર પકડાયું છે તે વિસાવદરના દેડિયા ગામથી દરરોજ સવારે પાંચ વાગ્યે નીકળે છે જેના માલિક દેવાભાઈ ભરવાડ હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢમાં ઝડપાયેલા શંકાસ્પદ દૂધના મામલે યુવરાજસિંહની ટીમે પોલીસ સ્ટેશનમાં જ પોતાની કિટથી ટેસ્ટ કરતા ભેળસેળનો પર્દાફાશ થયો હતો.

આ દરમિયાન ફૂડ વિભાગના અધિકારીઓ પાસે પૂરતા સાધનો ન હોવાથી તેમની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી. તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવી જનતાના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં રોકવા માગ કરાઈ છે. યુવરાજસિંહની ટીમે શંકાસ્પદ વાહનને અટકાવ્યા બાદ તાત્કાલિક અસરથી 112 નંબર પર કોલ કરીને પોલીસ કંટ્રોલ રૂૂમને જાણ કરી હતી અને સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના PI સહિતના ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર બોલાવી લીધા હતા. આ સાથે જ દૂધના નમૂનામાં કયા પ્રકારની ભેળસેળ છે તેની સચોટ માહિતી મેળવવા માટે FSL એટલે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી જેથી દૂધમાં રહેલા ઘાતક તત્વોની વૈજ્ઞાનિક તપાસ થઈ શકે.

હાલમાં પોલીસ દ્વારા આ ટેન્કરને સી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષિત લઈ જવામાં આવ્યું છે અને આગળની તમામ કાયદેસરની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. આ કૌભાંડની કાર્યપદ્ધતિ અંગે આક્ષેપ કરતા જણાવાયું છે કે, વિસાવદરના દેડિયા ગામની સહકારી ડેરીમાં વાસ્તવમાં ખૂબ ઓછું દૂધ જમા થાય છે, પરંતુ આસપાસના મજૂરો પાસેથી માત્ર ચાર કેન જેટલું શુદ્ધ દૂધ મેળવ્યા બાદ તેમાં મોટા જથ્થામાં મિશ્રણવાળું અને કેમિકલયુક્ત દૂધ ઉમેરી દેવામાં આવે છે. આ રીતે અંદાજે 350થી 400 લિટર જેટલો શંકાસ્પદ જથ્થો તૈયાર કરીને ડેરીઓમાં ઠાલવવામાં આવે છે. યુવરાજસિંહ જાડેજાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આજે ગુજરાતમાં કેન્સર અને કિડનીના કેસોમાં જે ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. તેની પાચે ક્યાંકને ક્યાંક આવા સફેદ દૂધના કાળા કારોબારીઓ જવાબદાર છે જે લોકોના જીવ જોખમમાં મૂકીને નફો કમાઈ રહ્યા છે.

ખાંભાના ઈંગોરાળા ગામમાંથી 200 લીટર નકલી દૂધ ઝડપાયું

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાં મોડી રાત્રે પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્ત દરોડા પાડ્યા હતા. જેમાં બનાવટી દૂધ બનાવવાનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. રહેણાંક મકાનોમાં ચાલતા આ કાળા કારોબારમાંથી શંકાસ્પદ દૂધ, પાવડર અને વનસ્પતિ તેલ સહિત કુલ 78,820 રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 200 લીટર નકલી દૂધનો નાશ કરાયો હતો, જ્યારે નકલી દૂધના નમૂના FSL માં મોકલાયા હતા. વનસ્પતિ તેલ અને પાઉડર જપ્ત કરાયું છે.ખાંભા પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઇંગોરાળામાં રાણા જેસા સુસરા અને રાજુ જસા આલના રહેણાંક મકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન સ્થળ પરથી મોટો જથ્થો મળી આવ્યો હતો.ફૂડ સેફ્ટી વિભાગે સ્થળ પરથી દૂધના નમૂના લઈ તપાસ અર્થે FSL લેબમાં મોકલી આપ્યા છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આ હાનિકારક દૂધના જથ્થાનો મોડી રાત્રે જ સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ખાંભા પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણવાજોગ નોંધ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *