શહેરમાં મવડી વિસ્તારમાં આવેલા જશરાજનગરમાં રહેતા યુવકને રિક્ષામાં બેઠેલા મુસાફર પાસેથી પોલીસે બે માસ પૂર્વે ચાર પેટી દારૂ ઝડપી લીધો હતો. જે અંગે મુસાફર વિરૂધ્ધ ગુનો પણ નોંધાયો હતો. તેમ છતાં પીસીબીના બે કર્મચારી રિક્ષા ચાલક યુવક પાસેથી રૂા.2 લાખની માંગણી કરી અવાર નવાર માર મારતા હોવાના આક્ષેપ સાથે યુવાને એસીડ પી લીધુ હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મવડી વિસ્તારમાં આવેલા જશરાજનગરમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ભાર્ગવ હિતેષભાઇ વાળા નામનો 21 વર્ષનો યુવાન સાંજના પોચક વાગ્યાના અરસામા કાલાવડ રોડ પર કટારીયા ચોકડી નજીક કોસ્મોપ્લેકસ સિનેમા પાછળ હતો ત્યારે એસીડ પી લીધુ હતુ. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં યુવાને આક્ષેપ કર્યો છે કે, બે માસ પૂર્વે તેની રિક્ષામાં બેઠેલા મુસાફરને પોલીસે ચાર પેટી દારૂ સાથે ઝડપી લીધો હતો અને જે અંગે પોલીસે મુસાફર વિરૂધ્ધ ગુનો પણ દાખલ કર્યો હતો. તેમ છતાં પીસીબીના પોલીસ કર્મચારી અનિલ સોનારા અને મહીપાલસિંહ અવાર નવાર રૂા.2 લાખની માંગણી કરી માર મારતા હોવાથી કંટાળી જઇ એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો ભાર્ગવ વાળાએ આક્ષેપ કર્યો છે. આ અંગે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
