મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તિકરણની પ્રતિબદ્ધતા સાથે ઉજવાઇ રહેલા શહેરી વિકાસ વર્ષ-2025 અન્વયે રાજ્યની 7 મહાનગરપાલિકાઓ અને 12 નગરપાલિકાઓને બહુવિધ વિકાસ કામો માટે 4179 કરોડ રૂૂપિયા મંજૂર કર્યા છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા પણ વિવિધ કામો માટે કુલ રૂા.505.72 કરોડ તેમજ શહેર બહારના આઉટ ગ્રોથ એરીયા ડેવલપમેન્ટ માટે રૂા. 80 કરોડ ફાળવાયા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વર્ષ 2005માં શહેરી વિકાસ વર્ષ દ્વારા આયોજનબદ્ધ શહેરી વિકાસનો જે પાયો નાખ્યો હતો તેની બે દાયકાની સિદ્ધિ અને સફળતાને પગલે રાજ્ય સરકાર દ્વારા 2025નું આ વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે આ શહેરી વિકાસ વર્ષમાં પરિવર્તનશીલ શહેરી વિકાસ માટેની નેમ સાથે શહેરોમાં વધુને વધુ જનસુખાકારીના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ 4179 કરોડ રૂૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તદઅનુસાર, આ રકમ મહાનગરો-નગરો માટે ફાળવવામાં આવી છે તેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને નવરચિત 3 મહાનગર પાલિકાઓ નડિયાદ, પોરબંદર અને મોરબી તથા નગરપાલિકાઓમાં વિસનગર, બોરસદ, વિરમગામ, પાટણ, આમોદ, ઉના, હળવદ, ખંભાળિયા, સાવરકુંડલા, ધાનેરા તેમજ વેરાવળ અને પાટણ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટના કામો માટે રૂૂ. 3768 કરોડ ફાળવ્યા છે. તેમાં વડોદરા મહાનગરપાલિકાને અર્બન મોબિલિટી અને ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓના 349 કામો માટે રૂૂ. 455 કરોડ, રાજકોટને 302 કામો માટે રૂૂ. 367 કરોડ અને અમદાવાદને 252 કામો માટે રૂૂ. 2940 કરોડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવરચિત પોરબંદર મહાનગર પાલિકામાં 11 કામો માટે 6.20 કરોડ રૂૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
શહેરી વિકાસ વર્ષમાં મહાનગરો અને નગરો-શહેરોમાં આઇકોનિક રોડ અન્વયે શહેરી સડક તેમજ ગૌરવ નિર્માણ માટે સમગ્રતયા 219 કરોડ રૂપિયાના કામો મંજૂર થયા છે. તેમાં મોરબી મહાનગરપાલિકાને રૂ.15 કરોડ, નડિયાદ મહાનગરપાલિકાને રૂ.13 કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂ.136 કરોડ અને નગરપાલિકાઓમાં ઉનાને રૂ.17.76 કરોડ, હળવદને રૂ.19.28 કરોડ તથા ખંભાળિયાને પાંચ કરોડ રૂૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત પાણી પુરવઠા લાઈનોના કામો અને વરસાદી પાણીના નિકાલ માટેના સ્ટોર્મ વોટર ડ્રેનેજ કામો માટે કુલ 93 કરોડ રૂૂપિયા મંજૂર કર્યા છે.
આ રકમમાંથી મોરબી મહાનગરપાલિકાને રૂ.61.64 કરોડ, સાવરકુંડલા નગરપાલિકાને રૂૂ. 19.28 કરોડ અને ધાનેરાને રૂૂ. 11.31 કરોડ ફાળવાયા છે. નગરોમાં આગવી ઓળખના કામો માટે વેરાવળ-પાટણ નગરપાલિકા અને આમોદ નગરપાલિકાને કુલ રૂૂ. 14 કરોડ તથા ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે વિસનગર, બોરસદ અને વિરમગામને રૂ. 2.72 કરોડના કામોની મુખ્યમંત્રીએ અનુમતી આપી છે. એટલું જ નહીં, આઉટગ્રોથ એરીયા ડેવલપમેન્ટ માટે રૂ. 80 કરોડ રાજકોટને અને 2.72 કરોડ રૂૂપિયા પાટણને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવાયા છે.
