વૈશ્ર્વિક તનાવ વચ્ચે અજીત દોભાલ સાઉદી અરેબિયામાં, બેઠકોનો દૌર

જ્યારે વિશ્વની નજર ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા સમુદ્રી તણાવ પર ટકેલી છે, ત્યારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલની રિયાધની અચાનક મુલાકાતે…

જ્યારે વિશ્વની નજર ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા સમુદ્રી તણાવ પર ટકેલી છે, ત્યારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલની રિયાધની અચાનક મુલાકાતે સૌને ચોંકાવી દીધા છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે પાકિસ્તાને સાઉદી અરેબિયામાં પોતાના ફાઇટર જેટ્સ અને સૈનિકો તૈનાત કર્યા છે. આ સંજોગોમાં ડોભાલનું સાઉદી પહોંચવું એ માત્ર શિષ્ટાચાર મુલાકાત નથી, પરંતુ એક મોટો વ્યૂહાત્મક સંદેશ છે.

19 એપ્રિલના રિયાધ પહોંચેલા અજિત ડોભાલે સાઉદી અરેબિયાના અત્યંત શક્તિશાળી નેતાઓ સાથે મુલાકાત કરી. રિયાધમાં ભારતીય દૂતાવાસે પુષ્ટિ કરી છે કે ડોભાલે સાઉદીના ઉર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સલમાન, વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અને તેમના સમકક્ષ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડો. મુસાદ અલ-ઐબાન સાથે વિસ્તૃત ચર્ચા કરી. આ બેઠકોમાં ઉર્જા સુરક્ષા, દરિયાઈ સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા જેવા મુદ્દાઓ કેન્દ્ર સ્થાને રહ્યા હતા. મુલાકાતનું સૌથી વિવાદાસ્પદ પાસું સાઉદી અરેબિયામાં પાકિસ્તાની વાયુસેનાની હાજરી છે.

પાકિસ્તાને તાજેતરમાં જ સાઉદી સાથેના સંરક્ષણ કરાર હેઠળ ત્યાં પોતાના લડાકુ વિમાનો તૈનાત કર્યા છે. આ કરાર મુજબ, સાઉદી અરેબિયા પર કોઈ પણ હુમલો એ પાકિસ્તાન પરનો હુમલો માનવામાં આવશે. ભારત માટે ચિંતા એ છે કે જો ઈરાન અને સાઉદી વચ્ચે સંઘર્ષ વધે, તો પાકિસ્તાન આ પ્રદેશમાં સક્રિય લશ્કરી ભૂમિકા ભજવી શકે છે, જે ભારતની ઉર્જા સપ્લાય લાઇનને અસર કરી શકે છે. આ મુલાકાત સાબિત કરે છે કે મધ્ય પૂર્વના જટિલ રાજકારણમાં ભારત હવે માત્ર પ્રેક્ષક નથી, પણ એક સક્રિય ખેલાડી છે.

ડોભાલનું રિયાધમાં હોવું એ દુનિયાને સંકેત આપે છે કે ભારત પોતાની ઉર્જા અને સુરક્ષા જરૂૂરિયાતો માટે કોઈ પણ જોખમ ઉઠાવવા તૈયાર છે. આવનારા દિવસોમાં આ મુલાકાતના પરિણામો મધ્ય પૂર્વના દરિયાઈ વિસ્તારો અને રાજદ્વારી સંબંધોમાં સ્પષ્ટપણે જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *