અમેરિકા વેનેઝુએલા પર હુમલો કરીને પ્રમુખ નિકોલસ માદુરોને અમેરિકા ઉઠાવી લાવ્યું તેની બબાલ મટી નથી ત્યાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. બે આખલાની લડાઈમાં ઝાડનો સોથ નીકળે એમ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈની લડાઈમાં ઈરાનની પ્રજાનો ખો નીકળી રહ્યો છે. ઈરાનમાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલી રહ્યા છે અને હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યાં છે. દુનિયામાં સૌથી વધારે શિયા મુસલમાનોની વસતી ધરાવતા ઈરાનમાં અયાતોલ્લા ખામેનેઈ સુપ્રીમ લીડર છે અને મુસ્લિમ કાયદાઓ પ્રમાણે શાસન ચાલે છે તેથી યંગસ્ટર્સને ગૂંગળામણ થાય છે. અમેરિકાએ મૂકેલા નિયંત્રણોના કારણે ઈરાનમાં બધી ચીજો પણ મળતી નથી.
તેના કારણે મોંઘવારી વધી તેથી પણ લોકો ભડક્યાં છે. બલકે અમેરિકાએ ભડકાવ્યાં છે અને ખામેનેઈની સામે પ્રચંડ આંદોલન ઊભું કરી દીધું છે. અમેરિકાએ કટ્ટરવાદી શિયાઓ જેમને ભગાડીને સત્તા પર આવેલા એ ઈરાનના શાહ મોહમ્મદ રેઝા પહેલવીના દીકરા રેઝા પહેલવીને પણ સક્રિય કરી દીધા છે. રેઝા પહેલવી લાંબા સમયથી ઈરાનમાં સત્તા કબજે કરવા મથે છે પણ ખામેનેઈના લોખંડી સકંજામાંથી ઈરાનને છોડાવવામાં સફળ થયા નથી.
હવે તક મળતાં પહેલવી પણ પૂરી તાકાત સાથે કૂદી પડયા છે અને રેઝા પહેલવીના સમર્થકોએ હિંસાને ભડકાવવામાં મોટું યોગદાન આપ્યું છે. અમેરિકાને ઈરાન સાથે વરસોથી વાંધો છે અને આ વાંધાના મૂળમાં અમેરિકાનાં આર્થિક હિતો છે. ઈરાનમાં પહેલાં રાજાશાહી હતી અને શાહનું શાસન હતું. શાહ અમેરિકાના પીહુ હતા તેથી અમેરિકાને તેમના શાસનમાં ઘી-કેળાં થઈ ગયેલાં. શાહના શાસનમાં ઈરાનમાં અમેરિકનો પડ્યા પાથર્યા રહેતા હતા. તેની સામે અસંતોષ ઊભો થયો ને ક્રાંતિ થઈ પછી શિયા કટ્ટરવાદીઓનું શાસન આવ્યું તેમાં અમેરિકાનો ગરાસ લૂંટાઈ ગયો. ઈરાનના સુપ્રીમ લીડર બનેલા ખોમેનીએ અમેરિકાની કંપનીઓને લાત મારીને તગેડી મૂકી પછી અમેરિકાએ ખોમેનીને તગેડવા સદ્દામ હુસૈનને ઊભા કરીને ઈરાન-ઈરાક યુદ્ધ કરાવ્યું પણ ઈરાન ટકી ગયું કેમ કે ઈરાન પાસે ક્રૂડ ઓઈલની જંગી કમાણી છે.
અત્યારે ફાટી નીકળેલી હિંસા તેનું જ નવું પ્રકરણ છે. અમેરિકા ધમકીઓ આપ્યા કરે છે પણ વેનેઝુએલાની જેમ ઈરાન પર આક્રમણ કરી દેતું નથી તેનું કારણ પરમાણુ શસ્ત્રોનો ડર છે. ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમને ગુપ્ત રાખવામાં સફળ રહ્યું છે પણ અમેરિકા હુમલો કરે તો પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી નાખે એવી અમેરિકાને આશંકા છે. ઈરાન સત્તાવાર રીતે પરમાણુ શસ્ત્રો વિકસાવ્યાં હોવાનો ઈનકાર કરે છે પણ અમેરિકાને લાગે છે કે, ઈરાને બહુ પહેલાંથી પરમાણુ શસ્ત્રો વિકસાવી લીધાં છે. ઈરાને 1990ના દાયકામાં પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમના પિતામહ મનાતા ડો. અબ્દુલ કાદિરની મદદથી પરમાણુ શસ્ત્રો વિકસાવી લીધાં હોવાનું કહેવાય છે.
