આંગડિયાની કોડ લેંગ્વેજથી ભાંડો ફુટયો, બે શખ્સોની ધરપકડ: દુબઇના વૈભવ પટેલ સહિત બે વોન્ટેડ
પેઢીના કર્મચારીને દોઢ કલાક સુધી બંધક બનાવ્યો, પૈસા મળી જતા છોડી મૂક્યો
દુબઈમાં કાવતરું રચી રાજકોટના ધંધાર્થીને કમીશનથી રાજકોટથી પેમેન્ટ લઈ દુબઈમાં પેમેન્ટ આપવાનું કહી છેતરપિંડી કરાઈ હતી. કોઠારીયા મેઇન રોડ પર વિવેકાનંદનગરમાં રહેતા અને સોની બજારમાં આવેલી એસપી એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢીમાં નોકરી કરતા વિરલ જશવંતભાઈ વ્યાસ (ઉ.વ.40) અને તેના સાથી કર્મચારી કિશનભાઈ દિનેશભાઈ વીસપરાને જામનગર રોડ પર બજરંગવાડી પાસે આવેલી પાનની દુકાન પાસે પેમેન્ટના બહાને બોલાવી કારમાં બેસાડી ફોન લૂંટી લીધા હતા. શબ્બીર નામના શખ્સ સહિત ત્રણે કાવતરા મુજબ પૈઢીના માલિકને પેમેન્ટ મળી ગયાની હા પડાવી દુબઈમાં રૂૂા. 50 લાખનું પેમેન્ટ કરાવી ભાગી ગયાની ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે.પોલીસે વિરલભાઈની ફરિયાદ પરથી શબ્બીર ઉર્ફે જાબર સીદીકભાઈ જુણેજા, તેના બે અજાણ્યા સાગરિતો અને દુબઈમાં રહેતા અજાણ્યા સાગરિતો સામે ગુનો દાખલ કરી બજરંગવાડીના શબ્બીર અને તેની સાથેના તૌફિકને ઝડપી લીધો હતો.તેની પૂછપરછમાં દુબઈના બે શખ્સોનું નામ ખુલતા તેની શોધખોળ શરૂૂ કરી છે.
વિરલભાઈએ પોલીસને જણાવ્યું હતું કે તેના હિમાંશુભાઈના વિમલભાઈ પાંઘી (રહે. દુબઈ) કે જે કમિશનથી પૈસાની લેતીદેતીનું કામ કરે છે તેની સાથે ઓળખાણ થઇ હતી.10-11-2025ના વિમલભાઈએ તેની આંગડિયા પેઢીમાં વોટ્સએપ નંબર પર કોઈ રેલનગરમાં પેમેન્ટ લેવા જઈ શકે? તેવો મેસેજ કરતાં તેના શેઠ મીહીરભાઈએ ફીગર શું છે ? તેમ પૂછતા વિમલભાઈએ 25 કેજી (લાખ) તેવો જવાબ આપ્યો હતો.હા થઈ જશે તેમ રિટર્ન મેસેજ કર્યો હતો.
ત્યારબાદ વિમલભાઈએ રાકેશભાઈ લખીને એક ઇન્ટરનેશનલ નંબર આપ્યો હતો. બાદમાં વોટ્સએપ કોલથી વાત કરી જે નંબર જણાવ્યો છે તે પાર્ટી પાસેથી 25 નહીં પરંતુ 50 લાખ લેવાના છે. તે રૂૂપિયા લઈ તમારું કમિશન કાપી હું જણાવી તે પાર્ટીને પૈસા પહોંચતા કર આપજો અને તમારા હાથમાં પૈસા આવે એટલે મેસેજ કરજો જેથી મારે દુબઈમાં એક પાર્ટીને પેમેન્ટ આપવાનું છે તે મોકલી આપું તેમ વાત કરી હતી.
ત્યારબાદ તેને વિમલભાઈએ આપેલા, નંબર પર કોલ કરી પૈસા ક્યા લેવા આવવાનું છે તેમ પૂછતા તેણે બજરંગવાડી પાસે આવવાનું કહ્યું હતું.જેથી તે તેની સાથે કામ કરતા કિશન સાથે ત્યાં ગયા હતા. જ્યાં શબ્બીર સહિતના ત્રણેય આરોપીઓએ બીએમડબ્લ્યુકારમાં તેને પૈસા ભરી દેવાનું કહી, ગાડીમાં બેસાડી લીધા હતા.બાદમાં તેણે ઓફિસેથી આપેલ રૂૂા. પની નોટ ત્રણેય શખ્સોમાંથી એકને બતાવતા તેને ફોટો પાડી રકમ ચૂકવી દીધેલ છે તેવો મેસેજ કર્યો બાદમાં ડ્રાઇવર સીટમાં બેઠેલા શખ્સે તેના નેફામાંથી રૂૂમાલમાં વીંટાળેલ હથિયાર તેને બતાવી તમાચા ઝીંકી તેના અને કિશનના ફોન લૂંટી લીધા હતા.
આ સમયે તેના શેઠનો ફોન આવતા તેના ગયું છે તેમ બોલવાનું ઈશારાથી કહેતા તેને પેમેન્ટ મળી ગયું છે તેમ શેઠને કહ્યું હતું અને શેઠને પૈસા હાથમાં આવી ગયા છે તેવા મેસેજના જવાબમાં ઓકે લખી પૈસા મળી ગયેલ છે તેમ જણાવેલ હતું. પરંતુ આંગડિયાની ભાષામાં 50 લાખના બદલે 50 કેજી ઓકે એમ મેસેજમાં લખતા હોવાથી આ શખ્સોએ મેસેજમાં 50 કેજીના બદલે 100ના બંડલ ઓકે એવો આંગડિયા ભાષા કરતાં અલગથી લખેલ હતું. આથી તેના શેઠને શંકા જતાં બીજી વખત કોલ કરતાં અને પૈસા બાબતે પૂછતા આ શખ્સોએ હોસ્પિટલ ચોકમાં પૈસા લઈ પહોંચેલ છે તેવું કહેવાનું કહેતા તેણે શેઠને તેવો જવાબ આપ્યો હતો.
આમ દોઢેક કલાક બંનેને બંધક બનાવી આ શખ્સો કોઈ સાથે વોટ્સએપ કોલમાં વાત કરતાં હતાં અને જલદી કરો. જલદી કરો તેમ જણાવતા હતા. આ સમયે મીહીરભાઈએ વિમલભાઈ પાંધીને પૈસા મળી ગયા છે તેમ ઓકે આપતા વિમલભાઈએ સામેની પાર્ટીને પૈસા મોકલી આપ્યા હતા. જે આ શખ્સોને મેસેજથી જાણ થતાં બંનેના મોબાઇલ પરત આપી જવા દીધા હતા.આ બનાવ અંગેની અરજી પરથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનો નોંધી પીએસઆઇ સી. બી.જાદવ અને ટીમે તપાસ આદરી શબીર ઉર્ફે જાબર સીદીક જુણેજા અને તોફિક જમીલહુસેન શેખ (રહે. બંને બજરંગવાડી) ને દબોચી લઈ પૂછતાછ આદરતાં નવા ખુલાસા થયાં હતા.
મુખ્ય સૂત્રધાર વૈભવ પટેલે દુબઇ રહેતા વિમલનો વિશ્વાસ જીતી પૈસા પડાવવા કાવતરું ઘડ્યું!
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૂળ રાજકોટના અને હાલ દુબઈ બેસેલા વૈભવ પટેલ નામનો શખ્સ વિમલભાઈ પાંધીના સંપર્કમાં આવ્યો હતો. જે દરમિયાન વૈભવે રૂપીયા પડાવવા વિમલભાઈને મારા રૂૂપીયા રાજકોટમાં છે તે મને મેળવી અપાવી દયો તેમ કહી છટકું ગોઠવ્યું હતું.જે ગુનામાં વૈભવે દુબઈ જ રહેતાં રાજકોટના સાગર વ્યાસની મદદ લેતાં તેને અહીં શબીર ઉર્ફે જાબર સીદીક જુણેજાને આંગડિયા પેઢીના કર્મીનું અપહરણ કરી ખોટો હવાલો પાડવાનો કારસો રચ્યો હતો.
