ગોંડલ પંથકમાં સિંહ બાદ હવે દીપડો પહોંચ્યો: કેશવાળા ગામની સીમમાં વાછરડીનું મારણ

ગોંડલ પંથકમાં છેલ્લા થોડા દિવસોથી વન્ય પ્રાણીઓના આંટાફેરા વધતા ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પૂર્વે સિંહ દેખાયા બાદ, હવે કેશવાળા…

ગોંડલ પંથકમાં છેલ્લા થોડા દિવસોથી વન્ય પ્રાણીઓના આંટાફેરા વધતા ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પૂર્વે સિંહ દેખાયા બાદ, હવે કેશવાળા ગામની સીમમાં દીપડાએ દેખા દેતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દીપડાએ એક રખડતી વાછરડીનું મારણ કરતા વન વિભાગ દોડતું થયું છે.
કેશવાળા ગ્રામ પંચાયતના હરેશભાઈ પુનભાઈ પરમારના જણાવ્યુ હતું કે કેશવાળા ગામની સીમમાં આવેલ ’ખારો’ વિસ્તાર, લાલજીભાઈ લક્ષ્મણભાઈ પરમારની વાડી પાસેનો ગાડા માર્ગ પર ગઈકાલે મોડી રાત્રે દીપડાએ શિકારની શોધમાં ગામની સીમમાં આવી ચડી એક રખડતી ભટકતી વાછરડીનું મારણ કર્યું હતું.ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી.

તપાસ દરમિયાન દીપડાના ફૂટ પ્રિન્ટ (પંજાના નિશાન) મળી આવતા દીપડો હોવાની પુષ્ટિ થઈ હતી. ગોંડલ RFO દીપકસિંહ જાડેજાની સૂચનાથી રાઉન્ડ ફોરેસ્ટર પ્રતિપાલસિંહ ચુડાસમા, રેસ્ક્યુ ટ્રેકર માધવભાઇ વ્યાસ અને ફિરોજભાઈ સમા સહિતના સ્ટાફે દીપડાને પાંજરે પૂરવા માટે આજે સાંજે જ ગોઠવણ કરી દીધી છે.વિસ્તારમાં રહેતા ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. વન્ય પ્રાણીની સુરક્ષા અને કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી ખેડૂતોને પોતાની વાડીમાં મુકેલા ઝટકા મશીન (શોર્ટ) હાલ તુરંત બંધ રાખવા કડક સૂચના આપવામાં આવી છે.સિંહ બાદ હવે દીપડાની હાજરીથી ખેડૂતોમાં રાત્રિ દરમિયાન ખેતરે જવા બાબતે ચિંતા જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *