સતાનો ઉપયોગ પ્રભાવ માટે નહીં પરંતુ સેવા માટે થવો જોઇએ, નમ્રતા અને સહાનુભૂતિ સાથે કામ કરવાથી લોકો સાથે સંબંધો મજબુત બને છે
સુરતમાં તાજેતરમાં ચૂંટાયેલા નવા કોર્પોરેટરો માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. તેમણે તમામ નવા જનપ્રતિનિધિઓને નમ્રતા, જવાબદારી અને પારદર્શિતાથી લોકોની સેવા કરવાની સલાહ આપી છે. સુરતની મજૂરા વિધાનસભા વિસ્તારમાં આયોજિત જનસેવા સાથે ઉપહાર વિતરણ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહ્યું કે જનપ્રતિનિધિ બનવું માત્ર પદ નથી પરંતુ તે એક જવાબદારી છે. લોકોનો વિશ્વાસ જાળવવો અને તેમની સમસ્યાઓનો સમયસર ઉકેલ લાવવો એ દરેક કોર્પોરેટરની પ્રાથમિક ફરજ હોવી જોઈએ.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજકારણમાં સત્તાનો ઉપયોગ પ્રભાવ માટે નહીં પરંતુ સેવા માટે થવો જોઈએ. તેમણે નવા કોર્પોરેટરોને યાદ અપાવ્યું કે લોકો તેમને પોતાની સમસ્યાઓના ઉકેલ માટે પસંદ કરે છે તેથી દરેક નિર્ણયમાં જનહિતને પ્રથમ સ્થાન આપવું જરૂૂરી છે. તેમણે ઉમેર્યું કે નમ્રતા અને સહાનુભૂતિ સાથે કામ કરવાથી જ લોકો સાથેનો સંબંધ મજબૂત બને છે. જો જનપ્રતિનિધિઓ લોકોની વાત સાંભળે અને તેમને યોગ્ય માર્ગદર્શન આપે તો શહેરનો સર્વાંગી વિકાસ શક્ય બને છે.
કાર્યકર્તાઓના મહત્વને સમજાવતા તેમણે કહ્યું કે, કોઈપણ પ્રતિનિધિની જીત પાછળ પાયાના કાર્યકર્તાઓનો પરસેવો હોય છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, પાંચ વર્ષનો સમય ઝડપથી પૂરો થઈ જશે. પાંચ વર્ષ પછી જનતા અને સંગઠન બંને હિસાબ કરશે. જો વ્યવહાર બગાડશો તો તે છૂપો નહીં રહે. યુવાનોને શીખ આપતા તેમણે કહ્યું કે, વડીલોના માર્ગદર્શન વગર લપસી જવાની પૂરેપૂરી શક્યતા છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે શહેરના વિકાસમાં દરેક કોર્પોરેટરનો સીધો ફાળો હોય છે. રોડ, પાણી, સ્વચ્છતા અને અન્ય નગર સેવાઓમાં સુધારણા માટે તેઓએ સક્રિય રીતે કામ કરવું જોઈએ. નવા કોર્પોરેટરોને પારદર્શિતા જાળવવા અને ભ્રષ્ટાચારથી દૂર રહેવાની પણ કડક સલાહ આપી. તેમણે કહ્યું કે જો જનપ્રતિનિધિઓ નિષ્ઠા અને ઈમાનદારી સાથે કામ કરે તો લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બને છે. તેમણે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કાર્યમાં પારદર્શિતા લાવવાની પણ વાત કરી, જેથી લોકો સરળતાથી પોતાની ફરિયાદો રજૂ કરી શકે અને તેનો ઉકેલ ઝડપથી મળી શકે.
હર્ષ સંઘવીએ ખાસ ભાર મૂક્યો કે કોર્પોરેટરોને ઓફિસ સુધી મર્યાદિત ન રહેવું જોઈએ. તેમને ગ્રાઉન્ડ લેવલ પર જઈને લોકો સાથે સીધો સંપર્ક જાળવવો જોઈએ. તેમણે જણાવ્યું કે લોકોની વાસ્તવિક સમસ્યાઓ સમજવા માટે તેમની વચ્ચે રહેવું જરૂૂરી છે. આ રીતે જ યોગ્ય નિર્ણયો લઈ શકાય છે અને વિકાસને ગતિ મળી શકે છે.
“પ્રજા સાથે ગેરવર્તન નહીં ચલાવી લેવાય”
નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પોતાના જ પક્ષના નગરસેવકો અને કાર્યકર્તાઓને સ્પષ્ટ અને કડક શબ્દોમાં શિખામણ આપી છે કે ભારતીય જનતા પાર્ટી એક સંસ્કારી અને શિસ્તબદ્ધ પાર્ટી છે, તેથી કોઈપણ જનપ્રતિનિધિ કે કાર્યકર્તાનું જનતા સાથેનું ગેરવર્તન કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં.
હું નગરસેવક બની ગયો છું તેવો અહંકાર જરાપણ ન રાખતા
નગરસેવકોને સીધી ચેતવણી આપતા ડેપ્યુટી સીએમે જણાવ્યું હતું કે, જ્યારે કોઈ સામાન્ય નાગરિક પોતાની સમસ્યાઓ, પ્રશ્નો કે આશા લઈને તમારી પાસે આવે, ત્યારે તેમની સાથે સન્માનથી વાત કરવી ખૂબ જ જરૂૂરી છે. તેમણે કટાક્ષ કરતા ઉમેર્યું હતું કે, હવે હું નગરસેવક બની ગયો છું કે કોઈ મોટો સાહેબ બની ગયો છું તેવો અહંકાર મનમાં રાખશો, તો ક્યારેય લોકોના હૃદયમાં સ્થાન નહીં બનાવી શકો. કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા હર્ષ સંઘવીએ વાસ્તવિકતા સ્વીકારીને એક બહુ મોટી વાત કહી હતી. તેમણે જણાવ્યું કે, એવું શક્ય નથી કે લોકોનું દરેક કામ તાત્કાલિક જ થઈ જાય, પરંતુ લોકો સાથે તમારો સારો વ્યવહાર અને તેમની પ્રત્યેનો વિશ્વાસ જાળવી રાખવો સૌથી વધુ અગત્યનો છે. જો જનતાનો સાચો વિશ્વાસ જીતવો હોય, તો દિવસ હોય કે રાત, લોકોની સમસ્યાઓ સાંભળવા માટે જનપ્રતિનિધિઓએ હંમેશા પોતાના દરવાજા ખુલ્લા રાખવા પડશે.
