કેન્દ્ર સરકાર દ્વારા લેબર કોડમાં કરાયેલા મજદૂર તથા કર્મચારી વિરોધી સુધારાઓ તથા દેશના જાહેર સાહસોના ખાનગીકરણની નીતિના વિરોધમાં દેશના રાષ્ટ્રીયસ્તરના ટોચના 10 કેન્દ્રીય કર્મચારી , અધિકારીઓના સંગઠનોએ આવતીકાલ તા.12મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી હડતાલના આપેલા એલાનમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના બેંક તથા LIC કર્મચારીઓ સંયુક્ત રીતે હડતાલમાં જોડાશે તેથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં હડતાલ અભૂતપૂર્વ અને સજ્જડ બની રહેશે તેમ LIC કર્મચારીઓના રાષ્ટ્રીય સ્તરના ટોચના યુનિયન ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોઇસ એસોસિયેશનના ઓલ ઇન્ડિયા વાઈસ પ્રેસિડેન્ટ અને વેસ્ટર્ન ઝોનના જનરલ સેક્રેટરી તથા લોકપ્રિય વીમા કર્મચારી નેતા હર્ષદ પોપટે જણાવ્યું હતું.હર્ષદભાઈએ એક યાદીમાં જણાવ્યું હતું કે આવતીકાલની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં બેકિંગ ક્ષેત્ર તથા LICના રાષ્ટ્રીય સ્તરના ટોચના અગ્રણી કર્મચારી યુનિયનો AIBEA, AIIEA, AILICEF, AIBOA, BEFT સહિત અન્ય સ્વતંત્ર ફેડરેશનો તથા સંગઠનોના કર્મચારીઓ અધિકારીઓ પણ જોડાશે.
સરકારે મજૂર સંબંધી કાયદાઓમાં કોર્પોરેટ ગૃહોને લાભ થાય અને કર્મચારીઓ તથા મજદૂરોનું હિત જોખમાય તેવા જે સુધારા કર્યા છે તેની સામે કર્મચારીઓ તથા મઝદૂરોમાં ભારે રોષ આક્રોશ વ્યાપી ગયો છે. માત્ર ગણ્યા ગાંઠિયા કોર્પોરેટ ગૃહોને જ ફાયદો થાય તેવી કેન્દ્ર સરકારની આર્થિક નીતિના વિરોધમાં તથા જાહેર સાહસોનું ખાનગીકરણ કરી ઉદ્યોગગૃહોને પધરાવી દેવાની તજવીજના વિરોધમાં દેશના ટોચના કર્મચારી યુનિયનો દ્વારા આ હડતાલનું એલાન અપાયું છે.
તેમાં ટૂંકા ગાળાનો સ્વાર્થ કે ડરપોક વૃત્તિ છોડીને અસ્તિત્વ માટેની આ લડાઈમાં જોડાઈને સંઘર્ષના માર્ગે આગળ આવવા કર્મચારીઓ, અધિકારીઓને હાકલ કરવામાં આવી છે. દેશની બધી જ આર્થિક નીતિઓમાં માત્ર કોર્પોરેટ ગૃહોનું જ હિત ધ્યાનમાં રાખી ઘડવામાં આવે છે અને મજદૂર તથા કર્મચારીઓના હિતોની હોળી કરવામાં આવી રહી છે ત્યારે આ હડતાલમાં જોડાવા માટે સૌને આહવાન કરવામાં આવ્યું છે. આ હડતાલની વિવિધ માગણીઓમાં એલ.આઇ.સી કચેરીઓમાં વર્ગ 3 તથા 4 ની ખાલી પડેલી હજારો જગ્યાઓની ભરતી કરવા, કઈંઈનો ઈંઙઘ માર્કેટમાં ફરી લાવી સરકારના હિસ્સાનું વેચાણ કરવાની તજવીજના વિરોધમાં તથા એલ.આઇ.સી શાખાઓના બિલ્ડીંગના પ્રશ્નો તથા કર્મચારીઓના અણઉકેલ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથેના વિવિધ મુદ્દા વણી લેવામાં આવ્યા છે.
