બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. પાલનપુર નગર પાલિકાના વોર્ડ નંબર 11 માં કોંગ્રેસના ઉમેદવાર આરતી ઠાકોરે અચાનક પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે. આ સમગ્ર ઘટનાક્રમ ત્યારે વધુ વિવાદાસ્પદ બન્યો જ્યારે મહિલા ઉમેદવાર ભાજપના નેતાઓના કડક પહેરા વચ્ચે ચૂંટણી કચેરીએ પહોંચ્યા હતા.
ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પાલનપુર ચૂંટણી કચેરી રણમેદાનમાં ફેરવાઈ ગઈ હતી. વોર્ડ નં 11 ના કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર આરતી ઠાકોર જ્યારે ફોર્મ પરત ખેંચવા આવ્યા ત્યારે તેમની સાથે ભાજપના સ્થાનિક હોદ્દેદારો અને નેતાઓ જોઈને કોંગ્રેસના કાર્યકરો સ્તબ્ધ થઈ ગયા હતા. આ જોતા જ કોંગ્રેસના નેતાઓ પણ કચેરીએ દોડી આવ્યા હતા અને બંને પક્ષોના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ દ્વારા સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવીને તેમના ઉમેદવાર પર દબાણ લાવવામાં આવ્યું છે. બીજી તરફ, ભાજપે આ આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે ઉમેદવાર પોતાની મરજીથી વિકાસની રાજનીતિમાં જોડાવા માંગે છે.
આરતી ઠાકોરે ફોર્મ પરત ખેંચી લેતા હવે આ વોર્ડમાં કોંગ્રેસ માટે સમીકરણો કપરા બન્યા છે. ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં જ નેતાઓ સામસામે આવી જતા પોલીસ કાફલો પણ ખડકી દેવો પડ્યો હતો. પાલનપુરના રાજકારણમાં આ ઘટનાને લઈને અત્યારે ભારે ચર્ચાઓ જાગી છે.
