રાજકોટ મહાનગરપાલિકા અને કોન્ટ્રાકટરના પાપે વધુ એક જીવલેણ અકસ્માતમાં સ્કુટરસવાર મહીલાનો ભોગ લેવાયો છે અને માસુમ પુત્રએ માતાની છત્રછાંયા ગુમાવી છે.
સ્માર્ટસિટી અને રંગીલા રાજકોટની ગુલબાંગો ફુંકતા મહાનગરપાલિકાના શાસકો અને તેના મળતીયા જેવા અધિકારીઓની ગુનાહીત બેદરકારીના કરણે શહેરના અનેક રસ્તાઓ ઉપર મોતના ખાડા અને ટેકરા ઉભા છે ત્યારે જામનગર રોડ નજીક એસઆરપી કેમ્પ નજીક રાત્રીના અંધારામાં ભુગર્ભ ગટરની 4 ફુટ ઉંચી કુંડી સાથે બાઇક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં એ.જી. ચોક પાસે સરીતા વિહાર સોસાયટીમાં રહેતી મિતાલીબેન કિરણભાઇ કેસરીયા નામની 29 વર્ષની પરિણીતાનું કરૂણ મોત નિપજયું છે. જયારે સદનશીબે તેના પતિનો ચમત્કારીક બચાવ થયો હતો.મળતી માહિતી મુજબ ગૃહ ઉદ્યોગ ચલાવતા મિતાલીબેન કેસરીયા ગતા તા.6 નવેમ્બરના રોજ પોતાના પતિના બાઇક પાછળ બેસી હોટલમાં જમીને પરત ફરી રહ્યા હતા ત્યારે એસઆરપી કેમ્પ નજીક રાત્રે 11-30 વાગ્યે રોડ વચ્ચે કોઇપણ જાતના બેરીકેડ કે આડસ વગર ખડકેલી ભુગર્ભ ગટ્ટરની કુંડી સાથે બાઇક અથડાતા બાઇક ચકરડી ફરી કુંડી ઉપરથી ઉલળી પલટી મારી ગયું હતું.
આ અકસ્માતમાં મિતાલીબેનને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયેલ જયાં 16 દિવસની સારવાર બાદ મિતાલીબેનનું દુ:ખદ મૃત્યુ નિપજયું હતું. મિતાલીબેને જીવ ગુમાવતા તેના માસુમ પુત્રએ માતાની છત્રછાંયા ગુમાવી દીધી છે.
આ ગંભીર ઘટના બાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર નંદાણીએ તંત્રનો બચાવ કરતા જણાવ્યું હતું કે, કુંડી રોડની વચ્ચે નહીં પરંતુ રોડની સાઇડમાં આવેલી છે. જો કે, આટલી મોટી કુંડી રોડ ઉપર અંધારામાં કોઇ આડસ વગર રાખી દેવી તે માટે જવાબદાર કોણ? તેવો સવાલ ઉઠી રહ્યો છે. મહાપાલિકાનું નિંભર તંત્ર આ ઘટનામાં જવાબદારી નકકી કરી પગલા ભરી કોઇ સામે પગલા લેશે કે માત્ર મગરના આંસુ સારશે? તે જોવાનું રહ્યું.
અત્યાર સુધીમાં કોર્પોરેશનતંત્રની બેદરકારીએ અનેક લોકોનાં ભોગ લીધા
રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે ખુલ્લા ખાડામા પડેલા બાળકના માથામાં સળિયા સોસરવા નીકળી ગયા હતા : ઓવરબ્રિજમાં હાઇટ ગેજ બનાવવા માટે ખોદવામા આવેલા ખાડાએ માધાપર ચોકડી નજીક રહેલા લોહાણા પરિવારના એકના એક આશાસ્પદ યુવાનનો ભોગ લીધો હતો. હજુ દોઢ વર્ષ પહેલ જ તા.16-4-2025ના રોજ ઇન્દિરા સર્કલ પાસેથી માતેલા સાંઢની માફક નીકળેલી સિટી બસના ચાલકે એકસાથે 9 રાહદારીઓને હડફેટે લીધા હતા. જેમા એક બાળક સહિત ચાર વ્યક્તિના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય પાંચ વ્યક્તિ ગંભીર રીતે ઘવાયા હતા. મહિલા કોલેજ બ્રિજ બન્યો એ જ વર્ષે લક્ષ્મીનગરમાં રહેતા એક લોહાણા વૃધ્ધનું મોટરસાયકલ બ્રિજના વળાંક પર સ્લીપ થઇ જતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ.બજરંગવાડીમાં રહેતા એક દંપતિ બ્રિજની ગોલાઇમાં ફંગોળાયા હતા અને તેમા પત્નીનું મોત નિપજ્યું હતુ. આ ઘટનાના છ મહિના પછી જ એક વિદ્યાર્થિનીને બ્રિજના અન્ડરપાસમાં જ સિટી બસે અડફેટે લેતા ઘવાયેલી આ વૃધ્ધાએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોકી અને ફૂટબોલના કોચ એવા એથ્લેટિક ખેલાડી બી.સી.મકવાણા સાયકલીંગ કરવા નીકળ્યા હતા ત્યાંરે બ્રિજના સર્વિસ રોડમાં ખુલ્લી મુકાયેલી કુંડીમાં ખાબકતા સીધા જ બ્રિજની દિવાલ સાથે અથડાયા હતા અને હેમરેજ થતા મૃત્યુ નિપજ્યું હતુ.નાના મવા રોડ પર રાજનગર ચોક પાસે રહેતા દેવેન્દ્રસિંહ ભુપતસિંહ ડાભી નામના ગુર્જર રાજપૂત સમાજના 24 વર્ષિય યુવાનો જીવ મહિલા કોલેજ ચોકમાં ગોલાઇ પર લપસણા રોડે લીધો હતો. મીકેનિકલ ઇજનેર આ રાત્રે કિસાનપરા ચોકમાં નાસ્તો કરવા નીકળ્યો હતો. હાર્લી ડેવીલ્સ બાઇકમાં નીકળેલો આ યુવાન બ્રિજની ગોલાઇમાં વળાંક લેતા જ ફંગોળાઇને મૃત્યુ પામ્યો હતો.
