ટેક્સિગં દરમિયાન ખોટો વળાંક લીધો પરંતુ ATCની સમય સુચકતાથી એર ઇન્ડિયા અને ઇન્ડિગોના વિમાનની દુર્ઘટના ટળી
અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતાની સાથે જ તુટી પડેલી એર ઈન્ડિયાની ડ્રીમ લાઈનર ફ્લાઈટ દુર્ઘટનાને એક વર્ષ પૂરું થયું છે ત્યારે જ ફરી એક વખત અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયા અને ઈન્ડિગોની ફ્લાઈટ સામસામે આવી જતા મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જોકે ત્યારે ટ્રાફિક કંટ્રોલના ત્વરિત નિર્ણયને લઈને બંને ફ્લાઈટ સામસામે થોભાવી દેવામાં આવી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.
એરપોર્ટ ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ મુંબઈથી અમદાવાદ આવેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-2493 સાંજે લગભગ 8 વાગ્યે લેન્ડ થઈ હતી. એર ટ્રાફિક ક્ધટ્રોલ દ્વારા વિમાનને ટેક્સીવે ઈ અને જી મારફતે સ્ટેન્ડ નંબર 34L સુધી જવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ પાઈલોટની ભૂલને કારણે ટેક્સિંગ દરમિયાન વિમાનને ફાળવવામાં આવેલો ટેક્સી વે છોડીને ખોટો વળાંક લીધો હતો, જેના કારણે મુંબઈ જવા તૈયાર ઈન્ડિગોની ફ્લાઇટ 6E-5160 સામે આવી ગઈ હતી.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એર ટ્રાફિક કંટ્રોલની ટીમે ઈન્ડિગોના વિમાનને રોકી દીધું હતું અને બંને વિમાનો સુરક્ષિત અંતરે ઉભા રહ્યા હતા. જેને કારણે અમદાવાદ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
એર ઇન્ડિયા દ્વારા પોતાના નિવેદનમાં ફ્લાઈટ દ્વારા ખોટો વળાંક લઈ લેતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
