સિંગલ મધર એવા મિલિબેન રાણપરા લીપન આર્ટ, મોઝેક આર્ટ, ફ્લુઈડ પેઈન્ટિંગ કરી જીત્યા છે જીવન જંગ
Be kind, have courage and believe in a little bit magic આ શબ્દો સિન્ડ્રેલાના છે. પણ મને હંમેશા આકર્ષિત કરે છે અને સતત પ્રેરણા આપતા રહે છે.મારા જીવનમાં જે અણધારી અને જીવનમાં અંધારું કરી દે એવી પરિસ્થિતિમાંથી બહાર આવી ત્યારે એટલું સમજાયું કે જો આપણે પોતે પોઝીટીવ રહીએ, ઈશ્વરની યોજનાઓ પર વિશ્વાસ રાખીએ તો અંતે સારું જ થાય છે.આ શબ્દો છે રાજકોટ કોટક સ્કૂલમાં આર્ટ ટીચર તરીકે ફરજ નિભાવતા સિંગલ મધર મિલી રાણપરાના.હાલ તેઓ શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને શીખવે છે ત્યારે જિંદગીએ અકલ્પનીય સંજોગો આપીને તેમને બહુ મોટી શીખ આપી છે.
જન્મ અને અભ્યાસ રાજકોટમાં.દરેક માતા-પિતા જેમ દીકરીને સારા ઘરમાં પરણાવીને સુખી જોવા માગતા હોય તેમ મિલીબેનના લગ્ન પણ ઓગણીસ વર્ષની ઉંમરે થઈ ગયા. દીકરીનો જન્મ થયો અને ત્રણ વર્ષમાં સંજોગો એવા સર્જાયા કે પૂના શિફ્ટ થવું પડ્યું.ત્યાંના નિવાસ દરમિયાનના અનુભવો બાબત મિલિબેન કહે છે કે પૂના જઈને બધું એકડે એકથી શરૂૂ કર્યું.ત્યાંના 13-14 વર્ષના વસવાટમાં ઘણું નવું શીખવા મળ્યું, સારા નરસા અનુભવો થયા. થોડી સ્થિરતા આવી, બીજી દીકરીનું આગમન થયું અને ફરી નસીબે પાસા બદલ્યા અને બંને દીકરીઓને લઈ પિતાજીના ઘરે આવવું પડ્યું.પરિવારનો સાથ હોવા છતાં આગળની યાત્રા સહેલી નહોતી. એક સ્કૂલમાં પ્લે હાઉસમાં કામ કરવાનો મોકો મળ્યો.ઘેર દાદા-દાદી, મમ્મી-પપ્પા, ભાઈ બધાનું પ્રોત્સાહન રૂૂપી પ્રેરક બળ હતું એટલે જીવન ઝંઝાવાતમાં પણ ટકી શકી.
પ્લે સ્કૂલની નોકરી દરમિયાન તેઓને અનુભવ થયો કે નાના બાળકોને શીખવવા માટે શબ્દો કરતા ચિત્રો, વસ્તુઓ વધારે ઉપયોગી થાય છે. તેઓને બાળપણથી જ આર્ટ અને કલ્ચરલ એક્ટિવિટીનો શોખ તો હતો જ તેનો ઉપયોગ તેઓએ બાળકોને શીખવવા કર્યો.ફરી જોબ બદલી,અંગ્રેજી શીખ્યા અને સમયનું વહેણ વહેતું રહ્યું. કલાના સંગાથે તેઓ હાલ કોટક સ્કૂલમાં ટીચર છે અને બાળકોને ઈતર વિષયોની સાથે આર્ટ અને ક્રાફટ કરાવે છે. બેસ્ટ ટીચરનો એવોર્ડ પણ મળ્યો છે.
હાલ તેઓ લીપન આર્ટમાં ખૂબ સરસ આર્ટિકલ બનાવે છે અને કસ્ટમાઇઝ પણ કરી આપે છે. આ બાબત તેઓ જણાવે છે કે અત્યારે હું લીપન આર્ટ, મોઝેક આર્ટ, ફ્લુઈડ પેઈન્ટિંગ, મંડાલા આર્ટની વસ્તુઓ બનાવીને સેલ કરું છું. જેમાં દીકરીઓ પણ સાથ આપે છે. મોટી દીકરીને પરણાવી અને નાની દીકરી આઇટીનો અભ્યાસ કરે છે અને જીવનમાં ઠરી ઠામ થયાનો અનુભવ થાય છે.જીવનના અર્ધશતાબ્દીના પડાવ પર તેમનું સ્વપ્ન દીકરીઓ સાથે એક બિઝનેસ સેટઅપ કરવાનું છે અને જાત મહેનતે એક વર્લ્ડ ટૂર પર જવાનું છે.
