આજે પોષી પૂનમના પાવન પર્વ નિમિત્તે અંબાજી ખાતે મા જગદંબાના પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં હતી. મા અંબાનાં ચરણોમાં શિશ ઝુકાવવા માટે માનવ મહેરામણ ઊમટી પડ્યું હતું. માં અંબા આજે હાથી પર સવાર થઇને નગર ચર્યાએ નીકળતા દર્શન માટે હજારો લોકો ઉમટયા હતા. મંગળા આરતીમાં માની એક ઝલક નિહાળવા માટે ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. ભક્તોએ મંગળા આરતીમાં ભાગ લેવા માટે લાંબી લાઈનો લગાવી હતી. સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે.
આ દિવસને અક્ષર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે તથા આ દિવસે માતા અંબાજીનો પ્રાગટ્યોત્સવ ઊજવવામાં આવે છે. આ દિવસથી માઘ સ્નાનનો પ્રારંભ થાય છે. આજે પોષી પૂનમના દિવસે ચંદ્ર પોતાનું સંપૂર્ણ અમૃત તત્ત્વ પૃથ્વી ઉપર વરસાવશે. આમ, પોષી પૂનમનું મહત્ત્વ અનેક પ્રકારે રહેલું છે. આજે શાકંભરી નવરાત્રી પૂરી થતી હોવાથી માતાજીને લીલાં શાકભાજી અર્પણ કરવાં તથા કુળદેવીની પૂજામાં અંબાજીની પૂજા કરવી, જપ કરવા ઉત્તમ ગણાય છે.
પોષી પૂનમ શાકંભરી પૂનમ અને સુખડી પૂનમ તરીકે પણ ઓળખાય છે. આજે વહેલી સવારે ગબ્બર ઉપર ધજા ચઢાવવામાં આવી હતી. ત્યાર બાદ ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોત લાવીને મંદિર સુધી ભાવભેર હજારો માઇભક્તોના જય અંબેના નાદ સાથે જ્યોતયાત્રા નીકળી હતી. જેમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટયું હતું. માર્ગો ઉપર પુષ્પવર્ષાથી વાતાવરણ અલૌકિક થઇ ગયું હતું.
આજે નગરચર્યા અને શોભાયાત્રા નીકળી હતી. સમગ્ર ઉત્સવનું મુખ્ય આકર્ષણ માતાજીની વિશાળ શોભાયાત્રા છે, જેમાં મા અંબાને હાથી ઉપર બિરાજમાન કરવામાં આવ્યાં હતા. આ શોભાયાત્રા અંબાજી નગરના સુશોભિત માર્ગો પર ફરી હતી. જેમાં ગામની બાળાઓ માથા પર કળશ અને શ્રીફળ લઈને જોડાઈ છે. શોભાયાત્રાના અંતે મંદિરના શિખર પર ધજા ચઢાવીને વિધિવત્ રીતે સમાપન કરવામાં આવ્યું હતું.
મા અંબાને જય ભોલે ગ્રુપે 43.51 લાખનો સોનાનો મુગટ અર્પણ કર્યો
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મા આરાસુરી અંબાના પ્રાગટ્ય મહોત્સવ પહેલાં ભક્તોની આસ્થા અને ભક્તિનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. અમદાવાદના જય ભોલે ગ્રુપના સભ્યોએ માતાજીને રૂૂ. 43.51 લાખની કિંમતનો રત્નજડિત સોનાનો મુગટ અર્પણ કર્યો છે. આ મુગટ 620 ગ્રામ શુદ્ધ સોનામાંથી તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં મીનાકારી કારીગરી તેમજ વિવિધ રત્નો જડવામાં આવ્યા છે.આ અર્પણ વિધિ પોષ પૂનમ પૂર્વે યોજાઈ હતી. સોનાના મુગટની ખાસિયત એ છે કે તેમાં સૂર્યના કિરણો, મોરપીંછ અને સહસ્ત્ર કમળ જેવી શાસ્ત્રોક્ત આકૃતિઓ કંડારવામાં આવી છે. આ ડિઝાઇન શંકરાચાર્ય વિદુષેખર ભારતીજીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી હતી. કારીગરોએ આ ભવ્ય મુગટ બનાવવા માટે લગભગ 3 મહિનાનો સમય લગાવ્યો હતો.અર્પણ વિધિ દરમિયાન જય ભોલે ગ્રુપના તમામ સભ્યો ઉત્સાહભેર હાજર રહ્યા હતા.
