જીવનના અવરોધો વચ્ચે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી જીવનને સાર્થક બનાવે છે ભાવનાબેન કલોલા
આ એક એવી સ્વયંસિધ્ધા નારીની વાત છે જે જીવનની અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ વચ્ચે રહીને તેજોમય આભા બનીને પ્રકાશી રહી છે. ભાવનાબેન કલોલા નામ પ્રમાણે જ લાગણીશીલ સ્વભાવ એટલે હર હંમેશ અન્યને મદદ કરવા તત્પર રહે. શરૂૂઆત નિખાર બ્યુટી પાર્લર ઍન્ડ ટ્રેનિંગ સેન્ટરથી થઈ અને ધીમે ધીમે પ્રવૃત્તિ વધતી ગઈ. નિખાર રેન્ટલ ફેન્સી ડ્રેસ, અખિલ ગુજરાત વાણંદ સમાજ પ્રમુખ (રાજકોટ જિલ્લા),કેસરિયા હિંદુ વાહિની વાઈસ પ્રેસિડેન્ટ, (પૂર્વ)વોઇસ ઓફ વુમન પ્રેસ રિપોર્ટર, સ્વદેશી જાગરણ મંચ કાર્યકર્તા, મધર ટેરેસા આશ્રમની દીકરીઓની સેવા તેમજ એનિમલ હેલ્પ લાઈન સાથે જોડાયેલ છે. મા-બાપ વગરની દીકરીને લગ્ન સમયે ફ્રીમાં તૈયાર કરી આપે છે. મા-બાપ વગરની દીકરી કે વિધવા બહેનોને ફ્રીમાં બ્યુટી પાર્લરનો બેઝીક કોર્સ કરાવે છે તેમજ રોબિનહૂડ આર્મી સાથે જોડાયેલા છે. ઝુંપડપટ્ટીના બાળકોને ભણાવા પણ જાય છે. 2025માં ઝુંપડપટ્ટીના 28 બાળકોને સરકારી સ્કૂલમાં એડમિશન કરાવ્યા અને ઢોલ નગારા સાથે પ્રવેશ કરાવ્યો હતો.
દર મહિને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને સુવર્ણ પ્રાશન ટીપા પીવડાવવા,વ્યસન મુક્તિ અભિયાન,સફાઈ અભિયાન, પ્રૌઢ શિક્ષણ અભિયાન તેમજ હોટેલો કે શુભ પ્રસંગમાં વધેલો ખોરાક એકત્ર કરીને ઝૂંપડપટ્ટીમાં જમાડવા જાય છે.આજે બહેનો માટે સ્વસુરક્ષાની તાતી જરૂૂર છે ત્યારે તલવાર ક્લાસ પણ કરાવે છે. આરએસએસ સાથે જોડાઈને ઠાકરવન નામનું બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવે છે તેમજ વિશ્વ હિન્દુ પરિષદ સાથે પણ જોડાયેલા છે.
આ બધી પ્રવૃતિઓના ફળ સ્વરૂૂપ તેઓને અનેક એવોર્ડ પણ મળેલ છે.2022 લાયોનેસ ક્લબ દ્વારા “નારી રત્ન એવોર્ડ”,2023 રિલાયન્સ દ્વારા મહિલા દિવસ નિમિત્તે “નારી રત્ન એવોર્ડ”,2024 ઈન્સ્ટાગ્રામ એવોર્ડ,2025માં સાહેલી ક્લબ દ્વારા નારી રત્ન એવોર્ડ,ઉપરાંત કડિયા ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા મેડલ, શાઈનિંગ સ્ટાર એવોર્ડ, સ્વયંસિદ્ધા નારી રત્ન એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.આમ 300થી વધુ એવોર્ડ મળેલ છે. એકપણ બાળકને જન્મ નહીં આપનાર ભાવનાબેન કલોલા આજે અસંખ્ય બાળકોના જશોદા મા ગણાય છે અને આ બાળકોના અમૂલ્ય અને નિ:સ્વાર્થ પ્રેમના હકકદાર બન્યા છે.સેવાકીય પ્રવૃત્તિ સાથે ગૃહિણીની જવાબદારી પણ કુનેહપૂર્વક નિભાવે છે.યોગ કરીને સ્વસ્થ રહેવાનો પાઠ પોતે જીવનમાં ઉતર્યો છે તો ગાર્ડનિંગ કરી પર્યાવરણ સુરક્ષામાં પણ પોતાનું યોગદાન આપે છે.
સદાય હસતા રહેતા ભાવનાબેનનું માનવું છે કે જ્યારે હું કોઈને મદદરૂૂપ થાવ છું ત્યારે જીવન જીવવું સાર્થક લાગે છે.દરેકના જીવનમાં નાની મોટી તકલીફો આવે છે સંઘર્ષ આવે છે પરંતુ જો આવા સમયે મદદ મળી જાય તો વ્યક્તિ ટકી જાય છે એટલે જ ભગવાનને પ્રાર્થના કરું છું કે છેલ્લા શ્વાસ સુધી લોકોને મદદ કરતી રહું અને જીવનને સાર્થક કરતી રહું.
