મંત્રી મંડળ બાદ ભાજપ સંગઠનમાંથી પણ રાજકોટ વેતરાયું

સૌરાષ્ટ્રને સાચવી લઇ રાજકોટનો કાંકરો કાઢી નખાયો, આઝાદી બાદ પ્રથમ વખત શુન્યાવકાશ જેવી સ્થિતિ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ પદે જગદીશ વિશ્ર્વકર્માની નિમણુંક બાદ ગત…

સૌરાષ્ટ્રને સાચવી લઇ રાજકોટનો કાંકરો કાઢી નખાયો, આઝાદી બાદ પ્રથમ વખત શુન્યાવકાશ જેવી સ્થિતિ

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ પદે જગદીશ વિશ્ર્વકર્માની નિમણુંક બાદ ગત શનિવારે તેમણે 10 ઉપપ્રમુખ, 10 મંત્રી, ચાર મહામંત્રી, કોષાધ્યક્ષ, સહકોષાધ્યક્ષ, કાર્યાલયમંત્રી અને સાત વિવિધ મોરચાના પ્રમુખો તેમજ પ્રવકતા તથા નિમણુંકો જાહેર કરી છે. પરંતુ પ્રધાનમંડળ બાદ ભાજપ સંગઠનમાંથી પણ સૌરાષ્ટ્રના રાજકીય હેડકવાર્ટર રાજકોટ શહેરને વેંતરી નાખવામાં આવ્યું છે.

વિજયભાઇ રૂપાણીની સરકારની વિદાય બાદ રાજકોટ ઉપર ભાજપની નેતાગીની દાઝ ઉતારતી હોય તેમ પ્રધાનમંડળમાં ફેરફાર વખતે ભાનુબેન બાબરીયાને પડતા મુકી સરકારમાં રાજકોટનું પ્રતિનિધિતવ ખતમ કરી નાખ્યું હતું. ત્યારબાદ સંગઠનમાં રાજકોટને સારૂ પ્રતિનિધિત્વ મળશે તેવી આશા પણ ઠગારી નિવડી છે અને 36 સભ્યોના પ્રદેશ ભાજપના માળખામાં પણ રાજકોટને કાપી અપમાનિત સ્થિતિમાં મુકી દીધું છે.

રાજકોટે વડાપ્રધાન મોદીને પેટાચુંટણીમાં જીતાડી ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા હતા. તેજ રાજકોટ હાલ સરકાર અને સંગઠનમાં પ્રતિનિધિ વિહોણું થઇ ગયું છે. ગુજરાતની સ્થાપના બાદ પ્રથમ વખત આવો શુન્યાવકાશ સર્જાયો છે. ભાજપના ટોચના નેતાઓની આ ઇરાદાપુર્વકની રણનીતિ હોવાનું માનવામાં આવે છે. રાજકોટના નેતાઓમાં અંદરખાને ભારે નારાજગી જોવા મળી રહી છે. આમ છતાં એક પણ નેતા છાતી કાઢીને ગાંધીનગર કે દિલ્હીમાં અવાજ ઉઠાવી શકે તેવા દુધે ધોયેલા નથી? તેવો પ્રશ્ન કાર્યકરોમાં તથા શહેરીજનોમાં ઉઠી રહ્યો છે. રાજખોટનો કાંકરો કાઢી નાખવાની ભાજપ હાઇકમાન્ડની ચેષ્ટાથી શહેરીજનોમાં પણ નારાજગી પ્રવર્તી રહી છે ત્યારે નિરાશ કાર્યકરો અને નારાજ નાગરીકો કોર્પોરેશનની ચુંટણીમાં ‘સાવરણો’ ફેરવે તો નવાઇ નહીં.

ગુજરાતના રાજકારણમાં વિજયભાઇની સરકાર 2021 સુધી રાજકોટનો દબદબો હતો. પરંતુ પાટીલ યુગ શરૂ થતા રાજકોટનું કદ ઘટયું હતુું જયારે જગદીશ વિશ્ર્વકર્માના કાળમાં રાજકોટનુન જાણે નામું નખાઇ ગયુ હોય તેવી સ્થિતિ છે.

ગુજરાતના રાજકારણમાં સ્વ.કેશુભાઇ પટેલ, સ્વ.ચીમન શુકલ, વજુભાઇ વાળા, સ્વ.વિજયભાઇ રૂપાણી, ગોવિંદભાઇ પટેલ સહીતના નેતાઓનો દબદબો હતો. સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા તયારે રાજકોટમાં ડો.ભરત બોઘરાને ઉપપ્રમુખ અને ઉદય કાનગડને ઓબીસી મોરચાના પ્રદેશ પ્રમુખ તેમજ સંગઠનની ચુંટણીના પણ પ્રદેશ ચુંટણી કમિશનર બનાવાયા હતા. પરંતુ જગદીશ વિશ્ર્વકર્માનો યુગ શરૂ થતા જ સંગઠનમાંથી રાજકોટનું પ્રતિનિધિત્વ નામશેષ થઇ ગયું છે.

ભાજપ સંગઠનમાં રાજકોટના જે નેતાઓ દાવેદાર હતાં તે પણ કપાયા છે અને વફાદારોને પણ કાપી નાખવામાં આવ્યા છે. હવે દાવેદારો તથા વફાદારો કોઈને મોઢુ બતાવવા જેવા રહ્યા નથી તો વર્ષોથી રાજકોટ મુકી અમદાવાદ ઠરીઠામ થઈ ગયેલા પ્રશાંત વાળાને મીડિયા ઈન્ચાર્જ બનાવી તેને રાજકોટના ખાતામાં બતાવી ઘા ઉપર મીઠું નહીં પણ મરચુ ભભરાવવા જેવું કૃત્ય ભાજપના મોવડી મંડળે કર્યુ છે.

પાટીલના સમયમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા ફરી લાઈમ લાઈટમાં
ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નવી ટીમ જાહેર થઈ. આ ટીમમાં પ્રદેશ પ્રમુખની મહેનત જોઈ શકાય છે. કોને લેવા કરતા કોને ન લેવા તેની ઉપર વધારે ભાર મૂકાયો. પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલના સમયમાં કમલમ કાર્યાલયથી દૂર થયેલાને પુન: પ્રવેશ અપાયો. રાજકારણમાં કશું કાયમી નથી, તેનો પણ સંદેશ અપાયો. દબદબો ભોગવતા નેતાઓ સાઈડલાઈન થયા, તો સાઈડલાઈન થયેલા નેતાઓ દબદબામાં આવ્યા. સમગ્ર ટીમમાં યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ અને કાર્યાલય મંત્રી શ્રીનાથ નવી ટીમમાં સામેલ થયા. પ્રશાંત કોરાટને પ્રમોશન સાથે પ્રદેશ મહામંત્રી બનાવ્યા. નવી ટીમમાં જ્ઞાતિના સમીકરણો અને જિલ્લાના સમીકરણોનો સારો સમન્વય કરવામાં આવ્યો. જોકે 2027 ની વિધાનસભાની ચૂંટણીમાં અનેક ધારાસભ્યોને ટિકિટ લેવી મુશ્કેલ બનશે તેવી ચર્ચા નવી ટીમ પછી શરૂૂ થઈ. દક્ષિણ ગુજરાતમાંથી પૂર્વ મંત્રી ગણપત વસાવા અને ઝંખના પટેલનો સમાવેશ પોસ્ટ સંકેતોએ આપી દીધા છે.

વજુભાઈ વાળાને કહો હવે ચડાવે બાણ, એ જ સમયની માંગ
ગુજરાત સરકાર અને ભાજપ સંગઠનમાંથી રાજકોટનો કાંકરો નીકળી ગયો છે અને અચાનક કદાવર બની ગયેલા નેતાઓ રાતોરાત ‘વામન’ થઈ ગયા છે. છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક નેતાઓએ પોતાના માટે, કોઈએ ભાણેજો માટે તો કોઈએ ભાઈ-ભત્રીજાઓ માટે લુંટ ચલાવીને રાજકોટનું નામ ડૂબાડયું છે ત્યારે હવે રાજકોટ શહેરમાં એક પણ એવો નેતા રહ્યો નથી કે જે ગાંધીનગર કે દિલ્હીમાં માથુ ઉંચુ કરીને અવાજ ઉઠાવી શકે. આવી સ્થિતિમાં રાજકોટવાસીઓની નજર ફરી એક વખત જુના જોગી વજુભાઈ વાળા તરફ મંડાઈ છે. રાજકારણના અઠંગ ખેલાડી વજુભાઈ વાળા હવે પોતાના માટે રાજકારણ કરતા નથી અને તેમણે સ્વેચ્છાએ જ પ્રયાસો પણ બંધ કરી દીધા છે ત્યારે હાલમાં સર્જાયેલ રાજકોટની અપમાનજનક-દારૂણ સ્થિતિમાં વજુભાઈ વાળા ખોખારો ખાઈને ગાંધીનગર કે દિલ્હીમાં અવાજ ઉઠાવી શકે તેમ ચે. તેમની સાથે ગોવિંદભાઈ પટેલ તેમજ હાલના ધારાસભ્યો અને અન્ય નેતાઓ જોડાઈને અવાજ ઉઠાવે તે સમયની માંગ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *