ખંભાળિયા વિસ્તારમાં ટ્રાફિક નિયમનમાં રહેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સાથે બાઈક ડીટેઈન કરવા બાબતે બોલાચાલી કરી, અહીંના ચંદુ અરજન રૂૂડાચ નામના શખ્સ દ્વારા બબાલ સર્જીને પોલીસને આડકતરી રીતે ધમકી આપીને ફરજમાં રૂૂકાવટ કરવા ઉપરાંત પોલીસ સ્ટેશનમાં રહેલા સોફાને સળગાવી નાખવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ચકચારી બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં જિલ્લા ટ્રાફિક પી.આઈ. તરીકે ફરજ બજાવતા એમ.ડી. મકવાણા નામના પોલીસ અધિકારી અન્ય પોલીસ જવાનો સાથે ગઈકાલે સોમવારે ખંભાળિયા – જામનગર હાઈવે પર કંચનપુર ગામના પાટીયા પાસે ચેકિંગ કાર્યવાહી કરી રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર જી.જે. 10 એ.જી. 3677 નંબરના મોટરસાયકલ લઈને નીકળેલા એક શખ્સને અટકાવી ચેકિંગ કરતા ફેન્સી નંબર પ્લેટ તેમજ લાયસન્સ અને જરૂૂરી કાગળ ન હોવા સબબ આ વાહન ડીટેઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન બાઇક ચાલક એવા ચંદુ અરજન રૂૂડાચ (ઉ.વ. 42, રહે. ગોવિંદ તળાવ, શક્તિનગર, ખંભાળિયા) ને ખંભાળિયામાં મિલન ચાર રસ્તા વિસ્તારમાં આવેલી ટ્રાફિક શાખાની કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેણે બોલાચાલી કરી અને મોટરસાયકલ ડીટેઈન ન કરવા તેમજ “મારી સામે ના પડતા. નહીંતર હું ’ચારણના ચોરા’માં ફેસબુક ઉપર તમારી ટ્રાફિક પોલીસને બદનામ કરીશ. તમારી ટ્રાફિક પોલીસના પટ્ટા-ટોપી ઉતારી ન દઉં તો મારું નામ ચંદુ રૂૂડાચ નહીં મેં ભૂતકાળમાં ઘણા પોલીસને સસ્પેન્ડ કરાવેલ છે. અને મેં ચારણના ચોરામાં ફેસબુક ઉપર પોલીસને સીધી કરેલ છે”- વિગેરે બાબતે પોલીસને આડકતરી ધમકી આપી હતી.
આ પછી પોલીસ કચેરીમાં બેઠેલા ચંદુ રૂૂડાચે પોતાના જેકેટના ખિસ્સામાંથી એક પ્રવાહી ભરેલી નાની બોટલ કાઢી અને ટ્રાફિક કચેરીમાં રહેલા સોફા ઉપર છાંટવા લાગ્યો હતો. ત્યાર બાદ તેણે ખિસ્સામાંથી બાકસ કાઢી અને સળગતી દિવાસળી સોફા પર નાખતા સોફામાં આગ લાગી હતી. આ ઉપરાંત અન્ય ઓફિસ ફર્નિચર પર પણ પ્રવાહી છાંટવાની કોશિશ કરતાં પોલીસ કર્મચારીઓએ તેમને અટકાવી બોટલ ઝૂંટવી લીધી હતી. આગ લાગતા તાત્કાલિક ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી.
આમ, પોલીસ કર્મચારીઓને આડકતરી રીતે ધમકી આપીને પોલીસ ફરજમાં અડચણ ઊભી કરવા ઉપરાંત સરકારી મિલકતને સળગાવીને નુકસાની કરવા સહિતની જુદી જુદી બાબતે પી.આઈ. એમ.ડી. મકવાણાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે આરોપી ચંદુ અરજન રૂૂડાચ સામે બી.એન.એસ.ની જુદી જુદી કલમ સાથે પબ્લિક પ્રોપર્ટી ટુ ડેમેજ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે.
