ગત વર્ષની સરખામણીમાં 38થી 40%નો ભાવવધારો, ઇમિટેશન, ઇલેક્ટ્રિક મોટર, ઇલેકટ્રોનિક વસ્તુઓ પર અસર
ચિલી-ઇન્ડોનેશિયાની ખાણો બંધ હોવાથી અને ઇવી કારની વધતી ડિમાન્ડ પણ જવાબદાર
વૈશ્વિક બજારમાં કાચા માલના ભાવમાં થયેલા અસહ્ય વધારાને કારણે રાજકોટના મુખ્ય ઉદ્યોગો અત્યારે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે.
સતત સોનાને ચાંદીના ભાવ વધી રહ્યા છે. જેમના કારણે હવે સોનાના અને ચાંદીના વેપારીઓ પણ કોપરનો ઉપયોગ કરવા લાગ્યા છે જેમના કારણે કોપરના ભાવમાં પણ સતત ભાવ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને તાંબા (કોપર) ના ભાવમાં થયેલા સતત વધારાને લીધે ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચ્યો છે, જેની સીધી અસર એક્સપોર્ટથી લઈને ખેતીના સાધનો પર પડી રહી છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના વાઈસ પ્રેસિડેન્ટ પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે કોપરનો ભાવ અંદાજે 8,300 LME હતો, જે હવે વધીને 13,300 LME સુધી પહોંચી ગયો છે.
આમ, સીધો 38% થી 40% નો વધારો જોવા મળ્યો છે. તેમણે ઉમેર્યું કે ડોલર સામે રૂૂપિયો નબળો પડતા (83 થી વધીને 91 થતા) આયાતી કાચા માલના ભાવમાં સીધો વધારો થયો છે. જે નિકાસકારોએ અગાઉ ઓછા ભાવે ઓર્ડર લીધા હતા અને કોપર બુક નહોતું કર્યું, તેમને હવે મોટા નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ભાવ વધતા ઉદ્યોગોમાં વર્કિંગ કેપિટલનું રોકાણ પણ 40% જેટલું વધી ગયું છે, જે નાના એકમો માટે મુશ્કેલ છે.
એક્સપોર્ટના ઓર્ડર મહિનાઓ પહેલા લેવાયા હોય છે, પરંતુ અત્યારે રો-મટીરિયલના ભાવ વધતા જૂના સોદા પૂરા કરવા ખોટ સમાન છે. સોનાના ભાવ વધતા લોકો ઇમિટેશન જ્વેલરી તરફ વળ્યા છે, પરંતુ ત્યાં પણ ’કોપર’ મોંઘું થતા ઉત્પાદન ખર્ચ વધી ગયો છે.
વૈશ્ર્વિક કારણોસર શોર્ટેજની સ્થિતિ: પારસ શિંગાળા
ફેબટેક કેબલ્સના ડિરેક્ટર પારસ સિંગાળાના મતે અત્યારે બજારમાં ભારે અસ્થિરતા છે. તેમણે ભાવ વધારા માટે મુખ્ય ત્રણ કારણો ગણાવ્યા હતા ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં કોપરનો વપરાશ અનેકગણો વધી ગયો છે. ચિલી અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં કોપરની મુખ્ય ખાણો બંધ હોવાથી સપ્લાય ચેઇન ખોરવાઈ છે. રિન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ્સમાં કોપરની સતત માંગ વધી રહી છે. કોપરના ભાવમાં રોજબરોજ ઉતાર-ચઢાવ આવતા હોવાથી વેપારીઓ માલનો સંગ્રહ કરતા ડરે છે. “અમે વેપારીઓને સલાહ આપી રહ્યા છીએ કે ખૂબ જ જરૂૂરી હોય તેટલો જ માલ ખરીદવો. ચીલી અને ઇન્ડોનેશિયામાં ખાણો બંધ હોવાથી અને ઈવી કારની ડિમાન્ડ વધવાથી કોપરની અછત સર્જાઈ છે.”
એક વર્ષમાં ભાવ ડબલ થયા, 70 ટકા ઉત્પાદન ઠપ : જગદીશ કોટડિયા
ફાલ્કન ગ્રુપના ફેપટેક કેબલના મેનેજિંગ ડિરેક્ટર અને ઉદ્યોગ સાહસિક જગદીશભાઈ કોટડીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં મેટલના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. કામ નહિવત હોવા છતાં ફેક્ટરીના હજારો શ્રમિકોની રોજી-રોટી જળવાઈ રહે તે માટે ઉદ્યોગકારોએ મોટો આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે. ખેડૂતો પણ મોંઘી મોટરો અને વાયર ખરીદવા અસમર્થ છે, જેના કારણે બજારમાં 70% જેટલી મંદી જોવા મળી રહી છે.
ઇલેક્ટ્રોનિકસ ચીજોમાં કોપરના કારણે ભાવ વધારો આવ્યો: વેપારી
ઇલેક્ટ્રોનિકના વેપારી કેતનભાઇએ જણાવ્યું હતું કે કોપરમાં સતત ભાવ વધી રહેલા છે જેમના કારણે ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં પણ ભાવમાં વધારે આવ્યો છે ખાસ કરીને આ વર્ષે વોશિંગ મશીન, એ. સી, ફ્રીજ ત્રણ થી ચાર હજાર સુધીનો વધારો આવ્યો છે.
