પાણી, પેડલ અને પગલાંમાં પારંગત ખેલાડીએ કોચ બની સપનાને આપી પાંખો

સગા સંબંધી જ્યારે દીકરીના ભવિષ્ય માટે સોનાના દાગીના ખરીદતા ત્યારે પૂજા ચૌઋષિના પિતા પુત્રી માટે સાયકલ ખરીદતા ખેલાડી તરીકે 200થી વધુ મેડલની સિદ્ધિ મેળવ્યા બાદ…

સગા સંબંધી જ્યારે દીકરીના ભવિષ્ય માટે સોનાના દાગીના ખરીદતા ત્યારે પૂજા ચૌઋષિના પિતા પુત્રી માટે સાયકલ ખરીદતા

ખેલાડી તરીકે 200થી વધુ મેડલની સિદ્ધિ મેળવ્યા બાદ કોચ તરીકે અનેક ખેલાડીઓનાં સપનાંને સાકાર કરવા મથે છે પૂજા ચૌઋષિ

પાણીની લહેરોને ચીરતી હોય, રસ્તા પર સાયકલનાં પૈડાં સાથે ગતિની હોડ લગાવતી હોય કે પછી દોડતાં પગલાંથી સફળતાના શિખરો સર કરતી હોય… દરેક પડકાર સામે અડીખમ ઊભા રહેવું એ જ પૂજા ચૌઋષિની ઓળખ છે. જળ, જમીન અને દોડના મેદાનમાં પોતાની ક્ષમતાની સાબિતી આપીને તેમણે માત્ર મેડલ જ નથી જીત્યા, પરંતુ અનેક સપનાંને નવી પાંખો પણ આપી છે. ખેલાડી તરીકેની તેમની કારકિર્દીમાં 200થી વધુ મેડલની સિદ્ધિ છે, તો કોચ તરીકે અનેક ખેલાડીઓનાં સપનાંને સાકાર કરવાની મથામણ પણ છે.

કેટલીક ક્ષણો જીવનમાં એવી હોય છે, જે સમય વીતવા છતાં હૃદયમાં જીવંત રહે છે. વર્ષ 2008માં કઝાકિસ્તાન ખાતે યોજાયેલી એશિયન કપ ટ્રાયથ્લોન સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી ગુજરાતની દીકરી પૂજા ચૌઋષિએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વિદેશની ધરતી પર પોતાના દેશનો ધ્વજ લહેરાતો જોવો અને રાષ્ટ્રગીતના સૂર કાને પડવા… એ ગૌરવની ક્ષણે તેમની આંખો ભીની થઈ ગઈ હતી.ત્યાર બાદ અનેક સિલ્વર અને ગોલ્ડ મેડલ તેમના નામે થયા, પરંતુ એ પ્રથમ સફળતાની સ્મૃતિ આજે પણ તેમને ભાવુક કરી દે છે. દેશ માટે મેડલ જીતવાની એ ક્ષણ માત્ર વ્યક્તિગત સિદ્ધિ નહોતી, પરંતુ ભારતનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર રોશન કરવાનો ગૌરવભર્યો અનુભવ હતો.

વર્લ્ડ ટ્રાયથ્લોન લેવલ 1 અને લેવલ 2ના ભારતના એકમાત્ર કોચ છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ ટોપ ફાઈવ ફિમેલ કોચ ઇન ધ વર્લ્ડમાં તેમનું નામ જાહેર કર્યું હતું. તેઓ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સાથે મેન્ટર અને ફેસીલીટેટર તરીકે કામ કરે છે. સાઉથ એશિયન ટ્રાયથ્લોનના તેઓ બ્રાન્ડ એમ્બેસેડર છે. મેડલ મેળવવાની અને એથ્લીટથી કોચ સુધી પહોંચવાની તેમની યાત્રા ઘણી જ પ્રેરણાદાયી છે.

અમદાવાદમાં જન્મ તથા સુરતમાં ઉછેર અને અભ્યાસ પૂર્ણ કર્યો. એમએસસી આઈટી સુધીનો અભ્યાસ કર્યો. શાળાના વેકેશન દરમિયાન પિતા નરેશ ચૌઋષિ અને માતા લીના ચૌઋષિએ તેમને સ્વિમિંગ, જીમનેસ્ટીક અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિ કરાવી જેમાં સ્વિમિંગમાં કોચની પારખું નજર આ હીરાને પારખી ગઈ. કોચે દીકરીને સ્વિમિંગમાં આગળ વધારવા માતા પિતાને સૂચન કર્યું. સ્વિમિંગની ટ્રેનિંગ શરૂૂ થયાના એક વર્ષમાં જ પૂજાનું નેશનલ લેવલ પર સિલેક્શન થયું અને ત્યારબાદ દોઢ વર્ષે તેઓનું મેડલ જીતવાનું શરૂૂ થયું. તેઓએ ઓપન વોટરમાં પણ સ્વિમિંગ કર્યું છે અને મેડલ જીત્યા છે. નેશનલ ચેમ્પિયનશિપ, કોમનવેલ્થ, 800 મીટર,1500 મીટર, ફ્રી સ્ટાઈલ વગેરેમાં તેઓ રેકોર્ડ હોલ્ડર છે.

સ્વિમિંગમાં ટોપર એવા પૂજા ચૌઋષિનો ટ્રાયથ્લોનમાં નાટ્યાત્મક પ્રવેશ થયો હતો. 2006માં એકવાથ્લોન (સ્વિમિંગ અને રનિંગ)માં ગોલ્ડ મેડલ મળ્યો. મેડલ સેરેમની માટે એક દિવસ રોકાવાનું હતું અને એ જ દિવસે ટ્રાયથ્લોનની પણ કોમ્પિટિશન હતી. પૂજા ચૌઋષિની રમત જોઈને નેશનલ ગેમ્સમાં સેક્રેટરીએ તેના પિતાજીને ટ્રાયથ્લોનમાં વાઇલ્ડ કાર્ડથી પ્રવેશ મેળવીને, ભાગ લેવાનું સૂચવ્યું. ટ્રાયથ્લોન માટે જરૂૂરી એવી સાયકલ તો હતી નહીં પરંતુ કોઈપણ રીતે વ્યવસ્થા કરી અને સ્પર્ધામાં જુકાવ્યું.

સાયક્લિગંની પ્રેક્ટિસ ન હોવાથી સાયક્લિગં દરમિયાન તેઓ બધાથી પાછળ હતા પરંતુ સ્વિમિંગ અને રનીંગમાં તેઓ બધાથી આગળ નીકળી ગયા અને પોતાના સહિત અન્ય લોકોના આશ્ર્ચર્ય વચ્ચે ગોલ્ડ મેડલ જીતી ગયા. આ રમતના આધારે આસામમાં નેશનલ ગેમ્સમાં પણ સિલેકશન થયું પરંતુ ટ્રાય થ્લોન માટે જરૂૂરી સાયકલ એક થી દોઢ લાખ રૂૂપિયાની આવતી હતી જે લેવી ત્યારે પોસાય તેમ નહોતી. એક સ્પોન્સરની મદદ થી ઓછી કિંમતની સાયકલ લીધી. અહીં લેટેસ્ટ ઇકવિપમેન્ટ ન હોવાથી નાસીપાસ થયા પરંતુ પીછેહઠ ના કરી, હિંમત હાર્યા છતાં તેણે સ્પર્ધામાં ભાગ લઈ ચાર મિનિટની લીડથી ગોલ્ડ મેડલ મેળવ્યો એટલું જ નહીં પરંતુ નેશનલ રેકોર્ડ પણ બનાવ્યો અને તેની આ સફળતાથી સ્ટેટ રેન્કિંગમાં ગુજરાત પણ આગળ આવ્યું. એ સમયે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા.

તેઓએ સ્કોલરશિપ પણ જાહેર કરી હતી. પૂજાએ પોતાની જર્ની વિષે જણાવ્યું કે એવોર્ડ અને સક્સેસ સાથે ઇન્જરી પણ થઈ, ડાઉન ફોલ્સ પણ આવ્યા. 2016માં રોડ પર સાયક્લિગં પ્રેક્ટિસ સમયે થયેલ અકસ્માતેમાં લીગામેન્ટ ગંભીર રીતે ફાટી જતા ડોકટરે સ્પર્ધામાં ઉતરવાની લાઇફ ટાઇમ મનાઈ ફરમાવી ત્યારે થોડો સમય ડિપ્રેશનનો સામનો પણ કર્યો. કેરિયરના તપતા સૂરજ વચ્ચે રિટાયર થવું કઠિન હતું પણ ઇન્જરીએ કોચ બનવાની નવી દિશા બતાવી. કોમ્પિટીશનની જેમ કોચિંગમાં પણતેણીના ખેલાડીઓ સફળતાનું આસમાન સર કરી રહ્યા છે. પોતાનું ઓલિમ્પિક રમતનું સ્વપ્ન રમી ન શકવાને કારણે સાકાર ન થયું. આ સ્વપ્ન તેઓ પોતાના ખેલાડીઓમાં જોઈ રહ્યા છે અને હાલ તેઓ આ માટે જ ટીમ તૈયાર કરે છે. ટ્રાયથ્લોન બાબત અવરનેસ માટે પણ તેઓ પ્રયત્ન કરે છે. સ્પોર્ટ્સ માટે સરકારના પ્રયત્નોની પ્રશંસા કરતા જણાવ્યું કે ખેલો ઇન્ડિયા અને ખેલ મહાકુંભ દ્વારા સ્પોર્ટ્સ પ્રત્યે લોકોની દૃષ્ટિ બદલાઈ છે.આજે સ્પોર્ટ્સમાં મહિલાઓ પણ ઘણી આગળ છે અને સફળ થઈ રહી છે.

પોતાની સફળતા માટે તેઓ માતા, પિતા, ભાઈ બધાનો આભાર માને છે. દરેક પગલે તેઓના સહકારથી જ તેઓએ આજે પોતાની અલગ ઓળખ મેળવી છે. પૂજા ચૌઋષિને ખૂબ ખૂબ શુભકામનાઓ

આને કહેવાય ટ્રાયથ્લોન
ટ્રાયથ્લોનમાં સ્વિમિંગ કરી પાણીમાંથી બહાર નીકળી સાયક્લિગં કરવાનું હોય છે અને સાયકલ મૂકી રનીંગ કરવાનું હોય છે. તેમાં જુદા જુદા ડિસ્ટન્સ હોય છે. જેમ કે સ્પ્રિંગ ડિસ્ટન્સમાં 750 મીટર સ્વિમિંગ, 20 km સાયકલિંગ અને 5 km રનિંગ હોય છે. સ્ટાન્ડર્ડ ડિસ્ટન્સ, હાફ આયર્ન મેન, ફૂલ આયર્ન મેન તેમજ અલ્ટ્રામેન હોય છે. દરેકમાં ડિસ્ટન્સ વધતું જાય છે.

200થી વધુ મેડલ જીતનાર ગોલ્ડન ગર્લ
9 વર્ષની ઉંમરથી મેડલ જીતવાનું શરૂૂ કર્યું હતું જેમાં 12 વર્ષે રાષ્ટ્રીય પ્રતિયોગિતા પણ જીતી હતી. સ્વિમિંગ, સી સ્વિમિંગ, એકવાથોન અને ટ્રાયથ્લોન એમ બધી જ સ્પર્ધામાં તેઓએ 200 થી વધુ મેડલ મેળવ્યા છે. 3 વખત સાઉથ એશિયન ટ્રાયથ્લોન ચેમ્પિયન શિપ જીતી તેમજ 7 વખત નેશનલ ટ્રાયથ્લોન સ્પર્ધામાં વિજેતા થયા. સિનિયર અને જુનિયર એકલવ્ય એવોર્ડ તથા સિનિયર અને જુનિયર સરદાર પટેલ એવોર્ડ પણ મળ્યો છે.

અને કોચ બનવાનો વિચાર કર્યો
પૂજા માટે સ્વિમિંગ, સાયક્લિગં અને રનિંગના અલગ અલગ કોચ હતા પરંતુ ટ્રાયથ્લોન માટે યોગ્ય કોચિંગ નહોતું મળ્યું. 2016 માં ઇજાના કારણે ફરજિયાત નિવૃત્તિ લેવાનું થયું ત્યારે કોચિંગની પ્રવૃત્તિ શરૂૂ કરી જેથી પોતાને જે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તે અન્યને ન કરવો પડે. આજે તેઓની ટ્રાઇ સ્પોર્ટ્સ એકેડેમી છે તેમજ વર્લ્ડ ટ્રાયથ્લોન સાથે એશિયન કોચ, ટેકનિકલ ઓફિશિયલ અને મેંટોર તરીકે કામ કરે છે. તેઓ એક પ્રોગ્રામ બનાવી કોચ તરીકે અન્યને પણ તૈયાર કરે છે.

કોચની ભૂમિકામાં પરિવાર અગ્રેસર
ટ્રાયથ્લોન માટે એ સમયે કોઈ ખાસ કોચ નહોતા. પૂજાની સફળતા જોઈને પિતાજીએ નોકરીમાંથી રીટાયરમેન્ટ લઈ રિસર્ચ કરવાનું શરૂૂ કર્યું. ટ્રાયથ્લોન વિષે માહિતી મેળવી એ પ્રકારે ટ્રેનિંગ આપવાનું શરુ કર્યું. માતા પણ દીકરીના ફૂડ અને ન્યુટ્રીશનમાં ધ્યાન આપતા તો નાના ભાઈ નીલ કે જે પણ એથ્લીટ રહી ચૂક્યા છે તે પણ મેન્ટલ સપોર્ટ બનતા. સગા સંબંધી જ્યારે દીકરીના ભવિષ્ય માટે સોનાના દાગીના ખરીદતા ત્યારે નરેશ ભાઈ પુત્રી માટે સાયકલ ખરીદતા. બોર્ડની પરીક્ષા સમયે પણ પૂજાએ પરીક્ષા સાથે મેડલ જીત્યા છે જે બાબત આજના માતા પિતાએ શીખવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *