હાર્દિક પટેલ સામેનો વધુ એક બિનજામીનપાત્ર કેસ પાછો ખેંચાશે

અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા કેસોમાં ભાજપના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલને રાજ્ય સરકાર તરફથી મોટી રાહત મળી છે. વર્ષ 2018માં અમદાવાદના નિકોલ…

અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા કેસોમાં ભાજપના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલને રાજ્ય સરકાર તરફથી મોટી રાહત મળી છે. વર્ષ 2018માં અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને પરત ખેંચવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે.કેસની વિગત અને કાયદાકીય પ્રક્રિયા વર્ષ 2018માં હાર્દિક પટેલ, ગીતા પટેલ અને અન્ય પાટીદાર આગેવાનોએ મંજૂરી વિના પ્રતીક ઉપવાસ કર્યા હતા.

આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ, ઉશ્કેરણીજનક ભાષણો અને કાયદો-વ્યવસ્થાના ભંગ બદલ નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ કેસની ટ્રાયલ હાલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહી છે. અગાઉ આ જ કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.

અમદાવાદ કલેક્ટર અને સરકારી વકીલ દ્વારા આ કેસ પરત ખેંચવા અંગેનો કાયદાકીય અભિપ્રાય અને જરૂૂરી દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી છે. ગ્રામ્ય કોર્ટમાં આ ફરિયાદ પરત ખેંચવા માટેની તમામ ફોર્માલિટીઝ પૂરી કરી દેતા હવે હાર્દિક પટેલ પરથી કાયદાકીય ભીંસ હટી શકે તેમ છે.હાર્દિક પટેલ હાલમાં ભાજપના ધારાસભ્ય છે, ત્યારે સરકારના આ નિર્ણયને રાજકીય રીતે પણ મહત્વનો માનવામાં આવે છે. લાંબા સમયથી પાટીદાર સમાજ આંદોલનકારીઓ પરના કેસો પાછા ખેંચવાની માંગ કરી રહ્યો હતો. આ પગલાથી આગામી સમયમાં હાર્દિક પટેલને કોર્ટની કાર્યવાહી અને તારીખોમાંથી મુક્તિ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *