દિલ્હીથી રાજકોટ આવતી એર ઈન્ડિયાની સવારની ફ્લાઈટને લેન્ડિંગ ક્લિયરન્સ ન મળતાં તેને તાત્કાલિક અસરથી વડોદરા એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી અને વડોદરા એરપોર્ટ ખાતે એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડીંગ થયું હતું. રાજકોટ હીરાસર અંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઈટના આગમન પૂર્વે સુરક્ષા માટે અને પક્ષીઓની અવરજવરને નિયંત્રિત કરવા ફોડવામાં આવતા ફટાકડાને કારણે રન વે નજીકના સુકા ઘાસમાં આગ લાગી હતી જેના કારણે ફ્લાઈટને વિઝીબીલીટી નહી મળતા દિલ્હી રાજકોટ ફ્લાઈટને વડોદરા ડાયવર્ટ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીથી સવારે 10 વાગ્યે રાજકોટ આવનારી એર ઈન્ડિયાની ફ્લાઈટ નિર્ધારિત સમય મુજબ રાજકોટ એરપોર્ટના આકાશમાં આવી પહોંચી હતી. સામાન્ય રીતે વિમાનના લેન્ડિંગ વખતે રનવે પર પક્ષીઓ નડતરરૂૂપ ન બને તે માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવતા હોય છે. આ જ ક્રમમાં, રનવે પર બેઠેલા પક્ષીઓને તાત્કાલિક અસરથી ભગાડવા માટે એરપોર્ટ સ્ટાફ દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
જોકે, આ ફટાકડા ફોડવાની પ્રક્રિયા દરમિયાન એક ગંભીર દુર્ઘટના ઘટી હતી. ફટાકડાનો તણખો એરપોર્ટના રનવેની આસપાસના વિસ્તારમાં ઉગેલા સૂકા ઘાસ પર પડતા જ ત્યાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘાસમાં લાગેલી આ આગના કારણે રનવે પર અને તેની આસપાસ ધૂમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા, જેના કારણે વિઝીબીલીટી ઓછી થતા પાયલોટ માટે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરવું જોખમી બની ગયું હતું.
ઘાસમાં આગ લાગવાની આ અણધારી ઘટનાને કારણે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાત્કાલિક ધોરણે રનવે ક્લિયરન્સ અટકાવી દેવામાં આવ્યું હતું. સુરક્ષાના કારણોસર, દિલ્હીથી આવેલી ફ્લાઈટને તરત જ લેન્ડિંગની મંજૂરી આપવામાં આવી ન હતી. વિમાનના પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલ ની સૂચના મુજબ રાજકોટ એરપોર્ટની આકાશમાં જ આશરે 4 રાઉન્ડ ચક્કર લગાવ્યા હતા. પાયલોટે પરિસ્થિતિ થાળે પડે અને રનવે ફરીથી સુરક્ષિત થાય તેની લાંબી રાહ જોઈ હતી. બીજી બાજુ, એરપોર્ટ પર તૈનાત ફાયર ફાઈટર અને સંબંધિત ટીમો દ્વારા તાત્કાલિક ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. જોકે, આગ સંપૂર્ણપણે ઓલવાઈ જાય અને રનવે સંપૂર્ણ રીતે ક્લિયર થઈ જાય ત્યાં સુધીમાં પૂરતો સમય વીતી ગયો હતો.
વિમાનને ચાર ચક્કર લગાવ્યા બાદ પણ વિઝીબીલીટી નહી મળતા સુરક્ષાને ધ્યાનમાં રાખીને, લાંબો સમય હવામાં પ્રતીક્ષા કર્યા બાદ આખરે દિલ્હી-રાજકોટની એર ઈન્ડિયાની આ ફ્લાઈટને રાજકોટમાં ઉતારવાનું ટાળવામાં આવ્યું હતું. ફ્લાઈટને તાત્કાલિક અસરથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વડોદરા એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ફ્લાઈટ હેમખેમ વડોદરા એરપોર્ટ પર ઉતરી હતી, જેના કારણે મુસાફરોએ રાહતના શ્વાસ લીધા હતા, પરંતુ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ ઘટના બાદ એરપોર્ટ પ્રશાસનની સુરક્ષા અને પક્ષી ભગાડવાની પદ્ધતિઓ સામે સવાલો ઉભા થયા છે કે આવા સંવેદનશીલ વિસ્તારોમાં સાવચેતીના પૂરતા પગલાં કેમ લેવામાં ન આવ્યા. મુસાફરોની સુરક્ષાને સર્વોપરી ગણીને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી લોકમાગ ઉઠી રહી છે.
