એમપીના દિપકનો ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક થયો, જાલીનોટ કેમ બનાવવી? તેની ટીપ્સ મેળવી
10 હજારની જાલીનોટ સામે ત્રણ હજાર અસલી નોટ આપશે તેવું દિપકે કહ્યું પરંતુ બાદમાં ફોન ઉપાડ્યો જ નહીં
શહેરના આજીડેમ ચોકડીથી આગળ માંડાડુંગર વિસ્તારમાં રહેતાં અને રિક્ષા હંકારવા સાથે બકાલુ પણ વેંચતા અભણ દેવીપૂજક શખ્સે ઘરમાં જ જાલીનોટો છાપવાનું ચાલુ કરી દીધું હતું. લવમેરેજ કરનાર આ યુવાન ભાડેથી રહેતો હોઇ આર્થિક ખેંચ અનુભવતો હોઇ નોટો છાપવાના રવાડે ચડયો હતો. પરંતુ આવી નોટો વટાવે એ પહેલા જ એસઓજીના હાથે પકડાઇ ગયો હતો.
વધુ વિગતો મુજબ એસઓજીની ટીમ ગેરકાયદે પ્રવૃતિઓ અટકાવવા માટે પેટ્રોલીંગમાં હતી ત્યારે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા,એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સૂચના અંતર્ગત પીઆઇ એન. બી. ચૌધરી, પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, પીએસઆઇ એ. એન. પરમાર, પીએસઆઇ એમ. વી. જાડેજા, એએસઆઇ અરૂૂણભાઇ બાંભણીયા, ભરતસિંહ પરમાર,હેડકોન્સ. હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહિલને બાતમી મળી હતી કે માંડા ડુંગર નજીક શ્યામકિરણ પાર્ક-3માં હિંગળાજ પ્રોવીઝન સ્ટોર સામે ભાડાના મકાનમાં રહેતો શખ્સ તેના ઘરમાં નકલી ચલણી નોટો છાપે છે. આ બાતમીને આધારે એસઓજી અને ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડયો હતો. ઘરમાં એક શખ્સ હાજર હોઇ પુછતાછમાં પોતાનું નામ કિશન ભુપેન્દ્રભાઇ સોલંકી (ઉ.વ.30) જણાવ્યું હતું.
પોલીસે વિશેષ તપાસ કરતાં ઘરમાંથી કોમ્પ્યુટર, પ્રિન્ટર, સીપીયુ, બટર પેપર સહિતની શંકાસ્પદ સામગ્રી મળી આવતાં વધુ તપાસ કરતાં નકલી ચલણી નોટો પણ મળી હતી. વધુ તપાસ થતાં 100ના દરની નકલી નોટો 216 નંગ, રૂૂા. 500ના દરની નકલી 3 નોટો મળી આવી હતી. પોલીસે આ નકલી નોટો. સીપીયુ, મોનીટર, બે અલગ અલગ પ્રીન્ટર, લેમીનેટર હીટર મશીન, બટર પેપર, રૂૂા. 100ના દરની પ્રીન્ટાવાળા કાગળો, આધારકાર્ડ, એપલ મોબાઇલ મળી કુલ રૂૂા. 65500નો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરૂૂધ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
આ શખ્સ વિરૂૂધ્ધ અગાઉ 2018માં તાલુકા પોલીસમાં ગદરૂૂનો અને 2022માં એ-ડિવીઝન પોલીસમાં અન્ય એક ગુનો નોંધાયો હતો. તેણે 2018માં લવમરેજ કર્યા છે.
હાલમાં તે રિક્ષા હંકારવા સાથે બકાલુ વેંચે છે. તેણે રટણ કર્યું હતું કે છ મહિના પહેલા હું ઇન્સ્ટાગ્રામમાં રીલ જોતો હતો ત્યારે એમપીના દીપકની રીલમાં તે નકલી નોટો બનાવતો હોવાની વિગતો હતી. તેમાં આપેલા નંબર પર ફોન કરતાં તેણે કોમ્પ્યુટર સહિતની સાધન સામગ્રી ખરીદી લેવા સુચના આપતાં પોતે જુના કોમ્પ્યુટર પ્રિન્ટર તાજેતરમાં લાવ્યો હતો. બાદમાં દિપકને નોટો કેમ બનાવવી તેના વિડીયો મોકલતાં તેના આધારે 100-500ની નોટો છાપી હતી.
પોતે એક નોટ વટાવવા ગયો હતો પરંતુ દસ રૂૂપિયાની વસ્તુ ખરીદી સોની નોટ આપતાં દુકાનદારને શંકા જતાં પાછી લઇને આવી ગયો હતો.પરંતુ ક્યાં કેવી રીતે સંપર્ક કરવો તેની વિગતો આપી નહોતી. કિશન અભણ છે અને માત્ર સહી કરતાં આવડે છે.પોતે ભાડેથી રહેતો હોઇ અને આર્થિક ભીંસમાં હોઇ નકલી નોટો છાપવાના રવાડે ચડયાનું તે રટણ કરે છે. પ્રાથમિક તપાસમાં તેણે વધુ કોઇ નોટો છાપી હોવાનું ખુલ્યું નથી.
રીક્ષાચાલક મિત્રને પાંચેક હજાર વટાવવા આપ્યા પણ વટયા નહીં!
આ ઉપરાંત તેણે કોઠારીયા ચોકડીએ રહેતાં રિક્ષાચાલક મિત્ર અક્ષયને પણ પાંચેક હજારની નકલી નોટો વટાવવા આપી હતી. પણ તેણે એવુ કહ્યું હતું કે આ નોટને લોકો જોતા જ હાથમાં લેતાં જ નકલી હોવાનું ઓળખી જાય છે. આથી તે પણ આ નોટ ચલણમાં વહેતી કરી શક્યો નહોતો. દિપકે દસ હજારની નકલી નોટો સામે પોતે ત્રણ હજાર અસલી રૂૂપિયા આપશે તેવી વાત કરી હતી.
