જામનગરમાં 24 દેશોની સહભાગીતા સાથે વાયુસેનાની કવાયત

કુદરતી આફતો અને માનવતાવાદી કટોકટીના સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે સંકલિત રાહત અને બચાવ કામગીરી હાથ ધરવાની ક્ષમતા વિકસાવવાના હેતુથી જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેનાની ત્રિદિવસીય…

કુદરતી આફતો અને માનવતાવાદી કટોકટીના સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે સંકલિત રાહત અને બચાવ કામગીરી હાથ ધરવાની ક્ષમતા વિકસાવવાના હેતુથી જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેનાની ત્રિદિવસીય બહુરાષ્ટ્રીય વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયત ‘સહાયતા સેતુ’નો ગઇકાલથી ભવ્ય પ્રારંભ થયો છે. તા. 17થી 19 નવેમ્બર દરમિયાન યોજાનારી આ કવાયતમાં ભારત સહિત 24 મિત્ર દેશોના પ્રતિનિધિઓ સહભાગી બન્યા છે. આ કવાયતના માધ્યમથી કુદરતી આફતોના સમયે વિવિધ દેશો અને સંરક્ષણ તથા આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલી એજન્સીઓ વચ્ચે સંકલન મજબૂત બનાવવાની દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

મુખ્યાલય સંકલિત સંરક્ષણ સ્ટાફ (એચક્યુ આઈડીએસ) અને દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (એચક્યુ એસડબલ્યુએસી)ના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલી આ કવાયતના પ્રથમ દિવસે વિવિધ આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સંકળાયેલા મિત્ર દેશોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વિશેષ વિચારમંથન સેમિનાર યોજાયો હતો. જેમાં આફત વ્યવસ્થાપન, માનવતાવાદી સહાય અને આંતરરાષ્ટ્રીય રાહત કામગીરીના અનુભવો તથા શ્રેષ્ઠ પદ્ધતિઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતી આ કવાયતમાં આઈઓઆરએ, બિમ્સ્ટેક અને ક્વાડ સંગઠનો સાથે સંકળાયેલા દેશોના પ્રતિનિધિઓ જોડાયા છે. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, જાપાન, સંયુક્ત આરબ અમીરાત, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર, ઇન્ડોનેશિયા, સિંગાપોર, થાઇલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓમાન, માલદીવ, મોરેશિયસ અને કેન્યા સહિતના 24 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.સેમિનારમાં વિદેશ મંત્રાલય, ભારતીય સેના, નૌકાદળ, વાયુસેના, રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ (એનડીઆરએફ) અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડી આર ડીઓ)ના નિષ્ણાત વક્તાઓએ ‘ભારતના વધતા જતા વૈશ્વિક માનવતાવાદી સહાય અને આપદા રાહત પદચિહ્ન’ વિષય પર વિવિધ પાસાં રજૂ કર્યા હતા.

આ દરમિયાન ઓપરેશન એમિસ્ટેડ, ઓપરેશન બ્રહ્મા અને ઓપરેશન સાગર બંધુના કિસ્સા અભ્યાસ રજૂ કરીને આંતરરાષ્ટ્રીય આપત્તિ રાહત કામગીરીમાં ભારતે ભજવેલી ભૂમિકા અને અનુભવની ચર્ચા કરવામાં આવી હતી. આપત્તિ વ્યવસ્થાપનમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે પણ નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે બપોરના સત્રમાં ક્વાડના કાર્યકારી સ્તરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કવાયતના આગામી તબક્કામાં ગંભીર ચક્રવાતી વાવાઝોડાની કાલ્પનિક પરિસ્થિતિ ઊભી કરીને પ્રાયોગિક બચાવ અને રાહત કામગીરીનું નિદર્શન કરવામાં આવશે. જેમાં હવાઈ જાસૂસી, શોધ અને બચાવ કામગીરી, અસરગ્રસ્ત વિસ્તારોમાંથી નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર, કટોકટી કામગીરી કેન્દ્રોને સક્રિય કરવા, રાહત સામગ્રીનું વિતરણ તેમજ રાહત શિબિરોની સ્થાપના સહિતની કામગીરી હાથ ધરાશે.

કુદરતી આફતો અને માનવતાવાદી કટોકટી સમયે સંકલન જરૂરી: ચીફ એરમાર્શલ
દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ પી.વી. શિવાનંદે ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય સંબોધન કર્યું હતું. તેમણે કુદરતી આફતો અને માનવતાવાદી કટોકટીના સમયે ઝડપી અને અસરકારક કામગીરી માટે સંકલિત આયોજન, સંયુક્ત ક્ષમતા વિકાસ તથા વિવિધ એજન્સીઓ વચ્ચે સુચારુ સંકલનને અનિવાર્ય ગણાવ્યું હતું. આવી કવાયતથી આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગ અને સંયુક્ત કામગીરીની ક્ષમતાને વધુ મજબૂત બનાવી શકાય છે તેવો આશય પણ વ્યક્ત થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *