કુનો નેશનલ પાર્કમાંથી 3 ચિત્તાઓને ગુજરાતના કચ્છના બન્ની ઘાસિયારામાં સ્થાનાંતરિત કરાશે
આગામી એક વર્ષમાં બન્નીમાં 12 ચિત્તા લાવવાનું આયોજન
નેશનલ ટાઈગર ક્ધઝર્વેશન અથોરિટી (NTCA)ના નિર્ણય અનુસાર મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી ત્રણ ચિત્તાઓને ગુજરાતના કચ્છના બન્ની ઘાસિયારામાં સ્થાનાંતરિત કરવામાં આવશે. આ ત્રણ ચિત્તાઓ (બે માદા અને એક નર) બોત્સવાનાથી લાવવામાં આવ્યા છે અને હાલમાં કુનોમાં ક્વોરેન્ટાઈનમાં છે.
પ્રિન્સિપલ ચીફ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ જયપાલ સિંહએ આ વિકાસની પુષ્ટિ કરતાં જણાવ્યું કે આ ત્રણેય ચિત્તાઓ મોન્સૂન પહેલાં અથવા તરત જ પછી બન્ની પહોંચી જશે. બન્નીમાં કેન્યાથી આવનારા વધુ ચાર ચિત્તાઓની પણ તૈયારી ચાલી રહી છે, જે આ વર્ષે પાછળથી આવશે. આમ, બન્નીમાં બોત્સવાના અને કેન્યાના ચિત્તાઓનું મિશ્રણ થશે.
કુનો પછી ગુજરાત ભારતમાં ચિત્તાઓનું બીજું ઘર બનશે. આગામી એક વર્ષમાં બન્નીમાં કુલ 12 ચિત્તાઓ લાવવાનું આયોજન છે. બન્નીમાં દેશનું પ્રથમ ચિત્તા ક્ધઝર્વેશન બ્રીડિંગ સેન્ટર વિકસાવવામાં આવ્યું છે. 500 હેક્ટરના મુખ્ય ઘેરામાં કેન્યાના સવાન્ના જેવું ખુલ્લું વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે, જે ચિત્તાઓના અનુકૂલન અને પ્રજનન માટે આદર્શ છે.
ચિત્તાઓની સુરક્ષા માટે આશરે 9,830 મીટર લાંબી મજબૂત ચેઈન-લિંક વાડ બનાવવામાં આવી છે. આ વાડ ચિત્તાઓને બહાર નીકળવા અને અન્ય મોટા શિકારી પ્રાણીઓને અંદર આવવાથી રોકશે. બ્રીડિંગ સફળ થયા પછી ચિત્તાઓને કચ્છના ફ્રી-રેન્જ વિસ્તારોમાં મુક્ત કરવાની શક્યતા છે, પરંતુ અંતિમ નિર્ણય NTCAલેશે.
