શહેરમાં સીટી બસના ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર અન્ય વાહન ચાલકોને ઠોકરે ચડાવી અકસ્માત સર્જી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટનામાં કેકેવી ચોક નજીક રહેતો યુવાન સાયકલ લઈ ઓફિસે જવા નીકળ્યો હતો. ત્યારે કોટેચા ચોક નજીક સીટી બસના ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કેકેવી ચોક પાસે રહેતો અને જાગનાથ વિસ્તારમાં આવેલી કેબલ ઓફિસમાં નોકરી કરતો દુર્ગેશ હેમરાજભાઈ મીણા નામનો 19 વર્ષનો યુવાન સવારના નવેક વાગ્યાના અરસામાં પોતાની સાઇકલ લઇ ઘરેથી ઓફિસે જવા નીકળ્યો હતો ત્યારે કાલાવડ રોડ પર કોટેચા ચોક નજીક પહોંચ્યો હતો તે દરમિયાન માતેલા સાંઢની માફક ધસી આવેલી સીટી બસના ચાલકે દુર્ગેશ મીણાની સાયકલની ઠોકરે ચડાવતા દુર્ગેશ મીણા સાયકલ સાથે રસ્તા પર ફૂટબોલના દડાની માફક ફંગોળાયો હતો. અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા દુર્ગેશ મીણાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અકસ્માત સર્જી સીટી બસનો ચાલક નાસી છુટ્યો હતો.
પ્રાથમિક તપાસમાં અકસ્માતમાં ઘવાયેલો દુર્ગેશ મીણા મૂળ રાજસ્થાનનો વતની છે અને બે ભાઈ એક બહેનમાં મોટો છે કેબલ ઓફિસમાં નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરે છે અને સવારે ઘરેથી ઓફિસે જવા નીકળ્યો હતો ત્યારે સીટી બસના ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છુટેલા સીટી બસના ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.