હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ શ્રમિક બેભાન હોવા છતાં સર્જરી વોર્ડ નં.2માંથી બહાર કેવી રીતે પહોંચ્યો? તબીબોએ ‘કળા’ કરી કે નર્સિંગનો ‘કાલાજાદુ’?
સિવિલ હોસ્પીટલમાં સંબંધીત તબીબો કે નર્સિંગ સ્ટાફની વધુ એક ભયંકર બેદરકારીનો શરમજનક કિસ્સો બહાર આવતા જાણકારોમાં ચકચાર જાગી છે. સર્જરી વોર્ડમાં દાખલ દર્દી સવારે બેભાન હાલતમાં લોબીમાંથી મળે તે ઘટના તપાસ માંગી લે તેવી છે.
બેદરકાર સારવારનો પર્યાય બનેલી અને સતત વિવાદોથી અખબારોમાં ચમકતી રહેતી શહેરની સિવિલ હોસ્પીટલમાં આજે વધુ એક ભેદભરમયુક્ત ઘટના બહાર આવી છે. તેની આધારભુત મળતી વિગતો મુજબ ગઇકાલે બપોરના 3-30 વાગ્યે કાલાવડ રોડ પર અવધના ઢાળીયા પાસેની એક ચાની દુકાન પાસેથી મનોજ ઉધ્ધવ નામનો 35 વર્ષનો યુવાન શરીરે મારના નિશાન સાથે ચાલતા ચાલતા પડી ગયા બાદ કોઇની જાણ પરથી બનાવ સ્થળે 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી. અને સાંજના ચારેક વાગ્યાની આસપાસ આ યુવાનને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પીટલના સર્જીકલ વોર્ડમાં દાખલ કરાયો હતો.
સર્જરી વોર્ડ નં.2માં દાખલ કરાયેલ મનોજ રાત્રીના 11-30 વાગ્યે સર્જરી વોર્ડમાંથી નાસી ગયાની હોસ્પીટલ દ્વારા પોલીસ ચોકીમાં એન્ટ્રી કરાવાઇ હતી. પરંતુ આ દર્દી મનોજ સવારે સિવિલનાં જુના વોર્ડ 10ના રસોડા પાસે બેભાન હાલતમાં ધ્રુજતો જોવા મળ્યાની સૌ પ્રથમ સંજયભાઇ નામના પટ્ટાવાળાએ હેલ્પડેસ્કને જાણ કરી હતી. બનાવની જાણ પરથી હેલ્પડેસ્કના સ્ટાફે સ્ટ્રેચર મારફત અર્ધનગ્ન હાલતમાં બનીયાન પહેરેલી હાલતમાં મનોજને ફરી દાખલ કરાયો હતો અને આ બાબતે મમતાબેન નામના પટ્ટાવાળાએ પણ સંબંધીત મેડીકલ ઓફિસર ડો.વિવેકભાઇને દર્દી અંગેની જાણકારી આપી હતી.
ભેદભરમમાં ઝાળા ત્યારે સર્જાયા કે તા.19ના રોજ સર્જરી વોર્ડમાં દાખલ કરાયેલ અને પગમાં ગંભીર ઇજાથી ચાલી પણ ન શકે તેવી હાલતમાં મનોજ હોવા છતાં તા.20ના રોજ સવારે તે કણસતી હાલતમાં રસોડા નજીકથી અર્ધનગ્ન હાલતમાં કેમ મળ્યો? તબીબોએ ‘કળા’ કરી કે નર્સિંગ સ્ટાફે ‘કાલા જાદુ’ કર્યો? તે રામ જાને!!
કોણે આચરી બેદરકારી? સીસી કેમેરાના ફૂટેજ તપાસો
રાત્રીના વોર્ડમાં દાખલ કરાયેલ દર્દી ભાગી ગયાના બહાના વચ્ચે ભેદી સંજોગોમાં વોર્ડ બહાર, લોબીમાંથી મળી આવે તે વાતમાં માત્રને માત્ર સંબંધીત સ્ટાફની બેદરકારી હોય તો જ શકય બને તેવુન જાણકારોનું કહેવું છે. અને આ વાતમાં દુધનું દુધ અને પાણીનું પાણી કરવા તા.19 થી 20 સુધી મનોજને દાખલ કરાયો ત્યારથી અને બહારથી મળ્યો ત્યાં સુધીના સીસી કેમેરાના ફુટેજ તપાસાય તો સત્ય બહાર આવ્યા વગર નહીં રહે તેવું જાણકારોનું માનવું છે.
અગાઉ વૃધ્ધા વોર્ડમાંથી છેક પીએમ રૂમ પાસેથી મળ્યા’તા
થોડા મહીના પહેલા પણ સિવિલમાં આળસુ તબીબોનો ભોગ એક વૃધ્ધા બન્યા હતા. પગની બિમારી સબબ દાખલ થયેલા વૃધ્ધા સવારે છેક પીએમ રૂમ પાસેથી કણસતા મળ્યા હતા ત્યારે પણ સંબંધીત ડોકટરોએ તપાસ કરવાની કેસેટ વગાડી હતી પણ બેદરકારીનું કોઇ પરિણામ આવ્યું ન હતું અને સમય જતા વૃધ્ધા મોતને ભેટયા હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે તગડા પગાર વસુલતા તબીબો સમયાંતરે બેદરકારી દાખવવામાં પણ ભારે પાવરઘા હોવાના આક્ષેપો થયા છે.