ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલા, જીગ્નેશભાઈ વાગડિયા, જેન્તીભાઈ હિરપરા, પ્રતાપભાઈ વાળા, એસ.પી રાજાણી ની સંયુક્ત યાદી જણાવે છે કે ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે રાજકોટમાં 40 ડિગ્રી તાપ બપોરના સમયે શરૂૂ થઈ ગયો છે અને ગત વર્ષે સમગ્ર ભારતમાં રાજકોટ હોટ હતું ત્યારે રાજકોટ એસ.ટી બસપોર્ટ પર દશેરાના દિવસે ઘોડું દોડતું બંધ થયું છે. હજારો મુસાફરોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે.
તારીખ 27/2 પ્લેટફોર્મ નંબર 6 ની સામે નું પાણીનું પરબ માં ચાર નળ પૈકી એક પણ નળમાં પાણીનું ટીપું આવતું ન હતું. તત્કાલીન સમયે વિભાગીય નિયામકને ગજેન્દ્રસિંહ ઝાલા એ ટેલિફોનિક ફરિયાદ કરી ત્યારબાદ પાણી શરૂૂ કરાયું. 5/3 સવારે 7-30 કલાકે પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા જ્યારે એસ.ટી બસપોર્ટ પરથી લોધિકા તાલુકાના ચાંદલી ગામે બસમાં જવાના હોય ત્યારે ફરિયાદ મળી કે એસ.ટી બસપોર્ટ ના પાણીના તમામ પરબોમાં પાણી આવતું નથી જેમાં પ્લેટફોર્મ નંબર 6, 15, 21 અને એડવાન્સ બુકિંગની બારી પાસે રહેલા પાણીના પરબોમાં ખરાઈ કરવામાં આવતા બસપોર્ટમાં આવેલા તમામ પાણીના પરોબોમાં એક ટીપું પાણી આવતું ન હતું.
જે પગલે મુસાફરોને આમ થી તેમ પાણી માટે ભટકવું પડતું હતું અને ભોઠા પડવું પડતું જે પગલે પુન: રાજકોટના વિભાગીય નિયામકને ટેલીફોનિક જાણ કરવામાં આવી રાજકોટ બસપોર્ટ પીપીપી ધોરણે ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર અને કોન્ટ્રાક્ટર વચ્ચે એગ્રીમેન્ટમાં થયેલ જોગવાઈ અનુસાર તમામ વોટર કુલરો તેમજ આર ઓ પ્લાન્ટ/પ્યોરીફીકેશન પ્લાન્ટ વિગેરે સતત ચાલુ રહે અને મુસાફરોને ઠંડા પાણીની સુવિધા આપવી એ કોન્ટ્રાક્ટરની પ્રાથમિક ફરજ બને છે.
ઉનાળાના પ્રારંભે થયેલા પાણીના ધાંધિયા અંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને, રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીને, રાજ્યના એસ.ટી.ના એમડીને અને વિભાગીય નિયામક રાજકોટના સિનિયર ડેપો મેનેજરની બેદરકારી અને લાપરવાહીના પગલે સર્જાતા પાણીના ધાંધિયા અંગે સમિતિની લેખિત રજૂઆતો અને એસ.ટી બસપોર્ટના સીસી ફૂટેજ મેળવી જવાબદારો સામે કડક પગલાં ભરવા ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ ઉપરોક્ત આગેવાનોએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
